________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ચરણાનુયોગનો ગ્રંથ છે. આમાં ગૃહસ્થોના બાહ્ય આચરણનું કથન વિસ્તારથી કરેલ છે. આ ગ્રંથ સને ૧૮૯રમાં શોલાપુરથી પ્રકાશિત થયો છે અને તે પછી શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી પણ છપાયો છે.
(૩૮) કીલાભાઈ ગુલાબચંદ કિલાભાઈ એ ખંભાતના મુમુક્ષુ, વિશા શ્રીમાળી વાણીઆ અને અંબાલાલના સહચારી હતા. પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમનો ઘણો જ લાભ તેમણે લીધેલો. તેઓ પરમકૃપાળુદેવના સત્સંગનો લાભ લેવા વવાણિયા ગયેલા. સંવત ૧૯૫રમાં પરમકૃપાળુદેવ આણંદમાં પ્રેમચંદ રાયચંદ ઘર્મશાળામાં બિરાજેલા તે વખતે કીલાભાઈ આણંદ આવેલા. પાલણપુરમાં એક સ્થાનકવાસી સાધુએ ૪ મહિનાના ઉપવાસ કરેલા. એમને પારણું કરાવવા, એમના દર્શન કરવા ચોતરફથી ઘણા લોકો આણંદ સ્ટેશને ભેગા થયેલા. તે પ્રસંગે પૂ. સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવને કહ્યું કે–આ લોકો મોટી સંખ્યામાં પાલણપુરમાં સાધુના દર્શને જાય છે. બઘા ઘર્મ ઘર્મ કરે છે પણ મૂળ મારગ, મૂળ ઘર્મ શું? એ આપ કૃપા કરીને બતાવો તો ઉપકાર થાય. ત્યારે પરમકૃપાળુદેવે “મૂળ મારગ સાંભળો જિનનો રેએ પદ લખ્યું હતું. તે પ્રસંગે ઘણો બોઘ થયેલો. એ બધું કલાભાઈની સ્મૃતિમાં હતું. કિલાભાઈ બહુ જ સરલ પ્રજ્ઞાવંત મુમુક્ષુ હતા. તેમનો જન્મ સં.૧૯૨૬માં થયો હતો અને દેહત્યાગ સંવત ૧૯૮૯ વૈશાખ માસમાં થયો હતો.
(૩૯) કુંવરજી આણંદજી. એ ભાવનગરના પ્રતિષ્ઠિત, શાસ્ત્રોના માર્મિક અભ્યાસી શ્રાવક હતા. એમનો જન્મ વિ.સં.૧૯૨૪માં થયો હતો. મુંબઈમાં શાંતાક્રુઝમાં શેઠ ત્રિભુવનદાસ ભાણજીને બંગલે પરમકૃપાળુદેવ નીચેના ભાગમાં રહેલા ત્યારે કુંવરજીભાઈને છ મહિના પરમકૃપાળુદેવના સત્સંગનો અપૂર્વ લાભ મળ્યો હતો. કુંવરજીભાઈ ત્રિભુવનદાસ શેઠ સાથે રહેલા. પરમકૃપાળુદેવ કુંવરજીભાઈ પાસે દરરોજ યોગવાસિષ્ઠ વંચાવતા. કુંવરજીભાઈએ આ લેખકને કહેલું કે–કોઈ કોઈ વખત પરમકૃપાળુદેવ યોગવાસિષ્ઠની વાંચના વખતે અદ્ભુત બોઘ વરસાવતા. તે વખતે કુંવરજીભાઈ ખૂબ જ વૈરાગ્ય રંગથી રંગાયેલા. પણ પછી તે બહુ પ્રવૃત્તિમાં પડી ગયા હતા.
પરમકૃપાળુદેવનો સત્સંગ કરવા કુંવરજીભાઈ એક દિવસ ખંભાત પાસે વડવા પઘારેલા. વઢવાણ કેમ્પમાં પરમકૃપાળુદેવ બિરાજતા હતા, તે વખતે પણ કુંવરજીભાઈ એક દિવસ દર્શન કરવા આવેલા અને પરમકપાળદેવની આજ્ઞાથી પરમત પ્રભાવક મંડળની ટીપમાં રૂ.૩૦૧ લખાવેલા. કુંવરજીભાઈ ઉપર પરમકૃપાળુદેવે પાંચ છ બોઘપત્રો લખેલા છે.
Scanned by CamScanner