________________
કહાન રત્ન સરિતા
એ પદ્ધતિ સાચી નથી.
એટલે એમ કહે છે કે ...કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય, અને તારો પર્યાય ચૈતન્યવસ્તુને પકડીને પરિણમે...' (કષાયનું) લક્ષ છૂટે છે, એ સમ્યગ્દર્શન પહેલાં લક્ષ ફરે છે, નિર્ણય થાય છે ત્યારે, ભાવભાસન થાય છે ત્યારે. અને જ્યારે આગળ વધીને તારો પર્યાય (ચૈતન્યવસ્તુને પકડે) એટલે જ્ઞાનમાં અખંડ ચૈતન્યનું ગ્રહણ થાય, અભેદભાવ થાય, ભાવથી અભેદતા થાય (અર્થાત્) પર્યાય પર્યાય રહે, દ્રવ્ય દ્રવ્ય રહે; પણ ભાવે અભેદતા થાય, ત્યારે ચૈતન્ય વસ્તુને પકડીને (જે) પરિણમન થયું, ત્યારે મિથ્યાત્વનો ત્યાગ એટલે નાશ થયો, મિથ્યાત્વનો અભાવ થયો, મિથ્યાત્વ ઉત્પન્ન ન થયું. ત્યારે ખરેખર સમ્યક્ પ્રકારે આત્માએ ત્યાગની શરૂઆત કરી. એ પહેલાંનાં બહારનાં ત્યાગ એ ખરેખર ત્યાગ નથી અને મેં ત્યાગ કર્યો, એ ત્યાગનાં અભિમાનનું ગ્રહણ થયું. ત્યાગનાં બદલે ત્યાગનાં અભિમાનનું ત્યાં ગ્રહણ થઈ ગયું છે. એને તો આગળ એમ કહ્યું કે તને શલ્ય થઈ ગયું, મિથ્યાત્વની પુષ્ટિ થઈ.
કહે છે કે ‘...તારો પર્યાય ચૈતન્યવસ્તુને પકડીને પરિણમે ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય એ ખરો ત્યાગ છે.’ એ જ ખરો ત્યાગ છે. ત્યાગની સાચી પદ્ધતિ - સમ્યક્ પ્રકારે ભગવાને કહેલી રીત મિથ્યાત્વના ત્યાગથી શરૂ થાય છે. પછી અસંયમનો ત્યાગ થાય છે. ભાવ અસંયમનો ત્યાગ થાય છે ત્યારે સાથેસાથે દ્રવ્ય અસંયમનો પણ નિમિત્તપણે અભાવ થાય છે, ત્યારે એને લોકો બાહ્યત્યાગ કર્યો એમ પણ સ્વીકારે છે. એ વાત આગળ જતાં એ પદ્ધતિમાં વિકાસ થાય ત્યારે ઊભી થાય છે. એવા યથાર્થ પ્રકારે આગળ વધવું જોઈએ, એમ કહે છે. એ ખરો ત્યાગ છે. લ્યો ! એમ ત્યાગની અહીંયા વ્યાખ્યા પણ કરવામાં આવી છે. (સમય થયો છે).
83&TE
-
૨૦૯