Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અલગ કર્યું છે, અને પોતાના ભાનને પણ અલગ કર્યું છે, આ ગાથામાં તેવો આત્યંતર ધ્વનિ ઉદ્ભવે છે. થોડા શબ્દોમાં શાસ્ત્રકારની આ અલૌકિક કથનશૈલી અને કાવ્યકળા ખરેખર મર્મસ્પર્શી છે. સિદ્ધિકાર વિવેકાત્મક બોધ કરાવવાની સાથે સાથે આત્મલક્ષી બોધનું નિશાન ચૂકતા નથી. જેમ આંધળા માણસને કોઈ દોરી આપે અને દોરી પકડીને તે આંધળો માણસ ગંતવ્ય સુધી પહોંચે, તે રીતે આપણા કવિરાજ જ્ઞાનાત્મક દોરી આપીને આપણને આત્મા સુધી પહોંચાડવા માટે સફળ પ્રયોગ કરી રહ્યા છે. આ પ્રયોગ હૃદયસ્પર્શી છે, આનંદની ઊર્મિ ઉપજાવે તેવો છે. હવે આપણે આ ગાથાનો ઉપસંહાર કરીને આગળ વધશું.
- ઉપસંહાર : આ ગાથામાં ચાર આલંબન છે. (૧) એક–એક ઈન્દ્રિય (૨) વિષય (૩) પાંચ ઈન્દ્રિયોનો સમગ્ર વિષય (૪) જ્ઞાન અધિષ્ઠાતા આત્મા.
- સામાન્ય સાધક કે અભ્યાસીને માટે આ ગાથા એક વ્યાપક બોધ કરાવે છે. પદાર્થ માત્ર તે શેય છે, જાણવા યોગ્ય છે પરંતુ તે વિષયરૂપે પણ ઉપસ્થિત થાય છે. વિષય અને જ્ઞાન બંનેનો સૂક્ષ્મ ભેદ આપણે કહી ગયા છીએ. દેહધારીના દેહમાં ઈન્દ્રિયો પ્રધાનપણે કામ કરે છે. ત્યારબાદ વિષય કહો કે બોધ કહો, તે બધાનું અધિષ્ઠાન, તે આત્મદ્રવ્ય છે અર્થાત્ આત્મા સ્વયં છે. આ રીતે આખી ગાથા અભ્યાસીને માટે આવશ્યક છે. અધ્યાત્મની દ્રષ્ટિએ ઉત્તમ આત્મબોધ કરાવી રહી છે. દેહથી આત્મા જુદો છે અને તે જ્ઞાનનો ધારક છે. જ્ઞાન તે જ આત્માનું મુખ્ય લક્ષણ છે, તે રીતે આત્મબોધ પણ કરાવે છે. આટલો બોધ આપ્યા પછી આત્મસત્તાની વ્યાખ્યા માટે આગળની ગાથા આવશ્યક બની છે, તેથી પ૩મી ગાથાનો ઉપોદ્દાત કરીશું.