Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ન પણ થાય, તો પણ જ્ઞાનવૃષ્ટિએ ભેદજ્ઞાનનો ઉદ્ભવ કરી, તે જ્ઞાનમાં સ્થિર થવું, તે બંને ગાથાનો એક સ્વર છે. જ્યાં જડના સ્વર શાંત થઈ જાય છે. ત્યાં ઉપશાંત એવા આત્માનું નિરાળ
સ્વરૂપ દૃશ્યમાન થાય છે. આ સ્વરૂપનો નિર્ણય કરવો, આત્મસત્તાનો સ્વીકાર કરવો, તે કર્મનાશાનદીને ઓળંગી ગંગામાં સ્નાન કરવા જેવી ઉત્તમ ઘડી છે.
[* ભારતવર્ષમાં કર્મનાશા નામની નદી છે. જે આદરણીય નથી. જેમાં પગ મૂકવા માત્રથી પુણ્ય અને સત્કર્મનો નાશ થઈ જાય છે એવી લોકમાન્યતા છે.]
ઉપસંહાર :- આત્મસિદ્ધિની આ મહત્ત્વપૂર્ણ ગાથા સ્પષ્ટ પ્રકાશ આપનારી છે. જેમ કાદવમાં પડેલા હીરાને ઓળખાવીને અલગ કરવાની વાત કરે છે. પરખનાર હીરાને પારખીને સત્ય સમજી જાય અને કાદવવાળા હીરાને કાદવ ન સમજે, બંનેને ભિન્ન સમજીને હીરાનું મૂલ્યાંકન કરે, તો તે એક નક્કર હકીકત છે, તેમ આ ગાથામાં પણ ભેદજ્ઞાનની એક નક્કર વાત સ્પષ્ટ કરી છે. અધ્યાત્મશાસ્ત્રમાં જેમ કહ્યું છે.
कनक कर्दमयोः आत्यंतिक भेदः । कर्दमे पतितं कनकम् कर्दम रूपेण दृश्यते । . किन्तु कर्दमो न कनकत्वेन परिणतम् । कर्दमो न कनकत्वेन परिणतः
तथैव आत्मकर्मणोः अत्यंत भेदः । કનક અને કાદવ બંને એક નથી. કાદવમાં પડેલું સોનું કાદવ રૂપે દેખાય છે પરંતુ બંનેનો આત્યંતિક ભેદ છે. સોનું કાદવ રૂપે પરિણત થયું નથી અને કાદવ સોના રૂપે પરિણત નથી. બંને સર્વથા ભિન્ન છે. એ જ રીતે આત્મા અને કર્મ સર્વથા ભિન્ન છે.
આ ગાથામાં જડ ચેતનનો ભેદ બતાવ્યો છે. તેમાં આપણે જડની જે સૂક્ષ્મ વ્યાખ્યા કરી છે, તે ઘણી મહત્ત્વપૂર્ણ છે. આત્મબોધ માટે આ ભેદ સમજવો જરૂરી છે, તેથી તેનું સારું એવું વિવેચન કરવામાં આવ્યું છે.
આત્મસિદ્ધિની કેટલીક ધ્રુવ ગાથા છે. તેમાંની આ એક ધ્રુવ ગાથા છે. આત્મસિદ્ધિનું ચણતર આ બધી ધ્રુવ ગાથાને આધારે કરવામાં આવ્યું છે. આ મહત્ત્વપૂર્ણ પદને વાગોળ્યા પછી આપણે હવે ૫૮મી ગાથામાં પ્રવેશ કરશું.