________________
વિચિત્ર સંમિલન!
૨૩૯ તેની સાથે, હેં? શી વાત કરે છે, ભૂંડી ટિડા? તારું માથું બાણું ખસી ગયું છે કે શું?” | આટલું બોલતાંની સાથે ફેની બારણું ઉઘાડી અંદર ધસી આવી. અને બધાએ જોયું કે તે એકલી નહિ, પણ પાછળ તેનો ભાઈ અને તેના પિતા પણ મોજૂદ હતા.
અંદર આવીને પછી તો ફેનીએ પોતાની જીભને છૂટો દોર આપી દીધો. બ્રાઉડીએ તરત પોતાની પત્નીને કશો જવાબ આપતાં વારી; કારણ કે, નાહકની પેલી વધુ ચિઢાય અને વધુ સવારે ચઢે.
પણ ફેનીએ તો તેને જ હવે લપેટમાં લીધો અને જણાવ્યું, “વાહ સાહેબ, મને તમારા માટે પાણી ઉમેર્યા વિનાની નરી દયા આવે છે, ભલે તમે મને કદી વહુ ન બનવાનો શરાપ આપો કે મારા થતા ધણીને ભાગ્યશાળી કે કમભાગી કહો; પણ મને તો તમને તમારી આ ધણિયાણી મળવા બદલ દયા જ આવે છે, – કશાય ભેળસેળ વિનાની નવી નક્કોર દયા!”
“એમની બહુ દયા આવતી હોય તો મારે બદલે તું જ એમની સાથે રહે, મારી બાઈ!” મિસિસ બ્રાઉડી હવે ગરજી.
અને બાઈજી, તમે ભારે અક્કલવાળાં છો, તે જાણ્યું. હું મારા બાપુને મળવા ગઈ, અને તમારો માટીડો મને લેવા આવે ત્યાં સુધી હું નથી આવવાની, એમ માનીને તમે તો આને મળવા બોલાવવાની ખરી ગોઠવણ કરી ! પણ તમારી બધી ગોઠવણ નકામી ગઈ, અને હું તો સૌ દુશ્મનોની છાતી ઉપર આવીને ઊભી રહી, જોયું?”
“મને કંઈ ઉઝરડા પડવાના નથી, તું આવી તે, ભૂંડી!” મિસિસ બ્રાઉડીએ જવાબ આપ્યો.
“મને ગમે તેમ તુંકારવી નહિ, સમજી? હું સાંભળી નહિ રહું.”
હવે પૂરું કર ને ફેની; આમાં લડી પડવા જેવું શું છે તે?” જૉન બ્રાઉડી અધીરો થઈને બોલ્યો.