Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આધારે છે, તે આધારની જ ચેલેન્જ કરે છે, તે કેવું આશ્ચર્ય છે. એ જ રીતે અહીં આત્મારૂપી પર્વતમાંથી ઉદ્ભવેલી ઘાસના તણખા જેવી શંકા આત્માને જ પૂછે છે કે હું છું કે નહીં ? ત્યારે હાસ્ય થાય છે કે વાહ ! જે પોતે છે અને જેના આધારે છે, તે આધાર વિષે શંકા કરી અનુચિત પ્રશ્ન ઊભો કરે છે, માટે આ અમાપ આશ્ચર્યજનક છે. શંકાથી મુક્ત થવું, તે જ ગાથાનો મૂળભૂત આધ્યાત્મિક સંપૂટ છે. ગાથામાં ‘અમાપ' શબ્દનો પ્રયોગ કર્યો છે. અમાપનો અર્થ છે, જેની તુલના ન થઈ શકે તેવું. અથવા જેને માપી ન શકાય તેવું અથવા અગમ્ય, જેની કલ્પના ન કરી શકાય તેવું અકલ્પ્સ. જો કે આશ્ચર્ય લગભગ નાના-મોટા ક્ષણિક હોય છે. આશ્ચર્ય અમાપ હોય જ ન શકે કારણ કે સત્યનું ભાન થતાં આશ્ચર્ય ગાયબ થઈ જાય છે. છતાં પણ અહીં સિદ્વિકારે અમાપ શબ્દનો પ્રયોગ કર્યો છે. જેને વ્યાપક અનુભવ નથી તેવા અજ્ઞાની જીવો માટે તે અમાપ જ છે. દરિયાને જોઈને કોઈ કહે આ પાણીનો ક્યાંય અંત નથી તો તે એક સામાન્ય ભાષા છે. જૈનદર્શનમાં અલોક તથા કેટલાક દ્રવ્યોના ભાવોને છોડીને કોઈપણ ચીજ અનંત હોતી નથી અને જે અનંત છે તે સામાન્ય સ્થિતિવાળું તત્ત્વ હોતું નથી. તો આશ્ચર્ય અમાપ તો હોય જ ક્યાંથી શકે ? પરંતુ આ એવું આશ્ચર્ય છે કે તેને શબ્દથી માપી શકાય તેમ નથી. માટે અમાપ કહીને ઉપહાસ કરવામાં આવ્યો છે.... અસ્તુ.
પૂર્વની ગાથામાં શાશ્વત આત્મદ્રવ્યની સ્થાપના કર્યા પછી હકીકતમાં તો શાસ્ત્રકાર અન્ય દ્રવ્ય ઉપર જ પ્રકાશ નાંખી આગળ વધી રહ્યા છે અને તે રીતે ૫૭ પછી જે ૫૯ મી ગાથાનો ભાવ છે, તેની જ જરૂર હતી. આ ૫૮ ગાથા બહુ આવશ્યક ન હતી, પરંતુ આત્મસિદ્ધિના દોરમાં આવી શંકા કરનાર કોઈ વચમાં આવે, તો તેનું નિરાકરણ કરવું પણ જરૂરી છે. જેમ પાણીમાં ચાલતી નાવ સીધી રીતે સામે કિનારે જઈ રહી છે પરંતુ પાણીમાં તરતું કોઈ લાકડું રસ્તામાં આડું આવે, તો તેને કોરે ધકેલી દેવું જરૂરી છે. તેમ અહીં આત્મસિદ્ધિની આ નૌકા પોતાના લક્ષ ઉપર જઈ રહી છે પરંતુ વચમાં શંકારૂપ કાષ્ઠ આવી જતાં સિદ્ધિકારે આ ગાથાનો ઉચ્ચાર કરી તેનો ઉપહાસ કરી કિનારે કરી દીધી છે અને આવા કુતર્કનો સ્પષ્ટ ઉત્તર આપી આત્મસિદ્ધિનો માર્ગ સ્પષ્ટ કર્યો છે. બહુ જ થોડા શબ્દોમાં બહુ જ મોટું નિવારણ કર્યું છે.
ખરું પૂછો તો આ ગાથા દાર્શનિકક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ છે. આત્મવાદ કે બ્રહ્મવાદના અસ્તિત્વ વિષે જે પ્રચંડ વિવાદ ઊભો છે, ચાર્વીકમત જેવો મત આત્માનો અસ્વીકાર કરે છે, બૌદ્ધ દર્શન પણ અનાત્મવાદી હોવાથી આત્મતત્ત્વને માનવાની કોઈ આવશ્યકતા નથી તેમ સ્પષ્ટ કરી શૂન્યવાદ તરફ આગળ વધી શૂન્યવાદની સ્થાપના કરે છે, જૈનદર્શનમાં પણ અક્રિયાવાદ કહીને જે મતનું નિરાસન કરવામાં આવ્યું છે, એ જ રીતે બીજા કેટલાક દર્શનો જે આત્મવાદની સ્થાપના કરે છે તે પ્રમાણભૂત છે, તેમ કહીને આ એક જ ગાથામાં નાસ્તિકવાદ, શૂન્યવાદ અને અક્રિયાવાદનો પરિહાર કરવામાં આવ્યો છે અને આત્મવાદી દર્શનોને પ્રમાણભૂત માની તેમાં એક પ્રકારે તેલ પૂર્યું છે. દાર્શનિક દષ્ટિએ વિચાર કરીએ તો આ ૫૮મી ગાથા ઘણી જ આવશ્યક અને સમજવા યોગ્ય છે. આ ગાથા દ્વારા બધા દર્શનોને તેમણે પડકાર કર્યો છે કે તમે પોતે જ તમારા અસ્તિત્વની પાંખ કાપો છો એ કેટલું બધુ આશ્ચર્યજનક છે. ગાથામાં આધ્યાત્મિક સંપૂટની સાથે દાર્શનિક સંપૂટ પણ
(૧૨૯).