Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
દિવ્યશકિત છે. શકિતનું સંતુલન શકિતના આધારે નથી પરંતુ કોઈ પ્રગટ અને અપ્રગટ એવા જ્ઞાનાત્મક વિકારી કે અવિકારી ભાવો સાથે સંબંધ ધરાવે છે, આ છે ગૂઢ રહસ્ય. શકિતને ભગવતી માની, દૈવી માની, ઈશ્વરથી પણ પ્રબળ માની, તેની પૂજા કરનારા પ્રબળ સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા છે અને શકિતને માતા માનીને બૃહદ્રૂપે ઉપાસના કરે છે. એટલું જ નહીં પરંતુ તેના ઉપર દૈવી ભાગવત જેવા શાસ્ત્રોની રચના થઈ છે. તેની ઊંચકોટિની સાત્ત્વિક પૂજાનો પરિહાર કરીને રજોગુણી કે તમોગુણી જેવી હિંસક પૂજાને પણ સ્વીકારી લીધી છે અને શકિતનું તમોગુણી સ્વરૂપ પણ પ્રગટ કર્યું છે... અસ્તુ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અણુથી લઈને બ્રહ્માંડ સુધી ફેલાયેલા બધા દ્રવ્યો અનંત કિત ધરાવે છે. આ શકિત પદાર્થના મૂળ સ્વરૂપે સુષુપ્ત અને અવ્યકત હોય છે પરંતુ પદાર્થ જયારે સાંયોગિક અવસ્થામાં આવે છે, ત્યારે પદાર્થની તિરોહિત શકિત આર્વિભૂત થઈ પોતાનો પ્રભાવ દેખાડે છે. કહેવાનો આશય એ છે કે કોઈપણ સાંયોગિક દ્રવ્યોમાં જે કાંઈ પરિબળ દેખાય છે, તે પદાર્થનો પોતાનો મૌલિક ગુણધર્મ છે. સંયોગનો વિક્ષેપ થતાં કે તેનું વિભાજન થતાં કે વિલય થતાં તે શકિત પુનઃ ફળ આપીને તિરોહિત થઈ જાય છે અર્થાત્ અવસ્થાંતર કરી જાય છે. આ સાંયોગિક અવસ્થા તે એક વિશિષ્ટ પર્યાય છે. આટલા વિવેચનથી સમજી શકાશે કે કર્મસત્તા પણ સાંયોગિક નિર્માણ છે. તેના નિર્માણની સાથે જ તેનું પરિબળ તેમાં પ્રગટ થાય છે. વિશ્વનો આ એક અલૌકિક ક્રમ છે. જેમ ફટાકડો ફૂટયો નથી ત્યાં સુધી તેમાં અવાજ કરવાની શિકત ભરપૂર છે. ફૂટયા પછી તે ભયંકર અવાજ સાથે વિભાજીત થઈ લય પામે છે. એ જ રીતે કર્મનો વિપાક થતાં તેનો વિસ્ફોટ થાય છે અને તે પોતાનો પ્રભાવ પાથરીને ક્ષય પામી જાય છે. જૈન પરિભાષા અનુસાર નિર્જરિત થઈ જાય છે, તેથી વચમાં કોઈ નિરાલા ઈશ્વરતત્ત્વને નિયામક તરીકે માન્યા વિના પદાર્થ સ્વયં ઈશ્વરનું કામ કરે છે. તેમાં શકિતરૂપે ઈશ્વર બિરાજમાન છે, તેમ કહેવું અનેકાંતની દૃષ્ટિએ યથાર્થ નિરૂપણ છે.
અનીશ્વરવાદ તે નાસ્તિકવાદની સમકક્ષાનો સિધ્ધાંત છે. આપણે પોતાને અનીશ્વરવાદી ન કહેવડાવીએ પરંતુ ઈશ્વરસત્તાની સાચી યથાર્ય વ્યાખ્યા કરીએ, તે ન્યાયોચિત છે. રઘુનાથ શિરોમણી જેવા મહાન દાર્શનિક કહે છે કે ઈશ્વર તો સ્વયં અણુ–અણુમાં બિરાજમાન છે. જ્ઞાન અને આત્મા તે ઈશ્વરનું મસ્તક છે, જડદ્રવ્યો તેનું ભૌતિક શરીર છે. બીજા દ્રવ્યો પણ ઈશ્વરનાં અંગ–ઉપાંગરૂપે છે અને નિર્મળ–શુધ્ધ ચૈતન્યરૂપ જ્ઞાન તે ઈશ્વરનું યથાર્થ રૂપ છે. જયારે બાકીનું જે કાંઈ ક્રિયમાણ છે, તે માયા વિશિષ્ટ બ્રહ્મ ઈશ્વરરૂપે કાર્ય કરે છે. જેને આપણે કર્મયુકત ચેતન કહીએ છીએ અને આગળ ચાલીને આપણે જેને દ્રવ્ય ચેતના કહીએ છીએ. તે બધું માયાવી ઐશ્વર્ય છે. આ રીતે જૈનદર્શનમાં પણ અપ્રગટરૂપે ઈશ્વરનું આખ્યાન કરેલું છે અને સંગ્રહનયની દૃષ્ટિએ બધાં દ્રવ્યોને એક સંજ્ઞામાં લઈને મહાસત્તા તરીકે સ્વીકારી છે. પદાર્થમાત્રનું જે કાંઈ ‘સત્' રૂપ છે, તે સંગ્રહનયની દૃષ્ટિએ એક મહાસત્ છે. જયારે જીવાત્મા વિકલ્પ દશામાંથી મુકત થઈ નિર્વિકલ્પ ભાવને ભજે છે, ત્યારે મહાસત્તાનું દર્શન કરે છે. દર્શનનો અર્થ છે નિર્વિકલ્પદશા. આ રીતે મહાસત્ તે જ ઈશ્વરનું સત્તારૂપ સ્વરૂપ છે. આ રીતે વ્યાખ્યા કરી
(૩૧૮)