________________
૨૬૨
નિકોલસ નિકલ્બી તારા ઉપર પ્રેમ કરવો છે, પણ તું મને તેમ કરવા દેવાની પણ ના પાડે છે! તારે ઘેર નથી આવવું?”
ના, ના, ના,” સ્માઇક પાછો ખસતો બોલી ઊઠ્યો.
એ બદમાશ કોઈને પ્રેમ કરી શકે તેમ જ નથી,” સ્લિવયર્સ બહાર ઊભો ઊભો ચાવીના કાણામાંથી બોલ્યો; “તેના ભાઈ જેવા વેકફૉર્ડ સાથે પણ તેણે પ્રેમ નથી કર્યો; તેની મા જેવાં મિસિસ સ્કિવયર્સ પ્રત્યે પણ તેણે પ્રેમ નથી કર્યો; પછી તમે તો એની પાસેથી પ્રેમની આશા જ શી રીતે રાખી શકો?”
અરે, લોકો “લોહીની સગાઈ” કહે છે, તે પણ આ છોકરામાં સહેજે નથી!” સ્નૉલી ઘૂરક્યો.
ખાસ કરીને આ કિસ્સામાં તો એવું જ ખરેખર લાગે છે!” બ્રાઉડી થોડીક કડવાશ સાથે બોલ્યો.
રાલ્ફ હવે નિકોલસને સંબોધીને કહ્યું, “આજે ને આજે તું સીધી રીતે તેને સોંપી દેશે, એમ હું માનતો જ ન હતો; પણ કાયદાની અદાલત નામની ચીજ છે, અને હું તારું બધું ગુમાન તોડી ન નાખું તો મને યાદ કરજે. તે મારી સાથેનો હિસાબ ચૂકતે કરવાની ધમકી આપી છે, તો તું પણ સાંભળી લે કે, એ છોકરો હવે મારી અને તારી વચ્ચેનો હિસાબ ચૂકતે કરવાનું સાધન આજથી બની રહેશે. અને કોનો હિસાબ ચૂકતે થાય છે, તે પણ તું જોઈ લેજે.”