Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પણ સ્પષ્ટ થાય છે. દેહમાં આત્મા છે કે નહિ ? અથવા માણસ જીવતો છે કે નહિ ? તે જાણવા માટે આત્મા દેખાતો ન હોવા છતાં તેના લક્ષણો દેખાય છે અને સામાન્ય માણસ પણ સમજી શકે છે કે શરીરમાં જીવન છે કે નહીં ? ગૂઢ દ્રવ્યો અથવા અગમ્ય, અદ્રુશ્ય દ્રવ્યો જે પરાત્પર છે, તેને સાક્ષાત્ પ્રત્યક્ષ કરી શકતા નથી પરંતુ જાગૃત આત્મા તેના લક્ષણોને પ્રત્યક્ષ કરી શકે છે. દર્શન શાસ્ત્ર પ્રમાણે તેના લક્ષણોને પ્રત્યક્ષ કરી શકે છે. દર્શનશાસ્ત્ર પ્રમાણે હેતુ પ્રત્યક્ષ હોય, ત્યાં સાધ્યનું અનુમાન થાય છે અને આ બધા પ્રત્યક્ષ હેતુઓ સાધ્યના અસ્તિત્વનું ભાન કરાવે છે.
અહીં પણ સિધ્ધિકાર કહે છે કે ચૈતન્ય અર્થાત્ ચેતના પ્રગટ છે અર્થાત્ પ્રત્યક્ષ છે, અનુભવી શકાય તેમ છે. આત્માની ચૈતન્યસત્તા, તે તેનું વિશેષ લક્ષણ છે. સાધક આ ચૈતન્યને બુદ્ધિગમ્ય કરી શકે છે, તેના પ્રભાવને પણ જોઈ શકે છે. ચૈતન્ય એક ચેતના છે. ચૈતન્ય વિષે પ્રથમ થોડું જાણીએ.
ચૈતન્યનું સ્વરૂપ : ચૈતન્યનું સ્વરૂપ શું છે ? પુદ્ગલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ સ્પર્શ ઈત્યાદિ ભૌતિક ગુણોથી ભરપૂર છે અને આ બધા વિષયોને સ્પર્શ કરનારી ઈન્દ્રિયો પણ અસ્તિત્વ ધરાવે છે. ઈન્દ્રિયો વિષયાભિમુખ થાય છે, વિષયનું જ્ઞાન કરે છે. અહીં એ પ્રશ્ન થાય છે કે ઈન્દ્રિયગમ્ય તત્ત્વ તે વિષય છે પરંતુ આ વિષયનું ભાન કરનાર કે અનુભવ કરનાર કોણ છે કે જે ઈન્દ્રિયમાં વ્યાપ્ત થઈને ઈન્દ્રિય દ્વારા સારા નરસાનો નિર્ણય કરે છે ? મન અથવા ઈન્દ્રિય પદાર્થનું ગ્રહણ કરે છે પરંતુ તેમાં બીજી વિવેક શકિત નથી. તો મન તથા ઈન્દ્રિયની ઉપર વિષયને ગ્રહણ કર્યા પછી તેના સંબંધમાં સારુ, નરસ, ગ્રાહ્ય, અગ્રાહ્ય ઉપાદેય કે હેય, એવા બધા ભાવોનો નિર્ણય કરનાર કોણ છે ? મન અને ઈન્દ્રિયોની વચ્ચે આ કોઈ મહાન વિવેકી દેવ બેઠો છે અથવા એવું કોઈ અદ્ભૂત તત્ત્વ છે, જે નિર્ણય કરીને પદાર્થ સંબંધી એક સ્પષ્ટભાવ આત્મામાં અંકિત કરે છે.
જુઓ, આ વિવેકશીલ તત્ત્વ એ જ ચૈતન્ય છે, તે જ ચેતના છે. આ ચેતના જ આત્મારૂપી પરમાત્મા દ્વારા વિવેક કરનારું અલૌકિકયંત્ર છે. થર્મોમીટર લગાડયા પછી જેમ જ્વરની પરીક્ષા થાય છે, તેમ આ ચૈતન્ય પણ પરીક્ષા કરીને પ્રમાણ આપે છે. આત્મા વસ્તુ વિષે, વિશ્વ વિષે કે અગોચર દ્રવ્ય વિષે ચૈતન્ય દ્વારા નિર્ણય કરી ગોપ્ય, અગોપ્ય એ બધા ભાવોને પ્રગટ કરે છે. ભૂમિમાં પાણી કયાં છે ? તેના જાણકાર ભૂમિ ખોલ્યા વિના પણ લક્ષણોથી ભૂમિના ઉદરમાં રહેલા ગુપ્ત જલ ભંડારને એક રીતે પ્રત્યક્ષ કરી આપે છે. આ સામાન્ય જ્ઞાનચેતના પણ આવા હજારો ગૂઢ ભાવોને પ્રગટ કરે છે. ખૂબીની વાત તો એ છે કે આ પ્રગટ કરનારું ચૈતન્ય સ્વયં એક જ્ઞાન દિપક છે. જેમ દીપક સ્વયં પ્રકાશિત રહીને અન્ય પદાર્થોને પણ પ્રકાશિત કરે છે, દીપકને પ્રકાશિત કરવા માટે અન્ય દીપકની જરૂર નથી. દીપક સ્વયં પ્રગટ છે અને પ્રત્યક્ષ રહીને પ્રકાશરૂપ લક્ષણોથી તે પોતાનું અસ્તિત્વ પણ જાહેર કરે છે. એ જ રીતે અહીં ચૈતન્ય તત્ત્વ સ્વયં એક જ્ઞાન દીપક છે અને પ્રત્યક્ષ અનુભવાય છે. બીજા અન્ય દ્રવ્યોને પણ તે પ્રત્યક્ષ કરી આપે છે. અથવા શુધ્ધ અનુમાનથી ગુપ્ત સાધ્યોની સિધ્ધિ કરી આપે છે. આ ચૈતન્યને ઓળખવા માટે હવે અન્ય ચૈતન્યની જરૂર નથી. તે સ્વયં પ્રકાશમાન છે. સિધ્ધિકારે આ પદમાં “પ્રગટ રૂપ” અર્થાત્ જેનું રૂપ પ્રગટ છે. અહીં રૂપનો અર્થ રૂપ નથી પણ સ્વરૂપ છે. અહીં ચક્ષુગમ્ય સ્થૂલ રૂ૫ લેવાનું નથી.
LLLLS (૯૨) ....
\\\\\\\\\\\\SSSSSSS