Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અહીં સિદ્ધિકાર કહે છે કે પરિણામ પામનારા પદાર્થો અને અનુભવ કરનાર જ્ઞાતા, બંને સ્વતંત્ર છે તેમજ આ અનુભવ પદાર્થને વશીભૂત નથી પણ જ્ઞાનને વશીભૂત છે.
આ ભાવને પ્રગટ કરવા માટે સિદ્ધિકારે પાછળની ગાથામાં ‘વશ્ય’ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને આ ગાથામાં પણ પુનઃ “વશ્ય' શબ્દનો પ્રયોગ કર્યો છે. “વશ્ય' અર્થાત્ અનુભવ જેને વશીભૂત છે, તે તત્ત્વને ઓળખવા માટે વારંવાર ભારપૂર્વક કથન કર્યું છે.
વશ્યનો મર્મ : 'વશ્ય" શબ્દનો માર્મિક અર્થ શું છે? બે ગુણો કે બે પદાર્થો જયાં સમ્મિલિત હોય, ત્યાં એક તત્ત્વ અધિકારી હોય અને બીજું તત્ત્વ અધિકાર્ય હોય. અધિકારીના ભાવ પ્રમાણે પરિણમન થતું હોય, તે અધિકાર્ય છે. અધિકારીનો અર્થ અધિકરણ પણ છે અને અધિકર્તા પણ છે. જે તત્ત્વ ઉપર અધિકર્તાની પ્રભુતા છે, તે તત્ત્વ અધિકાર્ય છે અથવા જે કર્મ રૂપ પણ છે અથવા કાર્ય રૂપ પણ છે. અધિકાર્યના કરનાર અધિકારી છે. આ રીતે અધિકારી અને અધિકાર્ય, આ બે તત્ત્વમાં એક તત્ત્વ બીજાને વશીભૂત છે. જે વશીભૂત છે તે વશ્ય છે. આ વશ્ય જેને તાબે છે, તે વશ્વનો સ્વામી અથવા વશીકર્તા, અધિકર્તા છે. આ આખી ફિલોસોફી દાર્શનિક છે.
હવે આપણે આ સિદ્ધિાંતને તાત્વિક રીતે જોઈએ, નિશ્ચયનય પ્રમાણે દરેક પરિણમન સ્વતંત્ર હોય છે. દરેક પદાર્થ પોતાના ગુણધર્મ અનુસાર પરિણમન પામે છે. કોઈ કોઈને વશીભૂત નથી. કોઈપણ પદાર્થમાં એવો ગુણ કે એવી શકિત નથી કે અન્ય પદાર્થને વશીભૂત કરી શકે. દરેક પદાર્થનું સ્વતંત્ર અસ્તિત્વ છે. આ દ્રષ્ટિએ વશ્ય શબ્દ સૈદ્ધાન્તિક નથી, તેથી આપણે અહીં વધારે ઊંડાઈથી આ સિદ્ધાંતને વાગોળવો રહ્યો. હકીકતમાં બે પદાર્થ ભલે સ્વતંત્ર હોય શકે પરંતુ દરેક દ્રવ્યના ગુણધર્મો નિશ્ચિત છે અને પોતાના ગુણધર્મ પ્રમાણે તે પદાર્થની પર્યાય અર્થાત્ તેનું રૂપાંતર તે પદાર્થને વશીભૂત છે. પદાર્થ પોતે પોતાની પર્યાયોને પોતાના વશમાં રાખે છે. જે પદાર્થના જેવા ગુણો છે, તે પદાર્થની પર્યાય પણ તે ગુણને અનુસરીને જ થાય છે. ગુણને અનુસરીને ચાલવું તે પર્યાય માટે ગુણના વશમાં રહેવાની નિશ્ચિત પ્રક્રિયા છે, તેથી તે પર્યાય તે ગુણનું વશ્ય તત્ત્વ છે. આ રીતે પર્યાય પોતાના ગુણને વશીભૂત છે.
અંતર નિહિત ગૂઢ અર્થ : ઉપર્યુકત કથનનો સાર એ છે કે આ વશીભૂત પર્યાય બીજા દ્રવ્યોના વશમાં હોતી નથી. જેની જે પર્યાય છે અથવા જે કાંઈ રૂપાંતર છે, તે રૂપાંતર તેના અધિકારી દ્રવ્યની સાક્ષી આપે છે. વશીકર્તા દેખાતો નથી પરંતુ વશ્ય તત્ત્વ તેની હાજરીનું ભાન કરાવે છે. જો આ ગુણ ગુણીનો સંબંધ અનુભવમાં ન હોય અને સ્થળ બુદ્ધિવાળો મનુષ્ય પદાર્થની ઉત્પત્તિ સ્થિતિનો વિજ્ઞાતા એવા આત્માને જો જુદો ન માને, તો ત્યાં ભેદજ્ઞાન થતું નથી અને તે બંનેને જુદા માન્યા વિના કેમે કરીને અથવા કોઈપણ ઉપાયથી આવા મનુષ્યનો જ્ઞાનનો દરવાજો ખૂલતો નથી. એક પ્રકારે તેનું જ્ઞાન કુંઠિત થઈ જાય છે.
ઘણી વખત ઘોડો અમુક જગ્યાએ અટકતો હોય કે ભડકતો હોય, તો ત્યાં ઘોડેસવાર ઘણી ચેષ્ટા કરે, તો પણ ઘોડો આગળ વધતો નથી. ઘોડાના મનમાં કંઈક ભ્રમ છે, તેથી વગર કારણે અટકે છે, કેમ કરીને આગળ વધતો નથી. આ સામાન્ય ઉદાહરણથી સમજી શકાય છે કે જ્યાં સુધી