________________
૧૪૪
[પરમાગમસાર-૨૩૮]
કિંમત કરી હશે તો તે નહીં છૂટે, જેનું મૂલ્ય આવ્યું હશે તે છૂટશે નહીં.’ અહીંયા (કહેવાનો) અભિપ્રાય શું છે ? પૂજ્ય ગુરુદેવશ્રી આ ગ્રંથમાં આગળ પણ એ વાત કરી ગયા છે કે આ જીવને આત્મસ્વરૂપ છોડીને કાંઈપણ અન્ય દ્રવ્યમાં, અન્ય ભાવમાં અધિકાઈ રહે છે એ આ જીવને બહારમાં રોકાવાનું કારણ છે અને આત્મામાં નહિ આવવાનું આ કારણ છે.
"
સામાન્ય પ્રકારે મુમુક્ષુ જીવ એવી ભાવના રાખે છે, એવી ઇચ્છા રાખે છે કે મને આત્મસ્થિરતા થાવ, હું આત્મામાં રહું, હું આત્મામાં આવું - આવી ભાવના ભાવે છે. છતાં એ ભાવના અનુસાર એને કાર્ય નહીં થવાનું કારણ શું ? એનો આ સ્પષ્ટ ઉત્તર છે કે જેની કિંમત કરી હશે એ બાજુ એ ઢળશે. જીવનાં પરિણામ ક્યાં ઢળે છે ? અથવા ક્યા વિષયમાં જીવનાં પરિણામ મગ્ન થાય છે ? કે જેની એ કિંમત આપે છે ત્યાં તેનાં પરિણામ મગ્ન થાય છે. આમ કહેવું છે.
શા માટે સર્વ જ્ઞાનીઓએ એમ કહ્યું કે આત્માને ઓળખો ! કે આત્માને ઓળખવો એમ કહેવામાં આત્માની કિંમત કરવાનો સવાલ છે. આત્માનું મૂલ્યાંકન ક૨વાનો સવાલ છે. જે સર્વોત્કૃષ્ટ તત્ત્વ છે, પરમોત્કૃષ્ટ તત્ત્વ છે. એને ઓળખતા તે પદાર્થ પ્રત્યે એટલે સ્વ-સ્વરૂપને વિષે જીવના પરમ ઉત્કૃષ્ટ પરિણામ થાય છે. ૫૨મ ઉત્કૃષ્ટ આદરણીય પરિણામ થાય છે અને સાથોસાથ
એને જગતનાં પદાર્થો અને સંયોગો પ્રત્યે અને રાગ દ્વેષ પ્રત્યે જે એણે કિંમત આપી છે એ કિંમત એની ચાલી જાય છે. એ સિવાય કોઈપણ પ્રકારે બાહ્ય પદાર્થની કિંમત જતી નથી.
કોઈ એમ કહે કે બાહ્ય પદાર્થ એટલે લાખોની દોલત હોય અને એ દોલત છોડી દે, તો એણે ત્યાગ કર્યો ત્યારે એ પદાર્થની કિંમત ઘટાડી નાખી કે એ કિંમત આંકી હતી તે મટાડી દીધી, એમ ખરું કે નહીં ? ત્યારે એમ કહે છે કે સ્વરૂપની ઓળખાણ વિના, બાહ્ય પદાર્થ ત્યાગવા યોગ્ય છે અને એની કોઈ કિંમત નથી અથવા તે તે પદાર્થો પ્રત્યેના પરિણામ આત્માને દુર્ગતિનું કારણ છે, અહિતનું કારણ છે, દુઃખનું કારણ છે; માટે પણ તે સેવવા યોગ્ય નથી ને છોડવા યોગ્ય છે, (એમ લાગે) તોપણ એની કિંમત નહીં જાય. અહીં બીજો મુદ્દો છે. ચાલુ જે Point છે એ એટલો છે કે એની કિંમત કઈ રીતે ગઈ છે ? આટલો સવાલ છે.