________________
૨૭૨
સાધક-સાથી
જાણીને તેનો નિર્ણય કરવો - એવો થાય છે.
હવે, દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ હું આત્મા છું એવી શ્રદ્ધા અને નિર્ણય પાકાં થાય તે માટે, તેવો નિર્ણય જેમને થઈ ગયો છે તેવા સંતપુરુષનો સમાગમ વારંવાર કરવો જોઈએ અને તેમની પાસેથી પ્રાપ્ત થયેલા બોધને વારંવાર પાકો કરવો જોઈએ. આમ, જ્યારે સત્સંગ અને સધ્ધોધની આરાધનાથી ગુણોનો આવિર્ભાવ થાય છે ત્યારે તેનું સાધકપણું સુસ્થિત થાય છે અને તેની દિનચર્યામાં સાત્ત્વિક ભાવોની વૃદ્ધિ થાય છે. ઉપરોક્ત ગુણો પ્રગટ થવાની સાથે હવે તેની જીવનચર્યામાં અમુક પ્રકારની સાધના નિયમરૂપે ગોઠવાઈ જાય છે. આ પ્રમાણે સ્વાધ્યાય, પ્રભુભક્તિ, દાનવૃત્તિ, તત્ત્વવિચારણા, સંત-સમાગમ આદિ જેમ જેમ સ્થિરપણાને પામતાં જાય છે તેમ તેમ આત્મભાવના વૃદ્ધિ પામતી જાય છે.
આત્મવિચાર, આત્મસ્મરણ, આત્મધ્યાન અને આત્મઅનુભવ એમ સામાન્ય રીતે ચાર પ્રકારે આત્મભાવનાની સાધનાની પરિપક્વતાની શ્રેણીઓ છે. આ પ્રકારની આત્મભાવનાની સાથે સાથે પ્રભુ અને સદ્ગુરુના સ્વરૂપની અને તેમના ગુણોની પણ આરાધના કરવાની જરૂર છે. શુદ્ધ આત્મભાવનામાં તો નિરંજન-નિરાકર-સચ્ચિદાનંદસ્વરૂપ, જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવવાળા આત્માની ભાવના કરવાની છે, પણ આમ કરવું સામાન્ય સાધકને માટે વિકટ છે, તેથી વીતરાગ-સર્વજ્ઞ જ્ઞાન-આનંદમાં સર્વથા લીન એવા ભગવાનનું અથવા દેહધારી-સદ્ગુણસંપન્ન-કરુણાવતાર-જ્ઞાનાવતાર આત્મારામી ગુરનું સ્મરણ કરવાથી ચિત્તને પુષ્ટ અને સાત્ત્વિક આલંબન મળે છે અને ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા વધે છે. આમ થયે, ક્રમે કરીને આત્મભાવના ભાવવાની શક્તિ પેદા થાય છે. આ પ્રમાણે, કોઈ વાર આલંબન સહિતની આત્મભાવના અને કોઈ વાર આલંબન વગરની આત્મભાવના, એમ સતત અભ્યાસ કરવાથી આત્મધ્યાનની ભૂમિકામાં પ્રવેશ થાય છે. જેને થોડું થોડું પણ આવું આત્મધ્યાન કોઈ કોઈ વાર થાય છે તેવા મહાન સાધકને કોઈ એક વાર આત્માનો અનુભવ થઈ જાય છે અને
જ્યારે આમ બને ત્યારે જ અજ્ઞાન-અવિદ્યાની ગ્રંથિનો ઉચ્છેદ થઈ, જ્ઞાનજ્યોતિનું પ્રાગટ્ય થઈ, આત્માનંદની એક અપૂર્વ-અદૂભૂત લહેર ઊઠે છે. જેનાથી સાધક, સંત બની જાય છે અને તેના જીવનની સમસ્ત પ્રવૃત્તિઓમાં દિવ્યતા-સાહજિકતા દૃષ્ટિગોચર થાય છે તથા અનેક લૌકિક અને લોકોત્તર ગુણો તેના જીવનમાં પ્રગટ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org