________________
૨૪૪
નિકોલસ નિકલ્બી બહારગામથી આવીને ઊતર્યો છું. મારે ઘેર હું કાલે સવારે જ આવીશ એવી ખબર હોવાથી, અત્યારે ત્યાં જઈ બધાંને ધમાલમાં નાખવાં ઠીક ન લાગતાં, અહીં જ રાત ગાળવા રોકાયો છું. સૂતા પહેલાં અહીં હું અર્ધોએક કલાક આ જાહેર કૉફીરૂમમાં બેસવા માટે આવ્યો હતો. તે વખતે પેલો માણસ પોતાના મિત્ર સાથે પીતાં પીતાં એક યુવતી વિશે ફાવે તેમ અપમાનભર્યું એલફેલ બોલી રહ્યો હતો. એ યુવતીના તેણે કરેલા ઉલ્લેખો ઉપરથી મને લાગ્યું કે, તે યુવતી મારા ઓળખાણની બાનુ જ છે. એ બાનુ વિષે એમ કાવે તેવા શબ્દો બોલવા મેં તેને ના પાડી. તેમ જ તે બાજુ તેના જેવા ભામટાઓના હાથની વસ્તુ પણ નહોતી, એ વાત તરફ મેં તેનું ધ્યાન ખેંચ્યું. પણ તે થોડોક થોભી, પાછો અહીંથી જતી વખતે વિશેષ બીભત્સ ભાષામાં તે યુવતી વિશે મને સંભળાવવા, યદ્રા-તદ્રા બોલવા લાગ્યો. એટલે મેં ઊઠીને તેની વિદાય ઝડપી બનાવવા તેને એક લાત લગાવી, જેથી તે પેલા ખૂણામાં જઈને પડ્યો. મારાં પરિચિતો -સંબંધીઓ બાબત મારા દેખતાં ફાવે તેમ બોલવાનો અધિકાર તેને જોઈતો હોય, તો પહેલાં મારી સાથેનો હિસાબ પતાવી લે!” | નિકોલસે પોતાની બહેન માટે યદ્રાદ્ધ બોલવા જનારા મલબેરી સાથે તાજેતરમાં જ મારામારી કરી હોવાથી, તે તરત એ જુવાનિયાના પક્ષમાં ખડો થઈ ગયો; અને તેને તે પક્ષમાં ખડો થયેલો જોઈ, જૉન બ્રાઉડી પણ, કશું વિશેષ સમજ્યો ન હતો છતાં, “જેને આવવું હોય તે આવી જાય,’ એમ કહી, તરત બાંયો ચડાવવા લાગ્યો.
આમ પેલા જુવાનિયાનો પક્ષ સબળો બની ગયેલો જોઈ, – સંખ્યાની દૃષ્ટિથી નહિ, તો બ્રાઉડી જેવા મહારથીની ભરતીથી–બધા હવે ઝટપટ વેરાવા લાગ્યા, અને કૉફી-રૂમવાળા નોકર-ચાકરો પણ અત્યાર સુધી પેલાનો પક્ષ લેતા હતા, તે હવે તેને ખૂણામાંથી ધકેલીને બહાર લઈ ગયા.