Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા : પ૧
ઉપોદ્ઘાત: અહીં સિદ્ધિકાર આ ગાથામાં વિષયનો તલસ્પર્શી સ્પર્શ કરે છે. ખરું પૂછો તો આ ગાથાથી જ આત્મસિદ્ધિનો શુભારંભ થાય છે. પૂર્વની બધી ગાથાઓ વિષયના અનુસંધાનમાં અને આવશ્યક ગુણોનો ઉલ્લેખ કરી ભૂમિકા તૈયાર કરવામાં ઉપયુકત થઈ છે, હવે આ ગાથાથી મૂળભૂત વિષયનો શુભારંભ થાય છે.
આત્મસિદ્ધિનો મૂળભૂત વિષય આત્મા છે. શ્રદ્ધાથી તો આત્મા અને પરમાત્માને જનમાનસ સ્વીકારે છે પરંતુ બુદ્ધિશાળી વર્ગ તર્કદ્રષ્ટિએ આત્માનું સમાધાન ઈચ્છે છે અને ન્યાયસંગત તત્ત્વની સ્થાપના થાય, તેને મહત્ત્વ આપે છે. તે જ રીતે વિપક્ષમાં આત્મા પરમાત્માનો સ્વીકાર ન કરનાર બુદ્ધિવાદી નાસ્તિક ભાવનાથી પ્રભાવિત થયેલા જીવો પણ તર્કયુકત પ્રત્યુત્તરની કામના રાખે છે. બંને પ્રકારના બુદ્ધિજીવી જીવો માટે ન્યાયસંગત તત્ત્વ સ્થાપના આવશ્યક છે. જો કે આ પરમ શ્રદ્ધાનો વિષય છે, અંતે તો શુદ્ધ શ્રદ્ધાથી જ ભાવના પ્રબળ બને છે અને આત્મતત્ત્વ હૃદયમાં સહજ અંકિત થવાથી સમ્યગ્દર્શનનો ઉદ્દભવ થાય છે.
શ્રદ્ધા હોવા છતાં પણ સમગ્ર શાસ્ત્રો જ્ઞાનમાર્ગનું અવલંબન કરે છે અને જ્ઞાનને મહત્ત્વ આપે છે. જ્ઞાનના વૃઢ પ્રકાશથી જ શ્રદ્ધા મજબૂત બને છે. જેથી સિદ્ધિકાર સ્વયં આ ગાથામાં સાધકની શ્રદ્ધાને એકબાજુ પુષ્ટ કરી રહ્યા છે, જયારે બીજી બાજુ નાસ્તિક ભાવોનો પણ પ્રત્યુત્તર આપી રહ્યા છે. ગાથામાં ઊંચ કોટિના આ શ્રેષ્ઠ કાર્ય દ્વારા આત્મદર્શનનું અમૃત પ્રગટ કરવામાં આવ્યું છે. હવે આપણે મૂળગાથાનો ઉદ્ઘોષ કરીએ.
જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ /
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપમાં પ૧TI સંપૂર્ણ ગાથામાં જે જે આલંબન છે તેનો યોગ્ય રીતે વિચાર કરવાથી આ ગાથાની ગહનતા દ્રષ્ટિગોચર થઈ શકે તેમ છે. નાના પદમાં ઘણાં જ ગહન ભાવો ભર્યા છે. યોગ્ય ચાવી વિના જેમ તાળું ખુલતું નથી, તેમ યોગ્ય વિચાર વિના આ ગાથાના ગહન ભાવો બુદ્ધિગમ્ય થઈ શકે તેમ નથી. ખૂબી તો એ છે કે ગાથામાં એક જ તાળું નથી, નાના-મોટા જે તાળાં લાગેલા છે, તેની ચાવીઓ પણ જુદી જુદી છે. જેમ કોઈ મોટા દેવમંદિરમાં જઈએ અને એક પછી એક તાળા ખુલતાં જાય અને છેવટે ગર્ભગૃહમાં ભગવાનના દર્શન થાય, તેવી રીતે આ ગાથામાં પણ બાહ્યગૃહ, મધ્યગૃહ અને અંતરગૃહ, એ બધા ગૃહોને ઓળંગ્યા પછી મૂળ જગ્યાએ પહોંચી શકાય તેમ છે.
Vઆલંબન વિચાર : (૧) દૃષ્ટિ (૨) દૃષ્ટા (૩) જ્ઞાતા (અર્થાત્ રૂપનો જ્ઞાતા) (૪) અબાધ્ય (૫) અનુભવ (૬) અનુભવ કર્તા (૭) શુદ્ધ સ્વરૂપ.
સંપૂર્ણ ગાથામાં આ સાતેય આલંબન પોતાની જગ્યાએ સ્વતંત્ર મોતીની જેમ ચમકી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે, સાધક આ સાતેય આલંબનમાં પોતે વ્યાપ્ત
મા
છે (૬૬)