Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
એક વિશદ ચર્ચા : મૂળભૂત સનાતન પ્રશ્ન એ છે કે સંસારના કોઈ દ્રવ્યો, તત્ત્વો કે સંપૂર્ણ વિશ્વ અનંત કાળ માટે સ્થાયી છે, તેમ કહેવા માટે શ્રદ્ધા, આગમ અને આપ્તવાણી સિવાય બીજો કોઈ પ્રબળ આધાર નથી. નાશવંત પદાર્થ સંપૂર્ણ નાશ પામતા નથી. તેનું રૂપાંતર થઈ જાય છે. ઘડો ફૂટે છે ત્યારે ઠીકરા રૂપે જીવે છે. ઠીકરા ફૂટે તો માટી રૂપે જણાય છે. માટીનું રૂપાંતર થાય, તો તે કોઈ જડતત્ત્વરૂપે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. આ બાબતમાં જૈન થિયરી તથા આર્વિભાવ તથા તિરોભાવના સિદ્ધાંતવાળા દર્શનો લગભગ સમાન છે. અર્થાત્ વિશ્વના મૂળ દ્રવ્યોને શાશ્વત માને છે. એ જ રીતે પૂર્ણ નિત્યવાદી દર્શન આત્મા અથવા બ્રહ્મ તત્ત્વને નિત્ય અને શાશ્વત માને છે. આજનું વૈજ્ઞાનિક જગત પણ પદાર્થના મૂળ અસ્વિત્વનો સ્વીકાર કરે છે. આ થયો એક નિત્યવાદી પક્ષ, અખંડ અવિનાશી સ્થિતિનો સ્વીકાર કરે તેવું દર્શન.
જયારે વિપક્ષમાં અનિત્યવાદી દર્શનનો તર્ક એ છે કે કોઈ ચીજ શાશ્વત રહેતી જ નથી. સંપૂર્ણ વિશ્વ પણ અનિત્ય છે, નાશવંત છે, પદાર્થનો સંપૂર્ણ નાશ થઈ જાય છે, જેમ એક પદાર્થ ઉત્પન્ન થાય છે, તેમ કાલાંતરમાં લાખો પદાર્થો પાણીના પરપોટાની જેમ ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે. તેનો કોઈ આધાર નથી. અનિત્યવાદી દર્શન એવો પ્રબળ તર્ક ધરાવે છે કે કદાચ આ વિશ્વની લીલા અમુક કાળ સુધી ટકી રહે, તેમ માનવાની કોઈ જરૂર નથી. સર્વન વિનાશનમ્ જેને ઈશ્વર, આત્મા કે જડ પદાથો કહેવામાં આવે છે, તે પણ સહુ અમુક કાળ ના જ મહેમાન છે પરંતુ અનંત કાળ સુધી શાશ્વત રૂપે ટકી શકે, તેમ કહેવાનું કે માનવાનું કોઈ કારણ નથી. કાળ સ્વયં અનિત્ય છે. આ રીતે આધાર અને આધેય તથા તેનું જ્ઞાન કરનારા બધા તત્ત્વો નાશવંત છે,
આ સિદ્ધાંતના આધારે આ ૬૦ મી ગાથામાં જે શંકાનો ઉદ્ભવ કર્યો છે, તે નાની સૂની શંકા નથી. આ વિશ્વનો એક સનાતન પ્રશ્ન છે. આ ગાથામાં શંકાનું વિવરણ છે. તેથી આપણે શંકા શા માટે થાય છે, તેનું વિશદ વ્યાખ્યાન કર્યુ છે.
સમાધાન તો સ્વયં શાસ્ત્રકાર કરશે.
દેહથી આત્મા કે આત્માથી દેહ : ઉપરમાં આપણે કહી ગયા છીએ, આ પણ એક વિલક્ષણ પ્રશ્ન છે. દેહથી આત્માનું સર્જન થાય છે કે આત્મા સ્વયં દેહનું સર્જન કરે છે. આપણે અત્યારે શંકાકારના પક્ષમાં વાત કરી રહ્યા છીએ, શંકા એ થઈ કે જ્યારે દેહનું સર્જન થાય, ત્યારે જ આત્મા તેમાં ઉત્પન્ન થાય છે. દેહ યોગથી ઉપજે તેમ કહેવામાં આવ્યું છે પણ દેહનો યોગ કેવી રીતે બન્યો? દેહયોગ શું છે કે જેના યોગથી શંકાકાર આત્માની ઉત્પત્તિ બતાવે છે, તે જાણવું જરૂરી છે.
અન્યદર્શનોમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ ભૂત છે અને તેના સંયોગથી દેહનું સર્જન થાય છે, તે પ્રમાણે માને છે. પ્રશ્ન એ છે કે પંચભૂતનો સંયોગ પ્રાકૃતિક રીતે થાય છે કે ઈશ્વરની પ્રેરણાથી થાય છે ? કેટલાક પંચભૂતના સંયોગને પ્રાકૃતિક માને છે. જ્યારે ઈશ્વરવાદી એમ માને છે કે ઈશ્વરની પ્રેરણાથી આ સંયોગ થાય છે. અર્થાત્ સમગ્ર દેહ
SSC(૧૪૫) ISSING