________________
કહાન રત્ન સરિતા
૮૫
ખલાસ થઈ ગઈ વાત. આ વિષય જૈનદર્શનનો છે, જે દુનિયાના ધર્મના સાહિત્યમાં આ વિષય આ રીતે પ્રતિપાદિત થયેલો નથી.
"
અહીંયા શું કહે છે ? કે એ જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાનીના જ્ઞાનમાં બહારના કહેવાતા અનિષ્ટ સંયોગ અને વિયોગ કે ઇષ્ટ સંયોગ અને વિયોગ તે તમામ જ્ઞાનનું જ્ઞેય છે, એવું સામ્યભાવપણે જ્ઞાનસહિતનું અનંતગુણનું વીતરાગી પરિણમન સાધકને વર્તે છે, એણે એ સિદ્ધાંતને અપનાવ્યો છે અથવા ગ્રહણ કર્યો છે. હવે જેને, જે સુખનું પણ કારણ નથી, જેને જે દુઃખનું પણ કારણ નથી, એના ગ્રહણ-ત્યાગની એને પકડ કેટલી ? (કહે છે) કે એના ગ્રહણ - ત્યાગની કોઈ પકડ એને નથી. એ જગતમાં જગતથી નિરાળો થઈને વસે છે, રહે છે અને પોતાનામાં મસ્ત છે. વીતરાગભાવની મોક્ષની મસ્તીમાં એ ચકચૂર છે. એને જગતના ગ્રહણ-ત્યાગ સાથે કાંઈ લેવાં દેવા નથી. એ રીતે બહારની સંપદા અને વિપદાનો આંક અથવા ધોરણ જ્ઞાનીઓએ માત્ર જ્ઞેયના’ ખાનામાં રાખીને નિશ્ચિત કરેલું છે.
તો પછી એને વિપદા અને સંપદા જેવું કાંઈ છે ? (કહે છે) કે હા, એ પણ એ માને છે. (બોલમાં) બે વાત લીધી છે. ‘નથી’ અને છે’. અહીંયા નાસ્તિ અને અસ્તિ - બન્ને સ્થાપી છે - એ પણ છે કે, ચૈતન્યનું વિસ્મરણ તે જ મોટી વિપદા છે, ચૈતન્યનું સ્મરણ ખરેખર સાચી સંપદા છે.' જેમાં ચૈતન્યના સુખની હાનિ થાય તે જ વિપદા છે. જ્યારે ચૈતન્યના સુખનો અભાવ હોય છે ત્યારે ચૈતન્યને દુઃખ હોય છે. એને કેમ વિપદા કહે છે ? કે આત્મામાં સુખ નામની એક શક્તિ છે, આ ૪૭ શક્તિમાં પાંચમી શક્તિનું એ વર્ણન છે - ‘અનાકૂળ ઉપયોગમયી સુખ શક્તિ.' સમયસારનાં પરિશિષ્ટમાં આત્માની ૪૭ શક્તિઓનાં વર્ણનમાં એક સુખ શક્તિ’નું વર્ણન છે. તો કહે છે કે (આત્મામાં) એક સુખગુણ છે. સુખ-શક્તિ છે એટલે એ ત્રિકાળી ગુણ છે, ત્રિકાળી શક્તિ છે. આત્મામાં અનાદિ અનંત ત્રણે કાળે જેની હયાતી છે એવી એ શક્તિ છે કે જેનું સામર્થ્ય અનંત છે. જેનું સુખ દેવાનું સામર્થ્ય અનંત છે, અપરિમિત છે, અમર્યાદિત છે, જેને ક્યાંય કોઈ સીમા લાગુ પડતી નથી. એવી જે સુખ શક્તિ છે એનું પરિણમવું પણ ત્રણે કાળે હોય છે. કોઈ કાળે કોઈપણ પદાર્થનો કોઈપણ ગુણ પરિણમ્યા વિનાનો રહી શકતો નથી—રહેતો નથી. આ સર્વ ગુણોની સ્થિતિ છે.