________________
૧૫૮
[પરમાગમસા૨-૨૩૮]
એ મૂડી નહિ હોવાથી એનો ઉપયોગ નહિ થાય, કામમાં નહિ આવે. એવી ચીજ છે.
બહુ મુદ્દાનો વિષય છે આ કે કિંમત કરી હશે, ઓળખાણ કરી હશે તો મરણ થવાં છતાં તે નહિ છૂટે. હવે બે પ્રકારે બન્ને બાજું કિંમત થાય છે. કિંમત કરનારો તો કિંમત કર્યા જ કરે છે. આત્મા જે કિંમત કરનાર દ્રવ્ય છે - વસ્તુ છે, એ તો કિંમત કરે જ છે. કાં રાગ-દ્વેષ અને સંયોગની કરે છે ને કાં આત્માની કરે છે. રાગ-દ્વેષ અને સંયોગની કિંમત કરે છે એમાં આખું જગત આવરી લીધું ! એક વચનમાં !! કેવળજ્ઞાન અનુસાર વચન છે કે આખા જગતના જીવો રાગ-દ્વેષ ને સંયોગની કિંમત કરે છે. પછી અમેરિકાવાળા પણ એ કરે છે ને રશિયાવાળા પણ એ જ કરે છે. ભલે એની પાસે આ Philosophy નથી. પણ આ Philosophy માં એનો વિષય છે. ભૂતકાળના જીવોએ પણ એમ જ કર્યું હતું ને ભવિષ્યના પણ જગતના તમામ મિથ્યાદષ્ટિ જીવો રાગ-દ્વેષ ને સંયોગોની કિંમત કરીને એની પાછળ (દોડ્યા છે અને દોડશે). અનંતકાળથી અનંતકાળ પર્યંત (એટલે કે) અનંતકાળથી વર્તમાન સુધીનો જે અનંતકાળ છે (એ) અનંતકાળ પર્યંત એક જ પ્રવૃત્તિ કરી છે. કેમકે એની કિંમત આપી છે અને એની કિંમત એને છૂટતી નથી.
ધર્મના ક્ષેત્રમાં પણ વગર સમજે ત્યાગ કરે છે ત્યારે એની કિંમત રાખીને કરે છે. મેં આટલું છોડ્યું, મેં રાજ છોડ્યું, રાજપાટ છોડ્યું, કુટુંબ છોડ્યું, ધંધો-દોલત છોડી, - ‘આટલું છોડ્યું” એ બધી એની કિંમત રાખીને વાત છે. ક્યાંય પણ પૈસાવાળાના વખાણ કરવા નહિ. ઠીક ! આ જો કિંમત પોતાને ન આપવી હોય તો હોં ! કોઈના પ્રત્યે પૈસાવાળા પ્રત્યે દ્વેષ કરવાની વાત નથી, પણ એ પૈસાવાળાના વખાણ કરવાં જતાં આ જીવને એની કિંમત આવે છે. (માટે) એ પ્રવૃત્તિ કરવા જેવી નથી. કોઈના ધન - વૈભવની, કોઈના રાચરચીલાની, કોઈની બાહ્ય સંપત્તિની, બાહ્ય પૈસાની મહત્તા કરવી નહિ. એની મહત્તા નથી થતી, (પણ) તારા પરિણામમાં એની મહત્તા છે એ પ્રસિદ્ધ થાય છે. એ તારા આત્માને નુકસાન છે. એવી મહત્તા કરવા જતાં તારા આત્માની મહત્તાથી દૂર જવાનો તને પ્રસંગ છે. તને તારા આત્માની મહત્તા આવશે નહિ. આમ વાત છે.