Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આશ્ચર્ય એ છે કે સંસ્કારનું આટલું બધુ વ્યાપક ક્ષેત્ર હોવા છતાં અને જૈનગ્રંથોમાં સંસ્કાર શબ્દનો ઉલ્લેખ હોવા છતાં સૈદ્ધાંતિક રીતે સંસ્કારનું વિવેચન કરવામાં આવ્યું નથી. નવતત્ત્વ, આઠકર્મ, કે છ દ્રવ્ય ઈત્યાદિ વિષયોનું જે સૂક્ષ્મ વિવેચન પ્રાપ્ત થાય છે, તેમ સંસ્કાર વિશે કોઈ નિશ્ચિત સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવ્યો નથી. આ ભાવ જૈનદર્શનમાં અધ્યાર્થ ચાલ્યો આવે છે પરંતુ સંસ્કાર એક હકીકત છે. એક ખાસ ક્રિયાઓના વાસ્તવિક બીજ છે. જીવો જે કર્મબંધન કરે છે, તે પણ પૂર્વજન્મના સંસ્કારના આધારે થતો હોય છે અને આ વર્તમાન જન્મમાં પણ કોઈ ક્રિયાની પુનઃ પુનઃ આવૃત્તિ થાય, તો તેમાંથી જે સંસ્કાર ઉદ્ભવે છે, તે આ જન્મમાં કે અન્ય જન્મમાં પણ ફળ આપી શકે છે. સંસ્કાર શું છે તે આપણે શબ્દાર્થ અને ભાવાર્થ બંને રીતે વિશ્લેષણ કરી, હવે તેના વધારે ઊંડા આધ્યાત્મિક ભાવોમાં પ્રવેશ કરીએ. શાસ્ત્રકારે જે પૂર્વસંસ્કાર’ લખ્યું છે, તે વધારે સ્પષ્ટ કરશું.
પૂર્વસંસ્કાર : સંસ્કારની વ્યાખ્યા તો થઈ પણ પૂર્વસંસ્કાર એટલે શું ? જેમ પૂર્વ સંસ્કાર હોય, એમ શું અપૂર્વ સંસ્કાર પણ છે ? એ જ રીતે શું ઉત્તરસંસ્કાર પણ જોઈ શકાય છે ? શું પૂર્વકર્મ અને પૂર્વસંસ્કાર એક જ વસ્તુ છે ? કર્મ અને સંસ્કારમાં શું શું વિશેષ અંતર છે ? જે સંસ્કારો નિષ્પન્ન થાય છે, તે કર્મના પ્રભાવથી થાય છે કે કર્મ કરવાની સાથે જ તેનો ઉદ્ભવ થાય છે ?
આવા થોડા પ્રશ્નો કર્યા પછી આપણે તેની મીમાંસાને તત્ત્વતઃ તપાસીએ. પૂર્વ સંસ્કાર કે સંસ્કાર તે બંનેમાં થોડું અંતર છે. વર્તમાન જીવનમાં પણ કેટલાક સંસ્કાર થાય છે. સનાતન ધર્મમાં તો સોળ સંસ્કાર પ્રસિદ્ધ પણ છે. જો કે આ તો બાહ્ય અને કૃત્રિમ સંસ્કાર છે પરંતુ તે સિવાયના વર્તમાન જીવનમાં પણ નિત્ય અને અનિત્ય સારા નરસા કાર્યો અથવા તેવા કાર્ય કરવાની આદત થવી, તે પણ એક સંસ્કાર છે. આ બધા સંસ્કારો સામાન્ય સંસ્કાર છે. તેને પૂર્વ સંસ્કાર કહી ન શકાય. પૂર્વ સંસ્કાર એ એક વિશેષ અવસ્થાનું આખ્યાન કરે છે. ભૂતકાળમાં જીવાત્માએ જે કાંઈ કામો કર્યા છે, તેના આધારે સંસ્કાર પ્રણાલીનું નિર્માણ થાય છે. હકીકતમાં ભૂતકાળના કર્મ અને સંસ્કાર, બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. પ્રત્યેક કર્મ પોતે એક સંસ્કારને જન્મ આપે છે. આશ્રવ ભાવને આધીન થયેલા જીવ જયારે કર્મ કરવા પ્રેરિત થાય છે અને તે જે કાંઈ શુભાશુભ કર્મ કરે છે, તે કર્મમાં તેનો સ્વાર્થ ઉપરાંત એક આસ્વાદ પણ હોય છે. પાપ કર્મ કરે, ત્યારે તેને મીઠું લાગે છે અને પુણ્ય કર્મ કરે છે, ત્યારે દાન, દયા આદિ શુભભાવથી પણ એક આહ્લાદ ઉત્પન્ન થાય છે. આ એક ઘણી જ ગૂઢ વાત છે.
આશ્રવ ભાવોથી કર્મ થાય છે, તેમ કહીને શાસ્ત્ર અટકી જાય છે પણ કર્મના સ્વાદ વિષે વધારે ચર્ચા કરી નથી. આ બાબત કેટલાક શબ્દો અને ભાવો મળી આવે છે પરંતુ હકીકતમાં જીવ જે સ્થૂળ કર્મ કરે છે, તેનો કડવો કે મીઠો કોઈ પ્રકારનો આસ્વાદ જીવને વિષયભાવે સ્પર્શ કરે છે. આશ્રવ તે કર્મનું મૂળ છે અને સંસ્કાર તે કર્મનું ફળ છે. બંનેની એકજ પરંપરા હોવા છતા બંનેમાં થોડું રૂપાંતર પણ છે. આશ્રવજન્ય કર્મ અને કર્મજન્ય સંસ્કાર. જીવ જે કર્મ કરે છે તેના આસ્વાદિક ભાવોથી જીવમાં એક સૂક્ષ્મ ભાવ અંકિત થાય છે. જેને પ્રતિક્રિયા કહેવાય છે. જેમ વાસણ ઉપર
૧૯૨)