________________
ભૂકરનું કબૂલાતનામું
૩૪૭ તેનાં કુટુંબીજનોની બધી માહિતી મેળવી. એ વાતચીત ઉપરથી મને માલૂમ પડ્યું કે, રાલ્ફ સ્માઈકને સ્નૉલી નામના માણસનો પુત્ર ઠરાવી, પેલા જુવાન નિકોલસ પાસેથી તેને પડાવી લેવાની પેરવી કરી હતી. મેં નૉઝને એટલું તો ખાતરીપૂર્વક જણાવ્યું કે, સ્માઈક સ્નૉલીનો પુત્ર હરગિજ નથી; તથા તે ખરી રીતે કોનો પુત્ર છે તે હું એકલો જ જાણું છું! જોકે, સ્માઈક અંગેની ખરી માહિતી બહાર પાડી રાફ પાસેથી પૈસા પડાવવાની મારી આશા નાબૂદ ન થઈ હોવાથી, મેં તે વાત તરત બહાર પાડી દેવાનું મુનાસિબ ન માન્યું.
“પણ આ સમય દરમ્યાન સ્માઈક ક્યાં છે તેની મને ખબર નહોતી તથા તેને મારે નજરે એક વાર જોઈ લેવાની જરૂર હતી. તપાસ કરતાં મને ખબર પડી કે, તે બહુ માંદો હોવાથી, પેલો જુવાન નિકોલસ તેને દૂર પોતાના વતનમાં હવાફેર માટે લઈ ગયો છે. એટલે હું ત્યાં ગયો અને એ છોકરાને છૂપી રીતે જોઈ આવ્યો. હું તેને તરત ઓળખી ગયો, અને તે પણ મને જોતાં તરત ઓળખી ગયો હશે; કારણ કે, તેણે મારી સામે જોઈને બૂમ જ પાડી હતી. હું જલદી જલદી ત્યાંથી ખસી ગયો.
શું કરવું અને શું ન કરવું એ ગડભાંજમાં મેં થોડા દિવસ બગાડ્યા. પછી હું એ જુવાન નિકોલસને મળ્યો. ત્યારે મને ખબર પડી કે, સ્માઈક ગુજરી ગયો છે. એ સાંભળી, એ બિચારા વિષેની માહિતી લાંબો વખત છુપાવી રાખવા બદલ મને ખૂબ પસ્તાવો થયો. પણ હવે શું? મારી આ હકીકતોની ખાતરી તમે સ્લિવયર્સ સાથે મને ભેગો કરી મેળવી શકો છો. બસ, મારે, આટલું જ કહેવાનું છે.”
કમનસીબ માણસ! તેં આ કેવો કારમો કેર વર્તાવ્યો છે, તેનો તને ખ્યાલ આવે છે? રાલ્ફ નિકલ્બી પાસે પૈસા પડાવવાના લોભમાં તે કેવી મોટી હત્યા કરી નાખી? એ પાપનું તું શું પ્રાયશ્ચિત્ત કરી શકીશ?” બંને ભાઈઓ એકીસાથે બોલી ઊઠ્યા.