Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિશિષ્ટ ગુણોનો કે નિયમોનો પિંડ છે. વૈદ્યરાજ દવા આપે છે તો રોગ અને દવાનો પણ સંબંધ છે. તે એક શકિતજનક પણ છે અને વિનાશક પણ છે. પદાર્થમાં જેમ ઉત્પાદન શકિત છે તેમ વિનાશક શકિત પણ છે પરંતુ આ બંને શકિતઓ મનમાની ઢંગથી કાર્ય કરી શકે, તેવી વ્યવસ્થા નથી. દરેક શકિત કોઈ ખાસ પરિણામ સાથે જોડાયેલી છે, એટલે વૈદ્યરાજે જે દવા આપી છે, તે કોઈ નિયમના આધારે આપી છે અને તે પ્રમાણે તેનું પરિણામ પણ આવે છે. પદાર્થની પરિણતિમાં જે સત્યના દર્શન થાય છે, તે જ તેની નિયમ વ્યવસ્થાના દર્શન કરાવે છે.
જો કે આ બહુ જ ગંભીર અને વિશાળ શાસ્ત્ર છે. એટલે આપણે અહીં ટૂંકમાં જ ચર્ચા કરીશું કે નિયમ અને સત્ય, પરસ્પર જોડાયેલો ભાવ છે. જયાં નિયમ છે ત્યાં સત્ય છે અને સત્ય છે ત્યાં નિયમ છે. અનિયમિતતા એ જ અસત્ય છે, માટે અહીં શંકાકાર કહે છે કે “જગત નિયમ નહીં હોય” અર્થાત્ જગતના નિયમને ન સમજવાથી કે ન માનવાથી સત્યનો જ સંહાર થઈ જશે. અર્થાત્ સત્ય જેવી વસ્તુ ટકશે નહીં અને પદાર્થમાં કે તેનાં પરિણામોમાં જો સત્ય નહીં હોય, તો બધી વસ્તુ અવ્યવસ્થિત અને ઘાતક બની જશે. તે ગમે ત્યારે ગમે તે રીતે વિરુદ્ધ ભાવોથી પ્રવૃત્તિ કરશે અને ગમે તે રીતે, ગમે ત્યાં ઘટના બનશે પરંતુ એમ બનતું નથી. બધું નિયમસર ચાલી રહ્યું છે. તેનો અર્થ એ છે કે તેના નિયામક ઈશ્વર આ તંત્રને ચલાવી રહ્યા છે, માટે બંને પદમાં કહેવામાં આવ્યું છે કે “ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહિ હોય” ઈશ્વરનો સ્વીકાર કર્યા વિના વિશ્વ વ્યવસ્થા ટકી શકશે નહીં.
ભોગ્ય સ્થાન નહીં હોય ? જો આવી અવ્યવસ્થા થાય, તો શુભાશુભ કર્મનાં ભોગ્યસ્થાન પણ ખંડિત થઈ જશે, કોઈ ભોગ્ય બની શકશે નહીં અને કદાચ ભોગ્ય બનશે તો પણ અવ્યવસ્થિત બનશે. લાકડી હીરાલાલને મારી અને પીડા રામલાલ ભોગવે છે. રસોઈ કરતી વખતે પાણીમાં ચોખા નાંખ્યા પરંતુ તપેલી નીચે ઉતારી, ત્યારે તેમાં ઘઉં દેખાયા, તો આ કેટલી અનિયમિત અને બેહુદી વાતો બની જશે. ભોગ્યસ્થાનો અભોગ્ય બની જશે, તેથી તે શુભ અને અશુભ બંને પ્રકારના જે ભાવો છે, શુભ અને અશુભને ચલાવનાર જે ભોગ્ય કર્મ છે, તેનું પણ કોઈ ચોક્કસ રૂપ રહેશે નહીં, અર્થાત્ ગમે તે કર્મ, ગમે તે જીવને માટે ભોગ્ય બની જશે. આમ ઈશ્વરવાદનો સ્વીકાર કર્યા વિના નિયમ જળવાશે નહીં અને નિયમ માન્યા વિના શુભાશુભ કર્મના ફળ પણ નિશ્ચિતરૂપે ભોગ્ય એટલે ભોગવવા જેવા બનશે નહિ. શુભને બદલે અશુભ ભોગ્ય બની જશે, અને અશુભને બદલે શુભ ભોગ્ય બની જશે. આમ ગોટાળો ઊભો થશે. જો શુભાશુભ કર્મનાં ફળની વ્યવસ્થા છે, તેનો વ્યવસ્થિત ભોગવટો છે, તો તેના વ્યવસ્થિત નિયમ પણ છે અને જો વ્યવસ્થિત નિયમ છે તો તે નિયમને વ્યવસ્થિત ચલાવનાર નિયંતા પણ ઉપર બેઠો છે. આમ આ ' ત્રિબિંદુ ત્રિકેન્દ્રીય વ્યવસ્થા માનવી જ પડશે.
(૧) ઈશ્વર (૨) નિયમ (૩) ભોગ્યસ્થાન
ઈશ્વર છે, તો નિયમ છે અને નિયમ છે, તો ભોગ્ય વ્યવસ્થા છે. ઈશ્વર નથી, તો નિયમ નથી અને નિયમ નથી, તો ભોગ્યવ્યવસ્થા પણ નથી. કર્તા, નિયમ, અને ફળ, ત્રણેય તત્ત્વ એક
S.
.
..
(૨૮૭) SS