Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ક્રિયા કર્મની જનેતા છે અને ક્રિયાનો જનક ચેતન છે. આમ ચેતન અને ચેતનની ક્રિયારૂપ માતા-પિતા કર્મરૂપી બાળકને જન્મ આપે છે. બાળકના જનક અને જનેતા ક્રિયાશીલ બનીને બાળકને જન્મ આપે છે. તે જ રીતે ચેતન અને તેની ક્રિયા બંને ક્રિયાત્મક બની કર્મને ઉત્પન્ન કરે છે. સિદ્ધિકાર કહે છે કે જુઓ, આ ક્રિયા જ ન હોય અને ચેતન કશું કરતું ન હોય, તો ગાથામાં જેમ કહ્યું છે “જો ચેતન કરતું નથી.” તેમાં શું કરતું નથી, તે અધ્યાહાર રહી જાય છે. અર્થાત્ કશું કરતું નથી. અથવા કોઈ ક્રિયા કરતું નથી. ચેતનમાં કોઈપણ પ્રકારનું હલનચલન થતું નથી. જો ચેતન સર્વથા સ્થિત ભાવે હોય, તેમાં ક્રિયાત્મક પર્યાય ન હોય, તો ચેતનની સાથે કર્મનો સંબંધ બંધબેસતો નથી, માટે સિદ્ધિકારે આ પદમાં ચેતન ક્રિયાશીલ છે, તેમ અન્યથા ભાવે કહ્યું છે. સિદ્ધિકાર એમ કહે છે કે “જો ચેતન કરતું નથી.” અર્થાત્ જો ચેતનનો હોઠ પણ ફરકતો નથી, તો વાણી ક્યાંથી નીકળે ? જે કૂવામાં પાણી નથી તે કૂવામાં બાલટી ક્યાંથી ડૂબે? તેમ આ વાક્યમાં કવિરાજે અધ્યાર્થભાવ રાખીને ઘણા ગંભીર ભાવોનો નથી કરતું' જેવા નિષેધાત્મક શબ્દોથી ઉલ્લેખ કર્યો છે. “નથી કરતું' એટલે કરે છે, અને કરે છે તો શું નથી થતું? અહીં નિષેધ શૈલીથી કર્મનું ઉલ્કાવન કર્યું છે. પ્રથમ પદમાં “જો' કહીને ચેતન અક્રિયાત્મક છે, તો કર્મ પણ અક્રિયાત્મક છે, એમ પરસ્પર બંનેના અભાવની પુષ્ટિ કરી છે. એક પ્રકારે સૈદ્ધાંતિક શરતવાળો ભાવ મૂક્યો છે. આકાશ નથી, તો ચંદ્ર પણ નથી અને પૃથ્વી નથી, તો જંગલ પણ નથી. આમ કરોડો અભાવોની સૃષ્ટિ થઈ શકે છે અને તેને પરિણામે સમગ્ર વિશ્વ શૂન્ય રહી શકે છે. અભાવ-અભાવનો જનક છે. તે સિદ્ધાંત ઉપર આ ગાથાની અભિવ્યક્તિ કરી છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે “ની સતો. विद्यते भावो नाभावतो विद्यते सतोः'।
અર્થાત જે અસત છે તેનાથી કોઈ સદ્ભાવ પ્રગટ થતો નથી. તે સિધ્ધાંત ઉપર આપણા સિદ્ધિકાર કહે છે કે જો ક્રિયાનો અભાવ છે, તો કર્મનો પણ સદ્ભાવ થઈ શકતો નથી. આ અભાવાત્મક કથનથી કહેવાનું તાત્પર્ય એ છે કે ચેતન કાંઈક કરે છે. ચેતનમાં ક્રિયા છે. અહીં આપણે થોડા ઊંડાણથી વિચાર કરીએ કે ચેતનમાં કઈ જાતની ક્રિયા છે ? ચેતનની ક્રિયા સ્વયં ચેતન પર આધારિત છે કે ચેતનમાં જે ક્રિયા થાય છે તેમાં કશું નિમિત્તભૂત કારણ છે ? એકલું ચેતન આ ક્રિયા કરે છે કે ત્યાં વૈતભાવ છે ? વળી બીજો પ્રશ્ન એ છે કે ચેતનની આ ક્રિયા ઈચ્છાપૂર્વક થાય છે કે ઈચ્છાની પરવાહ કર્યા વિના બળપૂર્વક થાય છે? જે જીવોમાં ઈચ્છાશક્તિ નથી, ત્યાં પણ ચેતન ક્રિયાત્મક છે, તેથી એમ લાગે છે કે ચેતનની આ ક્રિયા ઈચ્છાની અપેક્ષા વિના ચાલે છે. અસ્તુ.
સ્વતંત્ર એકલું ચેતન કશી ક્રિયા કરી શકે નહીં કારણકે તે જ્ઞાનાત્મક તત્ત્વ છે અને જ્ઞાન નિષ્ક્રિય છે માટે આપણે પૂર્વમાં કહી ગયા છીએ તે પ્રમાણે કર્મચેતનાને આધારે ક્રિયા થાય છે. કર્મચેતનામાં ભૂતકાળના કર્મ કારણભૂત છે. અહીં આપણો પ્રશ્ન એ હતો કે ચેતનની આ ક્રિયા ક્યા પ્રકારની છે ? જો કે આ બુદ્ધિના ક્ષેત્રથી પર અતિ ગૂઢ સૂક્ષ્મ પ્રશ્ન છે, પરંતુ ચેતનમાં જે ક્રિયા થાય છે, તે યોગજનિત ક્રિયા છે. જે જીવને મનવચનના યોગ નથી, તેવા એકેન્દ્રિય જીવોને કાયાનો યોગ તો છે જ. યોગ સ્વયં સ્પંદનશીલ છે, તેમાં ગતિશીલતા છે, કંપની છે. આ કંપન
\\\\\\\\\\\(૨૪૮) SSSSS