________________
સ્વરૂપ શું છે એ ધ્યેયમાં વર્તે અને આગળ એ સ્વરૂપ જણાય એટલે જ્ઞાનમાં વર્તે. પરમ પૂજ્ય દાદાશ્રીને એ જ્ઞાનમાં વર્તે છે, જે વાણીમાં કહી ના શકાય. એને જ નિરાલંબ દશા કહી.
[૨] વિશુદ્ધ
સોનાની થાળી જમ્યા પહેલા શુદ્ધ, ચોખ્ખી, પ્યૉર કહેવાય. જમીને ઊઠીએ તો એ જ થાળી એઠીં કહેવાય. એટલે સોનું કે સોનાની થાળી ખોરાકનો સંજોગ મળવાથી અશુદ્ધ અને એ સંજોગ છૂટવાથી શુદ્ધ ગણાય છે. બાકી સોનું પોતે કાયમ શુદ્ધ જ છે, એવો આત્મા પોતે કાયમ શુદ્ધ જ છે. એ મેલો થતો જ નથી. હા, ભ્રામક માન્યતા મેલી થાય છે.
જીવમાત્ર પોતે વિશુદ્ધ જ છે પણ પોતાનું ભાન નથી. જેને ભાન થાય તે લોકો માટે દીવાદાંડી બની જાય છે.
વિશુદ્ધ એટલે વિશેષ પ્રકારે શુદ્ધ છું. વિશેષ પ્રકારે એટલે પોતાના પરમાત્મામાં જે અનંત શક્તિ છે, પોતાનું ઐશ્વર્ય છે, જે તુલના કરી ના શકાય તેવું છે. એ બધાથી પોતે શુદ્ધ છે.
શુદ્ધ જ્ઞાન એટલે રિયલ ને રિલેટિવનું ભેદજ્ઞાન અને વિશુદ્ધ જ્ઞાન એટલે પરમાત્મા.
જેટલું પોતે જ્ઞાયક સ્વભાવમાં રહી અશુદ્ધ પરિણતિને જુએ તો અશુદ્ધ પિરણિત શુદ્ધ થઈ જાય. એમ શુદ્ધ પરિણતિ પોતાની પાસે પાસે રહે ને પોતેય શુદ્ધ થઈ જાય.
દાદાશ્રી કહે છે કે અમારે ચાર ડિગ્રી ફેરને લઈને જે ચારિત્રમોહ રહ્યો, તેમાં વ્યવહારિક વાતોય નીકળે ને આય અલૌકિક સત્સંગેય નીકળે. જ્યારે સીમંધર સ્વામીને કમ્પ્લિટ નિરાવરણ દશા. એટલે આખું જગત આફરીન થઈ જાય એવી વાણી નીકળે !
[3] સચ્ચિદાનંદ સ્વરૂપ
દરેક જીવમાં મૂળ આત્મા એ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે અને એ જ પરમાત્મા છે.
27