Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આવી શકતા નથી. જ્યારે બીજી જાતના પરિવર્તનમાં બે પદાર્થો પરસ્પર સંશક્ત થયા પછી તે પદાર્થ પોતાનું મૂળરૂપ જાળવી રાખે છે. પાણીથી વરાળ બને છે પરંતુ પુનઃ વરાળનું પાણી બની શકે છે. આમ કોઈપણ સંગથી ઉત્પન્ન થયેલું પરિવર્તન પદાર્થના સ્વરૂપનો નાશ કરી શકતું નથી. તેવા પદાર્થો મૂળમાં અસંગ છે. કોઈ કારણથી સાપેક્ષ ભાવે વ્યવહારદશામાં સંગયુક્ત બન્યા છે પરંતુ સ્વભાવે સર્વથા અસંગ છે. આશ્ચર્ય એ છે કે વ્યવહારદશામાં જ્યારે જીવ અસંગ નથી, ત્યારે તેનું અસંગપણું પ્રત્યક્ષ થતું નથી. આથી પરમાર્થથી અસંગ હોવા છતાં વ્યવહારદશામાં તે અસંગભાવ પ્રતિભાસિત થતો નથી.
તેથી આપણા શાસ્ત્રકાર કહે છે કે કેવળ હોત અસંગ જો' અર્થાત્ અસંગભાવ પ્રત્યક્ષ થવો જરૂરી હતો પરંતુ અસંગભાવ પ્રત્યક્ષ થતો નથી, તેનો અર્થ એ છે કે અત્યારે જીવાત્મા અસંગ સ્થિતિમાં નથી, તેથી બીજા પદમાં જે પ્રશ્ન કરે છે કે “ભાસત તને ન કેમ ?' અર્થાત્ વર્તમાનકાળે જો અસંગ હોત, તો હે ભાઈ ! હે પ્રતિપક્ષી બંધુ ! તને પ્રત્યક્ષ કેમ દેખાતો નથી ? અર્થાત્ દેખાવો જોઈએ. આ રીતે શાસ્ત્રકારે વ્યવહારદશામાં જીવની અસંગદશાનો પ્રતિકાર કર્યો છે પરંતુ ત્રીજા પદમાં કહે છે કે નિશ્ચયથી તો જીવ અસંગ છે. પરમાર્થ એટલે નિશ્ચયનય, પરમાર્થ એટલે પરમદશા, પરમાર્થથી એટલે સરવાળે જીવ અસંગ છે પરંતુ તે અસંગદશા વ્યવહારિક અવસ્થામાં સિદ્ધ થતી નથી. જો વ્યવહારિક દશામાં પણ અસંગ હોય, તો આખું ક્રિયમાણ અટકી જાય છે. કર્મ કરવાની કે કોઈ પણ બીજી ક્રિયા કરવાની સ્થિતિ નિષ્પન્ન થતી નથી.
ગાથાના ત્રણ પદમાં નિશ્ચયનય અને વ્યવહારનય બંને નયથી જીવનું અસંગપણું અર્થાત્ ગુપ્ત અસંગપણું અને પ્રગટ સસંગપણું, આ બંને ભાવ વ્યક્ત કર્યા છે. વ્યવહારમાં જીવનું અસંગપણું ગુપ્તભાવે છે. અર્થાત્ અસંગપણું તિરોહિત છે, તેથી અસંગપણું દષ્ટિગોચર થતું નથી. અને નિશ્ચયથી અસંગપણું ત્રિકાળવર્તી છે. અસંગભાવ તે સાધનાનો મુખ્ય પાયો છે. અસંગભાવને પ્રાપ્ત કરવું, તે પ્રધાનલક્ષ છે પરંતુ ખરેખર અત્યારે પણ જો અસંગ હોય, તો સાધનાની આવશ્યકતા રહેતી નથી. માટીમાં સોનું છે, તે હકીકત છે પરંતુ વર્તમાનકાળે શુદ્ધ સોના રૂપે પ્રગટ નથી. જો શુધ્ધ સોના રૂપે પ્રગટ હોય, તો સોનું ગાળવાની અથવા સોનાને પ્રગટ કરવાની કોઈ ક્રિયા કે પ્રક્રિયાની આવશ્યકતા રહેતી નથી. સોનું છે પણ વર્તમાને તેની અંશુધ્ધ અવસ્થા છે. તેમ જીવ અસંગ છે પણ અત્યારે અશુધ્ધ અવસ્થા છે અર્થાત્ કર્મનો સંગ છે, કર્મથી ઉદય પામતા ભાવોનો પણ સંગ છે, એ જ રીતે વિષયોના આસ્વાદનો પણ તેને સંગ છે. આ બધા માયામય ભાવોને કારણે પ્રગટ થયેલા સંસ્કારોનો સૌથી મોટો સંગ છે. આવો સંગ તે જ આસક્તિનું કારણ છે, તેથી કર્માધીન જીવને અસંગપણું ક્યાંથી ભાસે? અર્થાત્ ક્યાંથી દેખાય? માટે સિદ્ધિકાર પૂછે છે કે “ભાસત તને ન કેમ ?' - ભાસત તને ન કેમ? જો કે આવી અજ્ઞાનદશામાં પણ જ્ઞાતા-દ્રષ્ટા સ્વયં જ્ઞાન ભાવે જુદો હોય છે. અજ્ઞાની જીવ પણ બોલે છે કે હું જોઉં છું, હું માનું છું, હું ભોગવું છું, હું આ પ્રમાણે કામ કરું છું. ઈત્યાદિ ભાવોમાં હું કહીને જ્ઞાતા તરીકે સ્વયં નિરાળો છે, તે સ્પષ્ટ કરે છે. શાસ્ત્રકારે પણ આ વાત લક્ષમાં રાખીને તુંકારો કરીને “ભારત તને ન કેમ ?” એમ પૂછ્યું છે. આ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS(૨૫૬) SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS