Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તેના અમુક અંશને કે રૂપ રંગને જાણે છે. પદાર્થ તો અનંત ધર્માત્મક, અનંત ગુણાત્મક છે. વસ્તુતઃ જે પદાર્થને પૂરી રીતે જાણે, તે આત્માને પણ પૂરી રીતે જાણતો હોય છે પરંતુ આ ટોચની (શિખરની) વાત છે. અત્યારે તો તળેટીની વાત ચાલે છે. ઘટપટને જાણનારો વ્યકિત ફકત તેના રૂપરંગને જાણતો હોય છે, તે પણ પૂર્ણ રૂપે જાણતો નથી. અહીં ‘ઘટપટ આદિ જાણ તું' એનો અર્થ એ છે કે તું ઘટપટ આદિને જાણે છે અર્થાત્ થોડા ઘણાં જાણે છે અને આવા અલ્પજ્ઞાનથી તેના અસ્તિત્વનું ભાન પણ કરે છે. તું જેટલું જાણે છે, તેટલું જ માને છે. વધારે માનવાની તેની યોગ્યતા પણ નથી. જાણવું અને માનવું એ સામાન્ય ક્રમ છે. અહીં એક ચૌભંગી વ્યકત કરીએ.
(૧) જાણે છે અને માને છે. (૨) જાણે છે પણ માનતો નથી. (૩) જાણતો નથી અને માને છે. (૪) જાણતો નથી અને માનતો નથી.
જાણવું અને માનવું : માનવું તે શ્રધ્ધાનો વિષય છે. વ્યકિત એવી ઘણી વસ્તુને જાણે છે. પરંતુ તેનો સ્વીકાર કરી શકતો નથી. શ્રધ્ધાનો વિષય તે સ્વીકારવાનો વિષય છે અને જાણવું તે જ્ઞાનનો વિષય છે. સ્વપ્ન આદિમાં જોયેલા પદાર્થો અસરૂપે માને છે. અર્થાત્ તે પદાર્થોની સ્વીકૃતિ કરતો નથી. માનવાનો અર્થ અસ્તિત્વ સાથે સંબંધ ધરાવે છે. અસ્તિત્વ બે પ્રકારનું છે. વર્તમાનકાલિક પર્યાય રૂપે પ્રગટ થયેલું અસ્તિત્વ અને વૈકાલિક દ્રવ્ય ભાવે સદા ટકી રહેતું અસ્તિત્વ અર્થાત્ પદાર્થનું શાશ્વતરૂપ અને પદાર્થનું ક્ષણિક રૂપ, બંને રૂપને જીવ જાણે છે. જે રીતે જાણે છે, તે રીતે સ્વીકારી પણ શકે છે પરંતુ અહીં સામાન્ય માણસ જે ઘટપટ આદિ જાણે છે, તે ક્ષણિક અસ્તિત્વનો વિષય છે. દ્રવ્યભાવે પદાર્થના ત્રૈકાલિક સ્વરૂપને સમજયો નથી. માને છે પણ કેટલાક સમય પૂરતું ક્ષણિકભાવે માને છે, તેવું જાણવું, તે પર્યાયાર્થિક છે અને માનવું પણ પર્યાયાર્થિક છે. જૈનશાસ્ત્રોમાં કેવળજ્ઞાનનો વિષય સંપૂર્ણ દ્રવ્ય અને તેની અનંત પર્યાય છે. કેવળ જ્ઞાનીનું જ્ઞાન વ્યાપક માનવામાં આવ્યું છે. જેને અમે ટોચનું જ્ઞાન કહીએ છીએ. કેવળજ્ઞાનથી ઓછી માત્રાવાળા જે કાંઈ જ્ઞાનના પર્યાયો છે તે પદાર્થને પણ ઓછી માત્રામાં જાણે છે. એક રીતે જ્ઞાન અને જ્ઞેયનો સુમેળ છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન જેવા શ્રેષ્ઠજ્ઞાનથી નીચેની કક્ષાના જ્ઞાન શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન હોય છે. તે પણ જેટલી કક્ષાના હોય છે, તેટલા જ પ્રમાણમાં શેયને જાણે છે પરંતુ બહુશ્રુત અને સમ્યગ્દષ્ટિ જીવો જાણે છે, તેના કરતાં તેનું માનવાનું ક્ષેત્ર વિશાળ છે કારણ કે શ્રધ્ધાથી તે અખંડ દ્રવ્યનો સ્વીકાર કરે છે. જાણવાની અને માનવાની શ્રેણીમાં સમ્યગ્ ભાવના કારણે પરસ્પર અંતર રહે છે. આ બધા ઊંચકોટિના શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનવાળા જીવો જાણે છે, તેના કરતાં જીનેશ્વર ભગવાને ફરમાવેલાં બધા દ્રવ્યો, ભાવો અને તત્ત્વોને તે માને છે.
હવે આથી પણ નીચી જ્ઞાન કક્ષામાં રમણ કરતાં જીવો જે કાંઈ પ્રત્યક્ષભૂત પદાર્થ છે, તેટલાં પદાર્થને જાણે છે અને તેટલા જ અર્થમાં તેને માને છે. તેની જેટલી દૃષ્ટિ છે, તેટલી જ સ્વીકૃતિ છે. આ નીચીકક્ષાના જીવો સામાન્ય અનુભવ છોડી પદાર્થના વિશેષ રૂપને ધ્યાનમાં લઈ શકતા નથી અર્થાત્ દેખાય છે, તેટલું માને છે.
(૧૦૦