________________
કહાન રત્ન સરિતા
અહીંની પ્રવૃત્તિમાં સવારથી ઊઠીને પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય, વ્યાખ્યાન આદિ જે પ્રવૃત્તિ છે, એમાં કોઈ પાપ પ્રવૃત્તિ નથી. સવારથી સાંજ સુધીની શુભયોગની પ્રવૃત્તિ હોવા છતાં અને આ બધું વ્યવસ્થિત રીતે સમજાયાં છતાં (આત્મહિત થતું નથી). સમજીને વિદ્વત્તા આવી જાય ત્યાં સુધી સમજે ! સમજતાં સમજતાં વિદ્વત્તા આવતી થાય ત્યાં સુધી સમજે. જે સમજે એ બીજાને સમજાવી શકે એવી પરિસ્થિતિમાં પણ સમજણ પરિણમે. પણ પોતે અંદરમાં નથી જઈ શકતો ! શું વાત કરે) છે ? પોતે અંદરમાં નથી જઈ શકતો, એટલે અંતર્મુખ થઈને અનુભવ નથી કરી શકતો. તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને ? એમ કહે છે. કેટલો કેટલો વિષય ગુરુદેવે ચચ્યું છે ! પ્રવચન આપતાં આપતાં ઘણી વાતો ખોલી છે.
પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને?” કારણ ન હોય અને કાર્ય બને . એમ તો બનતું નથી. સમજાય છે એમ કહે, ગુરુદેવ જેટલું કહે છે તે બધું સમજાય છે, નથી સમજાતું એવું કાંઈ લાગતું નથી. સામાન્ય રીતે આ અનુભવ છે. જે લોકોએ બરાબર બુદ્ધિને Ápply કરી છે કે આ સમજવું છે, (આપણે) અહીંયા સમજવા આવ્યાં છીએ. એ સમજવાની બુદ્ધિથી એ આવે છે ત્યારે એને સમજાય છે, નથી સમજાતું એમ નથી.
હવે કહે છે કે સમજાય છે છતાં... આ ચર્ચા આ ઠેકાણેથી કરવી છે કે સમજાય છે છતાં પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને ? એમાં શું થાય છે કે (આ સમજવાવાળાને) Theory સમજાય છે. વ્યાખ્યાન દ્વારા જે કોઈ વ્યાખ્યા થાય છે તે સમજાય છે. વ્યાખ્યાના સમૂહરૂપ જે વચનો છે તેને વ્યાખ્યાન કહેવામાં આવે છે. તેથી તો એનું નામ વ્યાખ્યાન એમ થયું. એ વ્યાખ્યા એટલે Theory સમજાય છે. પણ પ્રયોગ કેમ કરવો ? એ પ્રયોગમાં સમજાતું નથી. એટલે અહીંયા સમજણનો પણ એક ભ્રમ થાય છે ! શું થાય છે ? સમજણનો પણ એક ભ્રમ થાય છે કે, સમજાય છે બધું ! પણ અનુભવ થતો નથી. એટલે એ સમસ્યા ઊભી રહે છે, એ પ્રશ્ન ઊભો રહે છે કે આ સમજાય છે ને અનુભવ કાં થતો નથી ? પછી પોતે ને પોતે સમાધાન કરે છે કે પુરુષાર્થ ઊપડતો નથી. એટલે અનુભવ થતો નથી !!