Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
. (૩) “ત્યાં એટલે સામાન્ય જનસમૂહ – સામાન્ય માણસો, જેઓ શ્રધ્ધાળુ છે અને ધર્મ કર્મ પણ કરે છે પરંતુ મૂળ વગરનું વૃક્ષ નિર્બળ ગણાય છે, તેમ આવા સામાન્ય જનસમાજના મનમાં શંકા છે કે આપણે ધર્મ કરીએ છીએ, પણ કોણ જાણે છે કે મર્યા પછી જીવ ટકે છે કે નહી ? આમ અનિશ્ચયાત્મક અવસ્થામાં તે શંકાશીલ બની રહે છે, કયારેક આવી બીજી, શંકાઓ પણ ઊઠાવવામાં આવે છે કે આત્મા અમર લાગતો નથી. સામાન્ય જનસમૂહમાં આવી બીજી શંકા થતી રહે છે. . દુર્ભાગ્યથી સમાજમાં વિવાદ ભર્યા કેટલાક પ્રશ્નો પરંપરાથી ચાલ્યા આવતા હોય છે અને જીવ આવા પ્રશ્નોનો નિર્ણય ન કરે, ત્યાં સુધી તેનું કલ્યાણ થતું નથી. આ બીજી શંકા આત્મા નાશવંત છે, તેવી આત્માઘાતી શંકા છે. એટલે સિદ્ધિકારે આ શંકાને બીજી શંકા એમ કહી વજન આપ્યું છે.
(૪) “ત્યાં એટલે પ્રકૃતિ દર્શન – આ ચોથા પ્રકારે જે શંકા ઉપજે છે તે સહજ હકીકત જેવી શંકા દેખાય છે. પ્રકૃતિ જગતમાં બધુ નાશવાન છે, તેમ સ્પષ્ટ જોઈ શકાય છે. શાસ્ત્રો અને જ્ઞાનીજનો આપણને નિરંતર કહેતા આવ્યા છે કે સંસાર ક્ષણભંગુર અને નાશવંત છે. નજર સામે પણ જગતના પ્રબળ પ્રવાહો પ્રલય ઉત્પન્ન કરે છે, તેમાં બધા પદાર્થોની સાથે જીવ પણ નાશ પામતો હોય, તો તેમાં નવાઈ શું છે ? તેવી શંકાનો જન્મ થાય છે. આ શંકાને સિદ્ધિકારે બીજી શંકા તરીકે પ્રગટ કરી છે. પદમાં ‘ત્યાં કહ્યું તો ત્યાં એટલે કયાં ? પ્રકૃતિદર્શનમાં પ્રકૃતિને જોતાં આ બીજી શંકા ઉદ્ભવે છે.
શંકાનું આટલું ટૂંકું છતાં વ્યાપક ક્ષેત્ર બતાવ્યા પછી અહીં બીજી શંકા, એમ કહ્યું છે. સમજવું ઘટે છે કે ધાર્મિક ક્ષેત્રમાં ચર્ચાના બે મોટા ધ્રુવ બિંદુ છે.
(૧) આત્મા છે કે નહીં ? (૨) આત્મા છે તો શાશ્વત છે કે નહીં ?
પ્રથમ શંકા તે એક નંબરની મોટી શંકા છે. જો આત્માનું અસ્તિત્વ સ્વીકારે નહીં, તો એક પ્રકારે નાસ્તિકવાદને સીધો આશ્રય મળે છે, તેથી પ્રથમ શંકા પછી જે શંકા થાય છે, તે પણ મોટી શંકા છે, તેથી શાસ્ત્રકારે બીજી શંકા એમ કહીને સંબોધી છે. શંકાઓ તો નાની મોટી હજારો પ્રકારની પ્રવર્તમાન હોય છે પરંતુ તે શંકાનું ખાસ મૂલ્ય નથી. અહીં આપણે હવે આ શંકા વિષે વિચાર કરશું, શંકાનો વિષય શું છે? અહીં શાસ્ત્રકાર સ્વયં બીજા પદમાં કહે છે કે “આત્મા નહીં અવિનાશ' અર્થાત્ આત્મા શાશ્વત દ્રવ્ય નથી. શંકા કયારે થાય ? તે જાણવું જરૂરી છે. જે પદાર્થો પ્રત્યક્ષભૂત છે અને સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે, ત્યાં લગભગ શંકાને સ્થાન નથી. પરંતુ જે દ્રવ્યો પ્રત્યક્ષ સ્પષ્ટ ન હોય અને તેના બીજા કોઈ લક્ષણો પણ જણાતા ન હોય, ત્યાં તે પદાર્થ કેવો છે તે વિષે શંકા ઉદ્ભવે છે અને મન અનિશ્ચિત અવસ્થામાં કોઈ એક પક્ષને પોતાનો વિષય બનાવે છે. આ પદમાં આત્મા અવિનાશી છે કે વિનાશી, તેવી શંકાના રૂપે શંકાકાર આત્મા અવિનાશી નથી, તેમ કહીને વિપરીત પક્ષને ગ્રહણ કરે છે. “આત્મા નહીં અવિનાશ” એમ બોલી ઊઠે છે. અહીં કોઈ પણ દ્રવ્ય નિત્ય છે કે અનિત્ય, તેનો એક દર્શનિક દ્રષ્ટિએ ઘણો ઊંડો વિચાર થયો છે.
(૧૪૧),