________________
૨૫૮
સાધક-સાથી,
જીવોનો નિવાસ ક્યાં ક્યાં છે તેનું જ્ઞાન પણ આ વ્રતને પૂર્ણપણે પાળવા માટે અનિવાર્ય છે. આહાર-વિહાર આદિ સર્વ કાર્યોમાં પ્રવર્તતા છતાં પણ જેઓ નિરંતર જાગ્રત રહે છે તેવા મહાપુરુષોને આ વ્રતનું પાલન સારી રીતે બની શકે છે.
સત્ય : પક્ષપાતરહિત થઈને જેવું વસ્તુનું સ્વરૂપ ખરેખર છે, તેને અનુરૂપ કથન કરવું તેને સત્યવ્રત કહેવામાં આવે છે. આવું વચન હિતકારી, સપ્રમાણ અને પ્રિયરૂપ હોય છે. આમ વ્યવહારજીવનમાં પણ સત્યવચન જ બોલવું. અંતરમાં પણ સત્યને અનુસરીને જ વિચાર કરવો અને કાયાથી પણ સત્કાર્ય કરવું, એમ જ્યારે સત્યનું અનુસરણ કરવામાં આવે ત્યારે પોતાના આત્માનું કલ્યાણ થાય છે અને આપણા પરિચયમાં આવનાર વ્યક્તિઓને પણ સત્ય જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
અચૌર્ય: કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ તેના માલિકની પૂર્વપરવાનગી લીધા વિના લેવી નહિ અથવા વાપરવી નહિ તે વ્યવહારજીવનમાં અચૌર્યવ્રતની આરાધના છે. ખરેખર તો પોતાના આત્મા સિવાય કોઈ પણ વસ્તુને પોતાની માનવી કે ભોગવવાની બુદ્ધિ કરવી તે અચૌર્યવ્રતના પાલનનો ભંગ થયો કહેવાય.
બ્રહ્મચર્ય : આ જગતમાં કોઈ પણ સ્ત્રી, દેવી, તિર્યચિની (પશુની નારીજાતિ) કે કાષ્ઠ-પાષાણાદિની સ્ત્રી-પ્રતિમા પ્રત્યે વિકારભાવની ઉત્પત્તિ ન થવા દેવી તે સંપૂર્ણ બ્રહ્મચર્ય કહેવાય છે. પોતાનો આત્મા જ પરમ આનંદનું ધામ છે એવો અંતરંગ નિશ્ચય કરી તેમાં વારંવાર તલ્લીન થવું તે ખરેખર બ્રહ્મચર્ય છે – બ્રહ્મમાં (આત્મામાં) ચય (રમણતા) છે.
અપરિગ્રહ : દુનિયાની વસ્તુઓને પોતાની માનવારૂપ જે મૂછ-પરિણામ, તેનો સંપૂર્ણપણે ત્યાગ કરીને જેઓ જ્ઞાન, ધ્યાન અને તપ દ્વારા આત્મસાધનામાં જ મગ્ન રહે અને જગતના કોઈ પણ વિષય-પદાર્થોનો પ્રમાદપૂર્વક સંપર્ક ન કરે તેવા મહાત્માઓને અપરિગ્રહ નામનું મહાવ્રત હોય છે. તેમને જગતના કોઈ પણ પદાર્થોમાં - પોતાના દેહમાં પણ - સ્વામીપણાની બુદ્ધિ જરા પણ હોતી નથી.
(પૃષ્ઠ-૨૫૭ પરની ફૂટનોટ)
* આચારસાર, નિયમસાર, મૂલાચાર, ભગવતી-આરાધના, આચારાંગ આદિ ગ્રંથોમાં આ વ્રતોનું વિસ્તારથી વર્ણન કરેલું છે તો વિશેષ અભ્યાસીઓએ ત્યાંથી વિગતવાર અવલોકન કરવું.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only