________________
પ્રકરણ ૩
પરમાગમ સમજ (ખાસ સૂચના)
૧. નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગના સ્વરૂપમાં કેવો નિર્ણય કરવો જોઈએ ઃ
૧. નિશ્ચયે વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે, વીતરાગભાવો અને વ્રતાદિકમાં કથંચિત્ કાર્ય-કારણપણું છે. માટે વ્રતાદિકને મોક્ષમાર્ગ કહે છે પણ તે માત્ર કહેવામાત્ર જ છે.
૨. ધર્મ પરિણત જીવને વીતરાગભાવની સાથે જે શુભભાવરૂપ રત્નત્રય (વ્યવહારદર્શન-જ્ઞાન-ચારિત્ર) હોય છે તને વ્યવહારનય દ્વારા ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. જો કે તે રાગભાવ હોવાથી બંધ માર્ગ જ છે એવો નિર્ણય કરવો જોઈએ.
૩.
વ્યવહાર મોક્ષમાર્ગ ખરેખર બાધક હોવા છતાં પણ તેનું નિમિત્તપણું બતાવવાને માટે તેને વ્યવહારનયથી સાધન કહ્યું છે. આ કથન ઉપરથી કેટલાક (જીવો) એમ માને છે કે નિશ્ચય મોક્ષમાર્ગથી વ્યવહાર મોક્ષમાર્ગ વિપરીત (વિરુદ્ધ)નથી પણ બન્ને હિતકારી છે. તેઓની આ માન્યતા જૂઠ્ઠી છે. આ સંબંધમાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે ઃ ‘‘મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. કારણ કે નિશ્ચય -વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ છે, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ અને એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા તે મિથ્યા છે.’’
વળી તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. બન્ને નયો સમકક્ષ નથી પણ પ્રતિપક્ષ છે.
૪. પ્રાણીઓને ભેરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે જ, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે અને જિનવાણીમાં વ્યવહારનયનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબન (સહાયક) જાણી બહુ કર્યો છે; પરંતુ તેનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો આવ્યો જ નથી અને તેનો ઉપદેશ પણ વીરલ છે. શાસ્ત્રોમાં કોઇ કોઇ ઠેકાણે જ છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી તનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો છે. ‘શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે એનો આશ્રય કરવાથી જીવ સમ્યગ્દષ્ટિ થઈ શકે છે; એને જાણ્યા વગર જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનું જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ શકતું નથી એવો આશય સમજવો જોઈએ.
૨. શાસ્રોના અર્થ કરવાની પદ્ધતિ :
વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઇના કોઇમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઇને કોઇમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.