________________
અદ્રિતીય અમદાવાદ
૩
અમદાવાદની રોનક અને જાહોજલાલી બીજાં શહેરોની માફક ગામડાંઓના શોષણથી ઊભી થયેલી નથી, પણ તેના વેપાર-ઉદ્યોગને પ્રતાપે છે. આ વેપારઉદ્યોગ કોઈ રાજા-મહારાજાને આશ્રયે ખીલ્યો નથી, પણ સ્થાનિક કારીગરો, વેપારીઓ અને શરાફોના પેઢી-દર-પેઢી પ્રવર્તેલા સંયુક્ત પુરુષાર્થનું ફળ છે.
વંશપરંપરાથી ચાલતી આવતી શ્રીમંત વણિકોની આર્થિક સત્તા અને સામાજિક પ્રતિષ્ઠા અમદાવાદના વ્યક્તિત્વનું એક મહત્ત્વનું અંગ છે. યુરોપીય શહેરોના જેવી સ્વાયત્તતા ભલે તેણે ભોગવી ન હોય, પરંતુ શાસકોને પ્રજાની ઈચ્છાને અનુકૂળ બનાવી શકે તેટલી વગ અને કુશળતા આ વેપારીવર્ગનાં મહાજન જેવાં સંગઠનો અને તેના મુખરૂપ નગરશેઠોમાં હતી. ઉત્તર ભારત સાથે ચાલતો વેપાર મોટે ભાગે ગુજરાત અને રાજસ્થાનના માર્ગે ચાલતો. તેથી આ બે પ્રદેશના શાસકો આવતા-જતા માલ પર કર નાખતા. તે કારણે પણ વેપારીઓ અને શરાફોનાં મહાજનોનો શાસકો સાથે ઠીક ઠીક ગાઢ સંબંધ રહ્યો હતો. | ગુજરાતનો વેપાર ટકાવીને બહારનાં પરિબળોથી તેનું રક્ષણ કરવાનું કામ તેનાં મહાજનોએ કરેલું છે. છેલ્લાં એક હજાર વર્ષથી અનેક ઝંઝાવાતોની સામે મધ્યમ વર્ગને ટકી રહેવાનું બળ આ સંસ્થા પાસેથી મળ્યું છે. ગુજરાતના જેવું મહાજનનું સંગઠન ભારતમાં ક્યાંય નથી. અને અમદાવાદના જેવું સમર્થ અને સંપૂર્ણ બંધારણવાળું મહાજન ગુજરાતમાં બીજે નથી. કોઈ પ્રકારના આડંબર કે જાહેર ધમાધમ વગર શાંતિથી પોતાનું કામ કર્યું જવું એ આ મહાજનની ખાસિયત છે. કોમી વિખવાદ દબાવવામાં અને રાજસત્તાથી લોકસમૂહને કચડાતો બચાવવામાં તેનો મોટો ફાળો છે.
બધા વ્યવસાયોનાં મહાજન હોય છે. તેમાં શરાફના મહાજનનો મોવડી નગરશેઠ બને છે. કોઈ પણ ધંધાનો બિનનોકરિયાત માણસ મહાજનનું મતું રાખી શકે. મોટામાં મોટો મહાજનનો શેઠ ગણાય. નીચલા ધંધાનો શેઠ પટેલ કહેવાય. શેઠાઈ સામાન્ય રીતે વંશપરંપરાની હોય છે, પણ લાયકાતથી પણ તે મળી શકે છે. તેથી કહેવત પડી છે કે:
લખતાં લહિયો નીપજે, ભણતાં પંડિત હોય,
લડતાં શેડિયો નીપજે, એનું કુળ ન પૂછે કોય. મતું જાય તો વેપારના હક ને રક્ષણ જાય.
Scanned by CamScanner