Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નથી, પરંતુ ચેતનરૂપ આત્મા તેમાં અવશ્ય નિમિત્ત છે. જ્યાં ચેતના છે, જ્યાં આત્મા છે, જ્યાં જ્ઞાનસત્તા છે, ત્યાં જ કર્મભોગ થાય છે. નિરાધાર આકાશ પ્રદેશમાં કર્મસત્તા એકલી રહીને પોતાનું ફળ આપે તેવી કોઈ શકિત તેમાં નથી. કર્મસત્તા જીવના આધારે જ છે. કર્મ જયારે ફળ આપે છે, ત્યારે જીવ તેમાં જ્ઞાત કે અજ્ઞાત ભાવે જોડાયેલો છે, તેથી ફળદાતા તરીકે ઈશ્વરને ન ગણતા આત્માની હાજરી ફળદાતામાં સ્વીકારેલી છે. કર્મનો પરિપાક થતાં કર્મ પોતાના ગુણધર્મ અનુસાર પરિણામ પામે છે.
કારીગર ગમે તેવો કુશળ હોય અને લાકડામાંથી મૂર્તિનું નિર્માણ કરે, ત્યારે જ કાષ્ટ દ્રવ્ય પોતાના ગુણધર્મ અનુસાર જ પરિણામ પામે છે. કારીગર લાકડામાંથી લોખંડની મૂર્તિ બનાવી શકતો નથી. આત્મસત્તા કે જ્ઞાનસત્તા સમર્થ હોય પણ તે પદાર્થના ગુણધર્મને ફેરવી શકતી નથી. કોઈપણ પદાર્થ કે કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામ પામે છે. નિમિત્તરૂપ રહેલા આત્મા કે ઈશ્વર કોઈપણ પદાર્થના પરિણમનમાં પરિવર્તન કરી શકતા નથી, તેથી અહીં ફળદાતા તરીકે ઈશ્વરને માન્યા નથી. જૈનદર્શન અનુસાર ઈશ્વર સત્તાને જો દ્રવ્યસત્તા રૂપે સ્વીકારવામાં આવે, તો તે વિશ્વનું ઉપાદાન છે અને જો ચેતનાશકિતને ઈશ્વર માનવામાં આવે, તો તે નિમિત્ત કારણરૂપ ઈશ્વર છે પરંતુ પરમ શુદ્ધ નિર્મળ જ્ઞાનદશાને જો ઈશ્વર તરીકે માનવામાં આવે, તો તે ફકત પોતાના શુધ્ધ ભાવોના જ કર્તા છે. કોઈપણ પ્રકારના સાંસારિક પર્યાયના કારણભૂત ન હોવાથી તે ઈશ્વર કેવળ ઉપાયરૂપ દેવાધિદેવ ભગવાન છે. નિમિત્ત અને ઉપાદાનની સ્વચ્છ વ્યાખ્યા કર્યા પછી ઈશ્વરનું સ્પષ્ટ સ્વરૂપ નિશ્ચિત થાય છે અને જૈનદર્શનમાં જે ઈશ્વરનું વિશિષ્ટ સ્થાન છે તે પણ સમજી શકાય છે. આ ગાથામાં ફળદાતા તરીકે ઈશ્વરનો પ્રતિકાર કર્યો છે. તે ઘણો જ ન્યાયમુકત અને તર્કશુદ્ધ પ્રમાણભાવ છે કારણ કે જૈનવૃષ્ટિએ ઈશ્વર એક નિરાળી સત્તા છે પરંતુ આનો અર્થ એમ પણ નથી કે કર્મમાં જીવાત્મા રૂપી ઈશ્વર નિમિત્ત રૂપ નથી. જીવાત્મામાં જે કાંઈ ઐશ્વર્યા છે, તે કર્મફળમાં ભોકતારૂપે ભાગ ભજવે છે. તેથી જ શાસ્ત્રકાર એમ કહે છે કે કર્મ સ્વભાવે પરિણમે.
કર્મ સ્વભાવ : કર્મસ્વભાવ તે શું છે ? કર્મ જયારે નિર્માણ થાય છે ત્યારે તેના બધા ગુણધર્મો નિશ્ચિત થઈ જાય છે. જેમ કોઈ કંદોઈ મિષ્ટાન તૈયાર કરે છે, ત્યારે બધા દ્રવ્યોનો ઉપયોગ કરી એક પિંડ તૈયાર કરે છે પરંતુ જે પિંડ તૈયાર થાય છે, તે પોતાના ગુણધર્મ અનુસાર તૈયાર થાય છે અને આ મિષ્ટાન જે કોઈ ખાય, તેને સ્વાદ આપવા માટે ફરીવાર કોઈ કંદોઈની જરૂર નથી. તે મિષ્ટાન પોતાના સ્વભાવ અનુસાર સ્વાદ આપે છે. આ છે પદાર્થની ગુણધર્મ શકિત અને તેનો સ્વભાવ. એ જ રીતે જીવાત્મા જયારે કર્મ બાંધે છે, ત્યારે કર્મનો પિંડ તૈયાર કરે છે. તેને સત્તાનિષ્ઠ કર્મો કહેવાય છે. આપણે તેને કર્મસત્તા કહીએ છીએ. આવી નિર્માણ પામેલી કર્મસત્તા કે કર્મપિંડ પોતાના સ્વભાવ અનુસાર શુભાશુભ પરિણામ આપે છે, ફળ આપે છે પરંતુ તે ફળનું અધિકરણ મુખ્યરૂપે જીવાત્મા જ બને છે. જે જીવાત્મા કર્તા હતો, તે હવે ભોકતા બન્યો છે. ઝેર ખાનાર વ્યકિત ઝેર ખાતી વખતે કદાચ સ્વતંત્ર હોઈ શકે, પરંતુ ઝેર ખાધા પછી ઝેર પોતાના સ્વભાવ અનુસાર ફળ આપે છે, ઝેર ખાનારનું મૃત્યુ થાય છે. આ છે સ્વભાવ પરિણમન,
GSSSSS
SIN(૩૨૧)NINGS