Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પક્ષનો નિષેધ કરે છે. ગૂઢ ભાવે શંકા એ છે કે સુખદુ:ખ કોઈ અન્યથા કારણે કે બીજા કારણે થતાં હશે પરંતુ તે જીવનાં કર્મફળ નથી. આમ આ શંકાના બે પક્ષ છે.
(૧) જીવ પોતાના કરેલા કર્મ ભોગવતો નથી. (૨) કર્મનાં ફળ પણ ભોગરૂપ નથી.
પણ ભોક્તા નહીં સોય – શંકાકાર જીવના ભોગની અને કર્મના ભોગની બંને ભોગની પરિણતિ વિષે શંકા કરીને કહે છે કે જીવ કર્તા બની શકે છે પણ ભોક્તા બની શકતો નથી. વળ ને પોતાની શંકાને મજબૂત કરતાં કહે છે કે કર્મમાં એવી કઈ યોગ્યતા છે કે જે ફળ આપવાની શક્તિ ધરાવે છે ? શું કર્મને સમજણ છે કે હું આવું ફળ આપું ? કર્મ તો જડ છે. તેને ફળ આપવાની સમજ ક્યાંથી હોય ? ગાથાના ત્રીજા પદમાં શંકાપક્ષને એ જ શબ્દોમાં મજબૂત કરી છે કે જડ કર્મ શું સમજે? શંકાકાર કર્મને જડ માનીને ચાલે છે. હકીકતમાં તો કર્મ જડ છે. તે એકાંતિક સિધ્ધાંત નથી. કર્મનો ભાવપક્ષ જડ નથી ફક્ત દ્રવ્યપક્ષ જ જડ છે પણ આ તો શંકા છે ને ! શંકાકાર શું સમજે કર્મ જડ છે કે ચેતન? તેથી કર્મને જડ માનીને જ શંકા કરે છે કે જડકર્મમાં યોગ્યતા નથી. તેમાં ફળ આપવાની શક્તિ પણ નથી. આખી શંકા આ રીતે પ્રગટ કરી છે કે જીવ કર્મનો કર્તા ભલે હોય પણ તે જીવ કર્મનો ભોક્તા નથી અને ભોક્તા માની પણ કેમ શકાય ? કર્મ તો જડ છે. તેનામાં ફળ આપવાની સમજ નથી.
આટલું કહ્યા પછી શંકાકારની સામે સ્વયં પ્રશ્ન ઊભો છે કે આ બધા સુખદુઃખ રૂપી ફળ કેવી રીતે મળે છે ? ત્યારે કહે છે કે ફળ તો પોતાની મેળે પરિણામ પામે છે. જો આંબામાં કેરી પોતાની મેળે પાકે છે. આકાશમાં વાદળાં પણ પોતાની મેળે ઘેરાય છે. બધા પદાર્થો સ્વતઃ પરિણામ પામે છે અને પરિણામ અનસાર ફળ મળે છે તો અહીં પણ સ્વયં ફળ પ્રગટ થાય અને સુખદુઃખ ઉદ્દભવે છે, તેમાં જીવે કરેલા કર્મનું આ ફળ છે, તેમ કહેવાની જરૂર નથી અને તેમ માનવાની પણ જરૂર નથી.
આ શંકામાં કર્મનો ક્રિયાપક્ષ ઊભો રાખ્યા પછી પણ કર્મના ભોગપક્ષનો નિષેધ કરે છે. કર્મના મુખ્ય જે બે પક્ષ છે, તેમાં જો ભોગપક્ષ માનવામાં ન આવે તો કોઈપણ કર્મમાં સારા કર્મ કે ખરાબ કર્મ, શુભકર્મ કે અશુભ કર્મ, પાપ કર્મ કે પુણ્ય કર્મ, સત્કર્મ કે અસત્કર્મ, તેમ કહેવાનો કશો અર્થ રહેતો નથી. જો કર્મમાં સારા નરસાં ફળ ન મળવાનાં હોય, તો જીવને કર્મનો કર્તા કહેવાનું કોઈ તાત્પર્ય નથી.
અહીં શંકામાં ભોગપક્ષનો લય કરી સમગ્ર કર્મશાસ્ત્ર પર પ્રહાર કરવામાં આવ્યો છે. બધુ સ્વતઃ પરિણામ પામે છે, એમ કહીને જીવ પોતાના કર્મનો જવાબદાર નથી અને તેનો ભોક્તા પણ નથી. શંકાનો પક્ષ તો જુઓ ! વૈદ્યરાજ કહે છે કે તમે આ દવા ખાવાના અધિકારી છો પણ દવાનું ફળ તમને કશું મળશે નહિ. આ ગાયને સારું ખાવાનો અધિકાર છે પણ દૂધ આપવાની જવાબદારી નથી. આ રીતે તેની વ્યાખ્યા કરીએ અને કર્તુત્વની સાથે ભોકર્તુત્વનો વિચાર કરવામાં ન આવે, તો કેવા નાટક સર્જાય અને કેવી ગડમથલ ઊભી થાય તે હાસ્યાસ્પદ બની જાય છે.
જો અહીં જીવ ભોક્તા નથી એમ કહીને તેમ કહેવા માંગે છે કે જીવ ભોક્તા તો છે જ, તે
s(૨૭૫)>