________________
ઉપસંહાર
૩૭૧
લાભ તે પોતાનાં બંને બાળકોના પરિવારને આપતી રહેતી. પોતાના જીવનમાંથી બીજા કેટલાય કીમતી અનુભવો તે વેર્યા કરતી.
અને સફેદ વાળવાળો એક ડોસો શિયાળામાં કે ઉનાળામાં નિકોલસના મકાન પાસે જ એક નાની ‘કૉટેજમાં રહેતો હતો. જ્યારે તે એ ‘કૉંટેજ’માં ન હોય ત્યારે જાણવું કે, તે નિકોલસના ઘરના કંઈક કારભારમાં જ તેને ઘેર પહોંચી ગયો હશે. તેનો મુખ્ય વ્યવસાય છોકરાંઓ સાથે રમતો રમવાનો જ હતો; અને છોકરાંઓને પણ એ ‘મોટા છોકરા’ સાથે રમતાં જે આનંદ મળતો, તે બીજા કશામાંથી નહોતો મળતો. વહાલા ન્યૂમૅન નૉગ્ઝ વિના બંને ઘરનાં છોકરાંને એક ઘડી પણ ચાલે નહિ.
સ્માઈકની કબર ઉપર લીલું ઘાસ હંમેશ છવાયેલું રહેતું. અને ઉનાળા દરમ્યાન તેનાં નવાં ભાઈ-ભાંડુને નાને મોટે હાથે ગૂંથાયેલી કેટલીય પુષ્પમાળાઓ તેની ઉપર પથરાઈ રહેતી.
નાનાં બાળકો એ માળાઓ ચિમળાય તે પહેલાં તરત બદલી નાંખતાં, — પોતાના સ્માઈક કાકાને કંટાળો ન આવે તે માટે. જ્યારે તેઓ તે કબર પાસે આવતાં, ત્યારે હંમેશાં ધીમા અવાજે બોલતાં, અને ભલા સ્માઈક-કાકાને યાદ કરી એકબે આંસુ પાડતાં. ન્યૂમૅન નૉગ્સે તે સૌને કેટલીય વાતો કહીને સ્માઈક-કાકાની પાકી ઓળખાણ કરાવી દીધી હતી.
[સમાપ્ત]