________________
ઉપસંહાર મેડલીનના પિતાના શોકનો સમય પૂરો થયો, એટલે તેનું નિકોલસ સાથે લગ્ન થઈ ગયું. અને તે જ દિવસે અને તે જ સમયે કેટ પણ મિસિસ ફ્રેંક ચિયરીબલ બની ગઈ. ટિમ લિકિનવૉટર અને મિસ લા કીવી પણ તે જ ઘડીએ પરણશે એમ મનાયું હતું. પણ તેઓએ ના પાડી, અને બેત્રણ અઠવાડિયાં બાદ એક વહેલી સવારે નાસ્તો કરી તેઓ બહાર ગયાં અને ત્યાંથી હસતે ચહેરે પાછાં આવ્યાં. તેઓ કશી ધામધૂમ વિના પરણીને આવ્યાં હતાં.
નિકોલસે પત્નીના વારસા તરીકે મળેલાં નાણાં ચિયરીબલ બ્રધર્સની પેઢીમાં જ રોક્યાં; ફેંક તે પેઢીમાં ભાગીદાર બન્યો હતો. થોડાં વર્ષ પછી એ પેઢી “ચિયરીબલ ઍન્ડ નિકલેબી” એ નામે ચાલવા લાગી. મિસિસ નિકબીએ ભાખેલું–કહો કે, સેવેલું એ સ્વનું સાચું પડ્યું!
ચિયરીબલ ભાઈઓ હવે ધંધામાંથી નિવૃત્ત થયા હતા. જે બધું બન્યું તેનાથી તેઓ પરમ પ્રસન્ન થયા હતા, એ કહેવાની જરૂર નહિ. પોતે પોતાની આસપાસ જીવનભર મથીને સરજેલા સૌના સુખમાં વળી વિશેષ વધારો કરવા તેઓ ઘણું ઘણું જીવ્યા.
ટિમ લિંકિનવૉટરે ઘણાં મનામણાં-પટામણાં પછી પેઢીમાં થોડો ભાગ સ્વીકારવાની હા પાડી. પણ ભાગીદાર તરીકે પેઢીના નામમાં પોતાનું નામ દાખલ કરવા તો તે હરગિજ કબૂલ ન થયો. તે અને તેની પત્ની પેલા જૂના મકાનમાં જ રહ્યાં – જ્યાંથી ટિમ લિકિનવૉટરને બેંતાલીસ બેતાલીસ વર્ષોથી પોતાના વહાલા લંડન શહેરને જોવાની ટેવ પડી હતી.
૩૬૯