________________
૪
શરીરનું સ્વરૂપ
ભૂમિકા
જગતના સામાન્ય મનુષ્યો શરીર કોને કહેતા હોય છે ? તેઓને મન તો આ જે દેખાય છે તે બે હાથવાળું, બે પગવાળું અને માથું, ગળું, છાતી, પેટ, કેડ ઇત્યાદિ જેના અવયવો છે તે જ આ શરીર છે. વળી ખાતું-પીતું, હસતું-રડતું, નાચતું-કૂદતું, જાડું-પાતળું, ગોરું-કાળું, લીલીવાળું-ફીકાશવાળું, સ્વરૂપવાન-કદરૂપું આદિ અનેક ગુણોને (પ્રકારોને) ભજવાવાળું જે આ હાલતું-ચાલતું પૂતળું તેમના અનુભવમાં આવે છે તેને તેઓ શરીર માને છે. આમ શરીર વિશે લોકોની માન્યતા છે.
શરીર-રચનાના વિજ્ઞાનીઓએ તે શરીરની ઉત્પત્તિનું, વૃત્તિક્રમનું અને તેની અંદર રહેલા અવયવોનું વર્ણન કર્યું છે. જેવા કે મોટું મગજ, નાનું મગજ, કરોડરજ્જુ, ફેફસાં, હ્રદય, યકૃત, બરોળ, જઠર, આંતરડાં, મૂત્રપિંડ, મૂત્રાશય, સ્નાયુઓ, હાડકાં, મજ્જા, રક્ત, જ્ઞાનતંતુઓ વગેરે. આ શરીરની ઉત્પત્તિ માતાના શોણિત (રુધિર) અને પિતાના વીર્યના સંયોગથી થાય છે. માતાના ઉદરમાં રહેલા ગર્ભની ક્રમશઃ વૃદ્ધિથી ધીમે ધીમે શરીરનાં અનેક અંગ-ઉપાંગો સર્જાય છે, તેની ઉત્પત્તિ દુર્ગંધમય પદાર્થોથી છે, તેને નવ માસ સુધી નિરંતર ગંદા સ્થાનમાં રહેવું પડે છે અને માતાના ઉદરમાંથી જગતમાં જન્મ લેતી વખતે પણ તેને અતિશય દુઃખ ભોગવવું પડે છે. બાળપણનાં અને ઘડપણનાં દુઃખો તો સર્વવિદિત છે જ, જ્યારે યુવાવસ્થામાં પણ શરીર રોગાદિથી કે ચિંતાઓથી મુક્ત રહે એવો નિયમ નથી. આમ, ઇન્દ્રિયજન્ય જ્ઞાન વડે શરીરના સામાન્ય સ્વરૂપનું નિરૂપણ થયું.
અતીન્દ્રિય જ્ઞાનથી શરીરનું સ્વરૂપ
શરીરના જે વિભિન્ન ઘટકોનું વર્ણન ઉપર થયું તે ઐન્દ્રિક નિમિત્ત જ્ઞાનની અપેક્ષાએ જાણવું; પરમતત્ત્વના જ્ઞાતાઓ પોતાના અતીન્દ્રિય જ્ઞાન દ્વારા તેનું સ્વરૂપ ભિન્નપણે આલેખે છે. તેઓ શરીરને સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા, સૂક્ષ્મ, રૂપી અને જડ ૫૨માણુઓના સમૂહરૂપે જુએ અને જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org