________________
લંડનને માર્ગે
૯૩ તેમ ન હતું. તે એક ઝૂંપડીમાં સસ્તા દરે પથારી મેળવીને સૂઈ રહ્યો, છે અને પછી બીજે દિવસે સવાર થતાં તે આગળ ચાલવા લાગ્યો. તે દિવસે રાતે પણ રસ્તાને કિનારે એક ખાલી ખળવડ પડતર રહેલી જોઈ, તે તેના એક હૂંફાળા ખૂણામાં જઈ આડો પડ્યો અને ઘસઘસાટ ઊંઘી ગયો.
સવારમાં તે ઊઠયો, ત્યારે આખો ઉઘાડીને નજર કરતાં તેણે જોયું કે, થોડે દૂર બીજા ખૂણામાં એક માણસ જેવી આકૃતિ ટૂંટિયું વાળીને પડેલી છે. તે સ્માઈક હતો!
એ બિચારો છોકરો નિકોલસની પાછળ પાછળ જ નજર રાખતો ચાલ્યો આવતો હતો. નિકોલસ ના પાડી બેસે એ બીકે, તે એની આગળ છતો થયો ન હતો. નિકોલસ જ્યાં જ્યાં સૂઈ જતો, ત્યાં તે દૂરથી તેની સંભાળ રાખ્યા કરતો. આજે પણ તે નિકોલસની સંભાળ રાખવા જ જાગતો બેસી રહ્યો હતો. પણ ભૂખ અને થાકથી ઝોકું આવી જતાં, નિકોલસ જાગ્યો ત્યાં સુધી તે ત્યાં પડી રહ્યો હતો. •
નિકોલસના અવાજથી તે ઝબકીને જાગી ઊઠ્યો અને નિકોલસ પોતાને જોઈ ગયો એ જાણી, ડરતો ડરતો પાસે આવી, ઘૂંટણિયે પડ્યો.
તેનો હાથ પકડી ઊભો કરતાં નિકોલસે તેને પૂછયું, “કેમ, મારી આગળ ઘૂંટણિયે તારે શા માટે પડવું પડે?”
“મારે તમારી સાથે આવવું છે, તમે જ્યાં જાઓ ત્યાં; મારે કપડાં નહિ જોઈએ; જે છે તે હજ બહુ ચાલશે; મારે ખાવાનું પણ બહુ નહિ જોઈએ; અને હું તમારું બધું કામ કર્યા કરીશ. મને તમારી સાથે જ લઈ જાઓ.”
ઠીક ભાઈ,” નિકોલસ હવે મક્કમ અવાજે બોલી ઊઠયો; “દુનિયામાં જે મારું થશે તે તારું થશે, બેમાંથી એક મરીશું ત્યારે જ છૂટા પડીશું - ત્યાં સુધી નહિ.” આટલું કહી, નિકોલસે તે ભલા છોકરાને છાતીએ ચાંપી લીધો.