________________
૧૧
સાઘક સાથી
અસત્યને તિલાંજલિ આપવી પડશે અને આ કેવી રીતે બની શકે તે હવે આપણે જોઈએ.
આત્મશુદ્ધિનો ઉપાય આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાનનો ઉપાય આત્મવિચારણા છે. હવે આત્મવિચારણાના અભ્યાસ માટે અનાત્મ-સ્વરૂપ જગતના જડ પદાર્થોને સત્યસ્વરૂપે માને ત્યાં સુધી વિચારની ધારા આત્મા તરફ વળવી વિકટ છે. આથી એમ નક્કી થયું કે એક મારો શુદ્ધ આત્મા જ વાસ્તવિક સત્ય છે અને દુનિયાના સર્વ પદાર્થો વિનાશક – ક્ષણભંગુર હોવાથી મારા આત્મકલ્યાણની દૃષ્ટિએ અસત્ય છે એમ જાણે, માને અને ભજે તે સાધકને પરમાર્થસત્યની ધીમે ધીમે પ્રાપ્તિ થાય છે. આમ પરમાર્થસત્યનું ફળ આત્મજ્ઞાન અને આત્મશાંતિ છે.
પરમાર્થસત્યની પ્રાપ્તિના જિજ્ઞાસુઓ માટે એક ખાસ વિચારણીય મુદ્દો આ તબક્કે લક્ષમાં રાખવો હિતાવહ છે કે સાપેક્ષદૃષ્ટિ વડે પૂર્ણ સત્યની ઉપલબ્ધિ થાય છે, કારણ તે દરેક પદાર્થ અનેક ધર્માત્મક (ગુણાત્મક) છે અને જે જે દૃષ્ટિકોણ (Facet, point of view)થી વિચારીએ તે તે દૃષ્ટિબિંદુથી તેનું તેટલું જ્ઞાન થાય છે. દૃષ્ટાંતરૂપે, હાથીને ભીંત જેવો કહેવો, સાંબેલા જેવો કહેવો, થાંભલા જેવો કહેવો, દોરડા જેવો કહેવો કે સૂપડા જેવો કહેવો તે તેની પીઠની દૃષ્ટિએ, સૂંઢની દૃષ્ટિએ, પગની દૃષ્ટિએ, પૂંછડીની દૃષ્ટિએ અને કાનની દૃષ્ટિએ અનુક્રમે સત્ય છે. પરંતુ તેને એક જ રૂપે કહેવો તે એકાંગી જ્ઞાન હોવાથી અપૂર્ણ જ્ઞાન છે. આમ સર્વ વસ્તુના જ્ઞાનનું સમજવું.
પૂર્ણ અથવા પ્રમાણજ્ઞાન થવા માટે બધા દૃષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ અને જે સમયે જે દૃષ્ટિકોણનું જ્ઞાન અપનાવવાથી આત્મશુદ્ધિ વધે તે સમયે તે દૃષ્ટિકોણનું જ્ઞાન અપનાવી બીજા દૃષ્ટિકોણથી પ્રાપ્ત થયેલું જ્ઞાન ગૌણ કરવું જોઈએ. આમ મુખ્ય અને ગૌણ એમ યથાયોગ્ય દૃષ્ટિકોણને નહિ અપનાવીએ તો જ્ઞાન એકાંગી રહેશે અને તેથી અપૂર્ણ રહેશે. માટે જે સાધકો આત્મશ્રેય અને પૂર્ણ જ્ઞાનને ઇચ્છે છે તે વસ્તુસ્વરૂપને સમજવા માટે સાપેક્ષ દૃષ્ટિકોણને અપનાવે.
પ્રજ્ઞાવંત આચાર્યોએ વસ્તુના સ્વભાવને જ ધર્મ કહ્યો છે, માટે જે જે પ્રકારે વસ્તુના સ્વભાવની સિદ્ધિ થાય તે પ્રકારે ભજવો તે આપણને સૌને ધર્મ પ્રાપ્ત થવાનો ઉપાય છે. આવો સહજ ધર્મ – સ્વાભાવિક ધર્મ – સત્યધર્મ છે; માટે સત્યની ઉપાસના દરેક પ્રકારે મુમુક્ષુનું કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org