Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કર્મહીનતા, પ્રલોભન, ચારિત્રહીનતા અને ક્ષણિકભાવોનો આશ્રય કરીને ઘણા મત અને સંપ્રદાયો અસ્તિત્વ ધરાવે છે. » બધા મતે અને વિવાદના મૂળમાં કારણભૂત આસકિત અને પરિગ્રહના ભાવો કે ભોગાત્મક ભાથો ભરેલા હોય છે. સમગ્ર ધર્મ વિરોધિ અથવા અશુદ્ધ માર્ગની સ્થાપના કરનારા જે કોઈ સિદ્ધાંતો છે, તેના મૂળમાં સંસાર ભરેલો છે, ભોગ અને આસકિત ભરેલા છે. આવા વિભાવોના આધારે, સંપ્રદાયના ઝંડાઓ ફરકે છે. !- આ ગાથામાં બહુ જ સંક્ષેપમાં આ બધા વિવોદોના કારણભૂત જે મિથ્યા વિચારો છે, તેની અભિવ્યકિત કરી છે. અત્યાર સુધી પ્રતિપક્ષીની ઘણી શંકાઓ અને વિચારણાઓને વ્યકત કર્યા પછી સિદ્ધિકાર સ્વયં અધ્યાત્મ માર્ગના એક પછી એક સોપાન પ્રદર્શિત કરવા તત્પર થયા છે, જેનું આપણે આગળની ગાથાઓમાં દર્શન કરીએ.
આધ્યાત્મિકસંપૂટ – આમ તો આ ગાથા શંકાના પક્ષની છે પરંતુ અધ્યાત્મ શ્રેણીએ ચડેલા સાધક માટે આ બધી શંકાઓ થવી જરૂરી છે અને એક પ્રકારે તે જાગૃત અવસ્થાની પરિચાયક છે. સંસારમાં મોહ ભરેલા મૂઢ માણસો તો આવી કોઈ શંકામાં ઉતરતા નથી. તેમજ કલ્યાણનો વિચાર પણ કરતા નથી પરંતુ જીવ જાગૃત થાય, ત્યારે એક પછી એક નિર્ણય કરીને આગળ વધે છે, સાચો માર્ગ શું છે, તે જાણવા મળે છે. કોઈ સાચો માર્ગ બતાવે, તો તે માર્ગ સાચો છે કે કેમ? તેની શંકા દ્વારા પરીક્ષા કરે છે અને પરિપકવ બુદ્ધિ થયા પછી આગળ વધે છે. કર્મ કે આત્મા વિષે વિચારણા કરવાથી કે તત્ત્વોનો વિચાર કરવાથી મનુષ્યનું મન વાસનાથી મુકત થાય છે. સાંસારિક વાસનાનો ક્ષય થયા પછી જ્ઞાનવાસના ઉદ્ભવે છે. જેને શાસ્ત્રમાં જ્ઞાનચેતના કહી છે. આ આખી ગાથા એક પ્રકારનું જ્ઞાનનું જાગરણ છે. આ પ્રકારની જાગૃતિ પણ નિર્જરાનો હેતુ છે. શંકા કરવી, તે એક પ્રકારનો પ્રશ્ન છે. પ્રશ્ન એ સ્વાધ્યાયનું અંગ છે. એટલે જ વાંચના, પૃચ્છના, ઈત્યાદિ ભાવો સ્વાધ્યાય તપમાં મૂકયા છે. આટલી ગાથાની ઉજળી બાજુ અધ્યાત્મ ભાવોને પ્રગટ કરે છે... અસ્તુ.
ઉપસંહાર : મોક્ષના ઉપાયના કારણોનો પરિહાર કરીને જીવનું કર્તાપણું બિનજરૂરી છે. અથવા કદાચ કર્તા પણ ભલે ને રહે, તેનો કોઈ અર્થ નથી. આ રીતે ગાથામાં અધ્યાત્મતત્ત્વને સમજવા માટે પ્રશ્ન ઉત્પન્ન કર્યો છે. પ્રશ્ન સ્પષ્ટ થવાથી ઉત્તરની પણ અપેક્ષા રહે છે. ગાથા સાપેક્ષ ભાવને વ્યકત કરીને બુદ્ધિ પ્રતિભાને સ્પર્શ કરી રહી છે પરંતુ બુદ્ધિ એકપક્ષી હોય છે. જેને જૈનદર્શનમાં નય કહેવામાં આવે છે. તત્ત્વસ્પર્શી વૃષ્ટિ છે, તે નય છે અને અતત્ત્વસ્પર્શી દૃષ્ટિ તે નયાભાસ છે. આ ગાથા નયાભાસનું સ્પષ્ટ ઉદાહરણ છે. નયાભાસ જયારે બાજુ ફેરવે છે, ત્યારે નય તરફ ફેરવે છે અથવા મિથ્યાભાવ તરફ વળી શકે છે. આ ગાથામાં ઉજળો નયાભાસ છે. આપણે આટલો ઉપસંહાર કરીને આગળ “નયેષ્ટિના દર્શન કરીએ.