Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આ છે કર્મસત્તાનું સ્વભાવ પરિણમન.
અહીં કૃપાળુ ગુરુદેવે ઘણી જ સિફતથી ભોકતાભાવમાં કર્મસત્તાનું અને તેની ફળ આપવાની શકિતનું જે નિરૂપણ કર્યું છે, તેમાં તેમની ઊંચી પ્રતિભાના દર્શન થાય છે. સ્વભાવ પરિણમન શબ્દ મૂકીને અર્થાત્ ‘કર્મ સ્વભાવે પરિણમે' એમ કહીને કર્મનું ઐશ્વર્ય સ્થાપિત કર્યું છે અને કર્મમાં ગુપ્ત રહેલો ઈશ્વરભાવ સ્વયં પોતાનું કાર્ય કરે છે, માટે હવે બહારના કોઈ નિયામકની જરૂર નથી. તેમ કહી ફળદાતા તરીકે ઈશ્વરને કર્મલીલામાં ન જોડતાં, સાચી રીતે ઈશ્વર જ્ઞાન અને ભકિતરૂપી ફળ આપે છે, તે બાબત ગંભીર મંતવ્ય પ્રગટ કર્યું છે. આ ગાથાથી એ સ્પષ્ટ થાય છે કે ઈશ્વર નથી કે ઈશ્વર કંઈ ફળ આપતા નથી, તેવો કોઈ ભાવ નથી. ઈશ્વર છે અને તે શુધ્ધ ફળ આપે છે. કર્મજંજાળના ફળમાં કર્મસ્વભાવ જ પર્યાપ્ત છે. તેમાં હવે ભગવાન જેવી દિવ્યસત્તાને વચમાં લાવવાની જરૂર નથી. તેમ કહીને કવિરાજે બહુ જ બારીક રીતે એક પ્રચંડ વિવાદનું નિરાકરણ કર્યું છે. આ વિષયનો ક્રમિક વિચાર કરી ફરીથી તેને સ્પષ્ટ કરીશું.
જૈનધર્મમાં સાધારણ રીતે મનુષ્ય જે કાંઈ કર્મ પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિનું જે કાંઈ પરિણામ થાય છે, તેને કર્મ કહેવામાં આવે છે. જ્યારે લૌકિક વ્યવહારમાં જે કાંઈ કાર્ય કે પ્રવૃત્તિ કરે છે, તે બધાને કર્મ કહેવામાં આવે છે. કર્મગ્રંથમાં પણ કર્મની એવી જ વ્યાખ્યા કરી છે કે જે કરાય છે તે કર્મ' પરંતુ સ્વાધ્યાય કરનારાઓ જયારે કર્મ શબ્દ બોલે છે ત્યારે કર્મના કયા અંશને ઉદેશીને બોલે છે તે ખ્યાલ રાખવો જોઈએ. કર્મનો ક્રમ આ પ્રમાણે છે.
(૧) જીવમાં વિભાવની ઉત્પત્તિ,
(ર) વિભાવ અનુસાર યોગોની પરિણતિ,
(૩) યોગોની પ્રવૃત્તિ અનુસાર સારા નરસા કાર્ય અને કર્મપુદ્ગલોનું ગ્રહણ,
(૪) આ કાર્ય અનુસાર કર્મસંસ્કાર અર્થાત્ કર્મબંધન તે પણ કર્મ,
(૫) કર્મરૂપે પરિણામ પામેલી કર્મસત્તા અર્થાત્ સત્તાનિષ્ઠકર્મ, (૬) કર્મનો ઉદયભાવ,
(૭) કર્મનો વિપાક,
(૮) વિપાક અનુસાર શુભાશુભ ફળ, તે કર્મભોગ અને,
(૯) ફળનો ભોગવનાર જીવાત્મા તે કર્મનો ભોકતા.
આ નવ શ્રેણીમાં કર્મ જોડાયેલું છે. આપણે તેને કર્મશ્રેણી કહીશું, જયારે કાર્યરૂપ કર્મ થાય, ત્યારે જ તેનો સ્વભાવ, સ્થિતિ, શકિત અને અનુભાગ તથા તેનું પ્રમાણ, નિશ્ચિત થઈ જાય અને સમયનો પરિપાક થયા પછી કર્મનો સ્વભાવ ફળરૂપે પરિણામ પામવાનો છે પરંતુ આ આખી શ્રેણીમાં એ વાતનું કથન કરવામાં આવ્યું નથી કે જો જીવાત્મા પરાક્રમ કરે, સાધના કરે, તો કર્મના પરિણામમાં પરિવર્તન કરી શકે છે. તે જ રીતે અધિક દૂષિત ભાવો કરી કર્મમાં શુભ સ્વભાવને અશુભરૂપે પણ પરિણમાવી શકે છે. તે વાતનું અહીં ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. અહીં
(૩૨૨)