Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તેને અરીસો અને પ્રતિબિંબનો અધ્યાસ થાય છે.
અહીં જીવરૂપી દર્પણમાં નિરંતર દેહના પ્રતિબિંબો પડતાં હોવાથી અને મનની બધી જ ક્રિયાઓ દેહ સાથે સંબંધિત હોવાથી આ બધી ક્રિયાનો જે જ્ઞાતા છે તેના ઉપર દેહાધ્યાસનો પ્રભાવ પડે છે અને આ અધ્યાસથી તેને લાગે છે કે દેહ જ મુખ્ય છે. દેહ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. આ રીતે વિચારવાથી ખ્યાલ આવશે કે દેહાધ્યાસ જીવની એક ગંભીર ભૂલનો ઉલ્લેખ કરે છે. અધ્યાસ તો છે જ, અધ્યાસને નકારવામાં આવ્યો નથી. દેહ અને આત્મા સાથે રહે છે, એ પણ હકીકત છે પરંતુ આ દેહાધ્યાસથી જે વિપરીત પરિણામ આવે છે અને વિપરીત જ્ઞાન થાય છે તે જ ખરા અર્થમાં દેહાધ્યાસ છે. ઘઉંમાં કાંકરા છે અને બંને સાથે છે તે સ્પષ્ટ છે પરંતુ ઘઉં અને કાંકરાને એક માનીને એક સાથે પીસીને આરોગે, તો પરિણામ વિપરીત આવે. ઘઉં અને કાંકરા તો બંને રૂપી દ્રવ્ય છે, તેથી આવી ભૂલ થવી સંભવિત નથી પરંતુ અહીં એક દ્રવ્ય રૂપી છે અને એક દ્રવ્ય અરૂપી છે. રૂપીના અણુ અણુમાં અરૂપી નિવાસ કરીને સમાયેલો છે, તેથી આ ગંભીર ભૂલ થવાનો પૂરો સંભવ છે, આને જ શાસ્ત્રકાર “દેહાધ્યાસ' કહીને સચોટ ઈશારો કરે છે. દેહાધ્યાસ તે આત્મસાધનામાં અથવા આત્મજ્ઞાનમાં એક મોટો પત્થર છે. દેહ તો આત્મા સાથે રહેવાનો જ છે પરંતુ તેના સહવાસથી દેહ પ્રત્યેની જે મમતા ઉદ્દભવી છે, તે દેહાધ્યાસનું પરિણામ છે. દેહાધ્યાસ જીવને ઉપર ઊઠવા દેતો નથી અથવા તેના કારણે મનની પરિસ્થિતિમાં બદલાવ આવતો નથી. ચોરોની સાથે કોઈ લાંબા ટાઈમ સુધી નિવાસ કરે, તો પોતે પણ ચોર છે તેવો તેને આભાસ થાય છે. સિધ્ધાંત એ થયો કે સહવાસ એ આભાસનું કારણ છે. દેહ આત્માની સૂક્ષ્મ અવસ્થા છે પરંતુ સ્થૂલ અવસ્થામાં પણ આ અધ્યાસના પરિણામો જોવામાં આવે છે. સિંહનું બચ્ચ ઘણા વર્ષો સુધી જો બકરીના ટોળામાં રહે, તો તે સિંહપણું ભૂલી જાય છે. નાટકમાં બરાબર સ્ત્રીનો ભાગ ભજવતો પુરુષ નારી જેવા હાવભાવ પ્રગટ કરે છે. સહવાસથી ઉપજતાં વિપરીત પરિણામોના લાખો દૃષ્ટાંતો મળી શકે છે. જયારે અહીં આત્મા તો અત્યંત સૂક્ષ્મ છે એટલે દેહાધ્યાસથી વ્યકિતને દેહાભાસ થાય છે, તે સ્વાભાવિક છે.
આભાસનું અધિષ્ઠાન મન છે. જો કે એ નિયમ નથી કે દેહાધ્યાસથી બધા મનુષ્યોને વિપરીત આભાસ થાય જ. દેહમાં રહેવા છતાં દેહથી નિરાળા એવા પરમાત્મા સ્વરૂપ આત્માને ઓળખી લાખો જ્ઞાની આત્માઓ સાચા માર્ગનું આરાધન કરી રહ્યા છે, તેથી અહીં એક પ્રશ્ન ઉઠે છે કે દેહાધ્યાસથી વિપરીત આભાસ કોને થાય છે ? સિધ્ધિકારે ફકત એટલું જ કહ્યું છે કે “ભાસ્યો દેહાધ્યાસ” અર્થાત્ દેહાધ્યાસથી વિપરીત બોધ કોને થાય? એ આંતરિક ગર્ભિત પ્રશ્ન છે. અર્થાત્ દેહાધ્યાસથી આવો આભાસ થનારા જીવની પાત્રતા શું છે ? શા કારણથી આવો આભાસ થાય છે ? આપણી દૃષ્ટિ સામે બંને પ્રકારના જીવો છે. એક જ્ઞાની આત્મા છે, જેને દેહાધ્યાસથી વિપરીત આભાસ થતો નથી. જયારે બીજા જીવો એવા છે, જેને દેહાધ્યાસથી ખોટો પ્રતિભાસ થાય છે. ઊંડાઈથી વિચાર કરતાં જણાશે કે તેના ચાર કારણો છે.
દેહાધ્યાસના કારણો – તેના કારણો આ પ્રમાણે છે –
ISLAMICS (૫૧)
SSSSSSS