Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ચેતનને ઉત્પન્ન કરતો નથી. તે નિશ્ચય પર પહોંચ્યા છે અને તેથી જ સ્પષ્ટ કહે છે કે “કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય', આવું દૃઢ વાકય બોલીને સાથે સાથે કહે છે કે આ બધા સંયોગોમાં ચેતનને નાશ કરવાનું પણ સામર્થ્ય નથી. કોઈ પણ સંયોગોમાં તે લુપ્ત થતો નથી. અહીં નાશ ન તેનો કોઈમાં' અર્થાત્ કોઈ પણ સંયોગમાં સાતમી વિભકિતનો પ્રયોગ કર્યો છે. અર્થાત્ "કોઈમાં એમ કહ્યું છે. તેનો અર્થ “કોઈ કારણથી” એવો થાય છે અર્થાત્ કોઈ કારણથી તેનો નાશ થતો નથી, જેમ સાકર પાણીમાં ગળી જાય, તેમ ચેતન કોઈ પદાર્થમાં ગળી પણ જતો નથી પીગળી પણ જતો નથી. અહીં સાતમી વિભકિત કારણ રૂપે અને અધિકરણ રૂપે પ્રયકત થઈ છે. - સિદ્ધિકારની આ શબ્દકળા છે કે ઠેર ઠેર ગુજરાતીના થોડા શબ્દોમાં બેવડા બેવડા અર્થનો સંગ્રહ કર્યો છે.
સંયોગોમાં ઉત્પત્તિ અને વિનાશ એ બંને પર્યાયો ચાલુ હોય છે પરંતુ આ બંને પર્યાયો આત્માથી દૂર છે. આત્મા સંયોગના આ ઉત્પત્તિ અને વિલયના બળથી પ્રભાવિત થતો નથી. સંયોગનું પરિબળ સંયોગોમાં જ સમાય છે. આવો ગહન સિદ્ધાંત તેમણે સ્પષ્ટ વાણીમાં ઉચ્ચાર્યો છે અને ત્યારપછી સદાને માટે નિત્ય એવા આત્માને નિશાન બનાવી સંયોગોથી છૂટો પાડી તેનો લક્ષવેધ કરવામાં આવ્યો છે.
આધ્યાત્મિક સંપૂટ : નિત્ય અને શાશ્વત તત્ત્વ એ આધ્યાત્મિક ઉપાસનાનું મુખ્ય લક્ષ રહ્યું છે. જૈન અને જૈનેત્તરદર્શન પણ શાશ્વત તત્ત્વને લક્ષ માને છે. જો કે બૌદ્ધ દર્શનમાં શાશ્વત તત્ત્વનો ઈન્કાર કર્યો છે, છતાં અભાવાત્મક મુકિતને સ્વીકારી છે અને આ મુકિત શાશ્વત છે. જે સ્વયં ઉત્પન્ન થતો નથી અને લય પણ પામતો નથી, તેવો અનુત્પન અને નિર્ભય આત્મા શાશ્ચત આનંદ આપી શકે છે. શાશ્વત નિત્ય તત્ત્વમાં શાશ્વત પરમાનંદની પરિકલ્પના કરી છે. આત્મા શાશ્વત હોય છતાં શાશ્ચત આનંદ ન આપી શકે, તો તે નિર્મૂલ્ય છે. આ ગાથામાં અનુત્પન્ન આત્માનો ભાવ વ્યકત કર્યો છે પરંતુ પરોક્ષમાં પરમાણુનો શાશ્વતભાવ પણ આ કથનનો ઉપહાર છે. આધ્યાત્મિક ગર્ભમાં અને શાશ્વત સ્થિતિમાં શાશ્વત સુખના દર્શન કરવા, તે આ ગાથા રૂપી પેટીમાં મૂકેલો રનહાર છે. પેટી ઉપર “નિત્ય' લખ્યું છે પરંતુ નિત્યમાં બીજું ઘણું નિત્યતત્ત્વ સમાયેલું છે. દહીંમાં જેમ નવનીત ભરેલું છે, તેમ નિત્ય આત્મામાં પરમ સુખનું નવનીત ભરેલું છે. ક્ષણિક સુખ મનુષ્યને ક્ષણભરનું સુખ આપી અનંતકાળનું દુઃખ અર્પણ કરી જાય છે. પાણીમાં ઊઠતા પરપોટા જેમ કોઈ મહત્ત્વ ધરાવતા નથી, તેમ ક્ષણિક તરંગો અનંતની યાત્રામાં મૂલ્યહીન છે. અનંતની યાત્રામાં અનંત સ્થાયી તત્ત્વ જ સાથ આપી શકે છે અને તે છે નિત્ય આત્માનું બહુમૂલ્ય નવનીત. એ જ છે આ ગાથાનો આધ્યાત્મિક સંપૂટ.
ઉપસંહાર : આ ગાથામાં ઉત્પત્તિ અને નાશ, એ બે ભાવો ઉપર મુખ્ય લક્ષ છે. ઉત્પત્તિ અને નાશનો મુખ્ય આધાર બાહ્ય સંયોગો છે પરંતુ જેની ઉત્પત્તિ પણ નથી અને જેનો નાશ પણ નથી, તેનો મુખ્ય આધાર આત્મા છે. પ્રધાનપણે આત્મા ઉત્પન્ન થતો નથી અને તેનો નાશ પણ થતો નથી. સંયોગો આત્માને ઉત્પન્ન કરી શકતા નથી અને તેનો નાશ પણ કરી શકતા નથી. આ રીતે ચૌમુખી સિદ્ધાંત દ્વારા આત્મા સદા કાળ માટે નિત્ય છે, તેમ જણાવ્યું છે.
LAN(૧૮૭) SS