Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
S
તેની વૃષ્ટિ જાણનાર સુધી જતી નથી, તેથી સિધ્ધિકાર પૂછે છે કે આ કેવું જ્ઞાન ગણાય ? જે જાણનારને ન જાણે? આ કેવો નોકર છે કે માલિકનું નામ જાણતો નથી ? ફળને જાણે છે. ફળ આપનાર વૃક્ષ ઓળખતો નથી. આવું જ્ઞાન તો મોહાદિકભાવોથી અભિભૂત થયેલું હોય છે. જેમ દર્શનશાસ્ત્રમાં કહ્યું છે કે “ન તત્ જ્ઞાનમ્ જ્ઞાનમ્ મવતિ વત્ જ્ઞાનમ્ વિષયમમૂતમ્ ” તે જ્ઞાન નથી, જે જ્ઞાન વિષયોથી આક્રાન્ત થયેલું છે, વિષયોથી પરાભૂત થયેલું છે, જેના ઉપર વિષયનો પડદો છે, તેવું આ મોહાવિષ્ટ જ્ઞાન છે, જેના ઉપર સિદ્ધિકાર ભંગ કરે છે, આશ્ચર્ય પણ કરે છે અને પરોક્ષભાવે તેની અપૂર્ણતાનું કથન કરે છે. આવા મહાવિષ્ટ જ્ઞાની ઉપર કવિરાજ કૃપાની દ્રષ્ટિએ જુએ છે અને કહે છે કે આ કેવું જ્ઞાન છે ? આ કેવો માણસ છે કે જે પોતાના ઘરને જાણતો નથી ? ઉત્તરાર્ધના બંને પદો આત્માર્થી માટે કહેવાયા છે અને જાણનારને અર્થાત આત્માને જાણવા માટે પ્રેરિત કરે છે.... અસ્તુ.
આધ્યાત્મિક સંપૂટ : આ કડી પરોક્ષભાવે અધ્યાત્મભાવોને પીરસી રહી છે. જે પર પદાર્થોને જાણે છે, તે તેમાં રમણ કરે છે. હકીકતમાં પદાર્થમાં રમણ કરતો નથી પણ પદાર્થથી જે વિષયોનું જ્ઞાન થયું છે, એવા વિષયોમાં રમણ કરે છે. જેમ બાળક બાળ બુધ્ધિથી કાચના ટુકડાને હીરામોતી સમજી સંગ્રહ કરે છે અને તેના મનમાં જે આસકિત છે, તેનાથી તે પ્રસન્નતા અનુભવે છે. અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે પદાર્થ સ્વયં દૂષિત નથી તેમજ પદાર્થ સ્વયં પરિગ્રહ પણ નથી. પરંતુ તેના સંબંધી જ્ઞાન અને તેનાથી નીપજતી આસકિત, તે દૂષિત છે અને તે જ પરિગ્રહ છે. એ પરભાવનું રમણ સમાપ્ત કરી જીવ જયારે શાશ્વત જ્ઞાતાને ઓળખે છે, ત્યારે તેના રમણની દિશા બદલાય છે. તે વિભાવમાંથી સ્વભાવમાં રમણ કરે છે. વિભાવાત્મક જ્ઞાન જીવને માયામાં રોકી રાખે છે, જયારે આત્મતત્ત્વનું જ્ઞાન તેને પદાર્થથી છૂટો પાડીને એક અલૌકિક યાત્રામાં પ્રયાણ કરાવે છે, અપૂર્વ સ્થિતિ પ્રાપ્ત કરે છે. આખી ગાથાનું લક્ષ દેહથી આત્માને જૂદો બતાવીને પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરાવવાનું છે.
ઉપસંહાર – ઉપસંહાર કરતા સિદ્ધિકાર સ્વયં આશ્ચર્ય અનુભવે છે કે બુદ્ધિની આ કેવી પરિસ્થિતિ છે. વ્યકિત પદાર્થને સ્વીકારે છે, પદાર્થને ઓળખે છે પરંતુ તેનું જેને ભાન છે, તેવા જ્ઞાનના સ્વામીને ઓળખતો નથી. શું આ પરિસ્થિતિ વિચિત્ર નથી ? બેંકનો મેનેજર એમ કહે કે બેંકમાં રૂપિયા જમા છે પરંતુ તેના માલિક કોઈ નથી. જમા કરનાર કોઈ નથી. તો શું આ બેહોશી જેવી વાત નથી ? પદાર્થ કરતાં પદાર્થને અવગત કરનારનું મૂલ્ય વધારે છે. પાણી છે પણ પીનાર કોઈ નથી, ભોજન છે પણ ખાનાર કોઈ નથી. આવા ઉપાલંભથી સિદ્ધિકાર નાસ્તિકવાદને વખોડે છે. ગાથાનો ઉપસંહાર એ છે કે જાણનારને ઓળખવાની પ્રથમ જરૂર છે. જ્ઞાતા એક પ્રકારે જીવનનો ઈશ્વર છે. ઈશ્વર સમગ્ર સૃષ્ટિના કર્તા હોય, તેમ આ આત્મારૂપી ઈશ્વર સમગ્ર જીવનના સંચાલક છે. તેને માન્યા વિના શરીર એક જડ પૂતળું બની જાય છે. આત્માને ન માનીએ તો મૃતદેહ અને જીવંત દેહમાં કોઈ અંતર રહેશે નહીં. આ કેવું આશ્ચર્ય છે. આ જ વિષયને સ્વયં શ્રી સદ્ગુરુ વધારે સ્પષ્ટ કરે છે.
આટલું વિવેચન કર્યા પછી આપણે ૫૬મી ગાથામાં પ્રવેશ કરીએ અને તેનો ઉપોદ્યાત કરીએ.