Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
શંકા ન થાય તેનું રહસ્ય જાણી લેવાથી શંકાનું અંતર એટલે કારણ આપોઆપ વિલુપ્ત થઈ જશે. ‘અંતર' શબ્દ ઘણો દાર્શનિક છે.
ગાથા ૪૫ થી ૪૮ સુધી જે વિપક્ષના તર્ક હતા અને તે તર્ક ખૂબ જ યુક્તિયુકત હતાં. તેમ જણાવીને પ્રશ્નકર્તા આત્મા નથી. તેનું કોઈ પ્રુફ નથી, તેનો અનુભવ થતો નથી, તેનું કોઈ નિશાન નથી, અન્ય દ્રવ્યની જેમ તે પ્રત્યક્ષ થતો નથી, આ રીતે આત્માનો બોધ ન હોવાથી આત્મા નથી, તો મોક્ષ પણ નથી અને મોક્ષ નથી, તો તેનો ઉપાય પણ નથી. એ રીતે આત્મા, મુકિત અને ઉપાય, ત્રણેય તત્ત્વનું ખંડન કરી પ્રશ્નકાર કોઈ નિશ્ચય પર પહોંચ્યા નથી. શંકાકારે ત્રણેયનું તત્ત્વનું ખંડન કર્યું છે, પણ શંકા વિષે તે સ્વયં શંકાશીલ છે. પોતાના બધા પ્રશ્નોને નિર્ણયાત્મક ન માનતા શંકાની કક્ષામાં મૂકયા છે. નિર્ણયાત્મક ન હોય, તો શંકા ન થાય, અને તે સમજાવો એમ પ્રાર્થના પણ ન થાય. આ રીતે આ ૪૮ મી ગાથાના ઉત્તરાર્ધમાં બધા પ્રશ્નો શંકા ભરેલા છે અને તેનું રહસ્ય શું છે ? તે જાણવા માટે પ્રશ્નકાર તત્પર થયો છે.
ચારે ગાથાના અનુસંધાનમાં જે કાંઈ વકતવ્ય હતું, તેનો દુરાગ્રહ ન જણાવતા કે કોઈ પ્રકારના હઠાગ્રહ વિના સત્ય સમજવાની જે ભાવના જાગૃત થઈ છે, ભાવના ‘સમજાવો સદ્ઉપાય' શબ્દ દ્વારા વ્યકત કરી છે અને સમગ્ર હઠાગ્રહ કે દુરાગ્રહનો પરિહાર કરી ભકિત માર્ગનું અવલંબન કર્યું
છે.
આધ્યાત્મિક સંપૂટ : આ ચારેય ગાથાનું આધ્યાત્મિક મૂલ્યાંકન શું છે ? તે પણ જાણી લેવું આવશ્યક છે. ઉપર્યુકત ગાથામાં આત્મા વિષે જે અબોધ પ્રચલિત છે. તેમાં મૂળ કારણ શું છે ? જૈનદર્શનની થિયરી પ્રમાણે બધા કર્મોના ભેદ વિભેદોમાં દર્શનમોહનીયકર્મ તે કર્મનું મુખ્ય અંગ છે. શાસ્ત્રકાર કહે છે કે જો ચારિત્ર મોહનીય કર્મ પાતળું ન પડયું, તો દર્શનમોહનીય પાતળું પડતું નથી અને કદાચ દર્શનમોહનીય પાતળું પડે, તો તેનાથી ઉત્પન્ન થતો ક્ષયોપશમ સવળો રસ્તો પકડતો નથી. જીવાત્મા પ્રથમ ગુણસ્થાનેથી ચોથા ગુણસ્થાન તરફ પ્રયાણ કરે છે, ત્યારે આત્મા સંબંધી નિર્ણય સ્પષ્ટ થાય છે પરંતુ યથાપ્રવૃતિકરણ કર્યા પછી ચારિત્ર મોહનીય કર્મમાં અનંતાનુબંધી કષાય, જો પાતળો ન હોય, તો જીવ અપૂર્વકરણ કરી શકતો નથી. ત્યાં જ્ઞાનનો ક્ષયોપશમ થયો છે અને દર્શનમોહનીયના ક્ષયોપશમથી સામાન્ય શ્રદ્ધા ભાવ પ્રગટ થયો છે, તેથી જીવ સાંસારિક ભાવોને તિરસ્કારે છે, તેમાં તેને અરૂચિ થાય છે પરંતુ આત્મા છે તેવો નિર્ણય કરી શકતા નથી, ગ્રંથિભેદ કરવાની જે ક્ષમતા હોવી જોઈએ, તે તેનામાં નથી. આથી તે શંકાના સાગરમાં તરવા માંડે છે. ખરું પૂછો તો આ શંકાનું રહસ્ય છે. માયા સાચી કે આત્માં સાચો ? એ બંનેની વચ્ચે જીવ ઝૂલે છે. આત્મા નથી એમ કહેવામાં પણ તેનો આગ્રહ નથી અને આત્મા છે તેમ કહેવામાં તેને પ્રમાણ મળતું નથી. અનાત્માની વિરુદ્ધમાં બધા સ્થૂલ પ્રમાણની સાક્ષી આપવા છતાં જીવ તેને પણ માનવા તૈયાર નથી. અર્થાત્ શંકાનું અંતર ઊભું જ છે. આ સમયે તેને સદ્ગુરુની આવશ્યકતા લાગે છે. ચારિત્ર મોહનીયનો સાથ ન હોવા છતાં પ્રબળ પુણ્યના ઉદયે દૃષ્ટિ સામે કોઈ સત્પુરુષ હોય, તો તેમાં શ્રદ્ધા કરવાથી મોહનીય કર્મના બંધ પણ ઢીલા પડે છે અને તે વખતે તે ‘સમજાવો' કહીને સત્પુરુષને પ્રાર્થના કરે છે. આ આખી અવસ્થા
(૪૩)