________________
૧૬૪
નિકોલસ નિકબી
“અલબત્ત, કાંઈ ખોટું કામ કરવા માટેનો ન હોય, તો આટલા બધા આગ્રહનો માટે સામનો કરવો ન જોઈએ. કેમ કે, આ કામ કરવામાં મને મારા સ્વાભિમાન સિવાય બીજું કાંઈ જ આડે આવતું નથી. પરંતુ, હું અહીં કોઈને નથી ઓળખતો, અને કોઈ મને અહીં નથી
ઓળખતું. એ સ્થિતિમાં મારે મારી જીદ પડતી જ મૂકવી જોઈએ. માત્ર મિસ સ્નેવેલીસીએ મને કેન્ટરબરીમાં જોયો છે કહે છે, એટલે તે મને ઓળખે છે, પણ એમનો તો વાંધો નહિ!”
મિસ સ્નેવેલીસીએ પહેલાં ભૂલમાં ઓળખું છું કહેલું, તેનો આવો ઉલ્લેખ થયો, તેથી મીઠું હસી તે ચૂપ રહી.
આમ, છેવટે નિકોલસ મિસ સ્નેવેલીસી સાથે ટિકિટ-વેચાણની યાત્રાએ નીકળ્યો, અને તેમાં તેણે દાખવેલી સમજદારી, તથા વાક-કુશળતાની પૅટ્રન-મંડળોમાં સારી અસર પડી. એને પરિણામે તેનો અભિનય અને તેણે લખેલો ખેલ જોવા ટિકિટો પણ સારા પ્રમાણમાં વેચાઈ. પરંતુ, ખેલ ખરેખર પડ્યો ત્યારે પ્રેક્ષકોનો જે ધસારો થયો, તે તો મિત્ર ક્રમલ્સની અતિશયોક્તિભરી ધારણાને પણ ટપી ગયો.
પ્રેક્ષકોનો ધસારો જોઈ, પાર્ટ ભજવનાર નટ-નટી ઉપર પણ સારી અસર થઈ; અને નિકોલસે પૂરી સમજદારીથી દરેક જણની ખાસિયત પ્રમાણે દરેકને કામગીરી સેંપી હોઈ, તથા દરેકને પોતપોતાના અભિનય માટે તેણે યોગ્ય સૂચનાઓ આપી હોવાથી, બધાંનું કામ ખૂબ દીપી આવ્યું. મિસ સ્નેવેલીસીએ તો પોતાનો આખો પ્રાણ જ પોતાના
અભિનયમાં રેડ્યો હતો. નિકોલસ અને મિસિસ ક્રમલ્સની જોડીએ પણ કમાલ કરી નાખી. તાળીઓના ગડગડાટ વચ્ચે જ્યારે ખેલ પૂરો થયો, ત્યારે પ્રેક્ષગણના સતત આગ્રહને લઈને મિસ સ્નેવેલીસીને તખ્તા ઉપર રજૂ કરવાની થઈ, તે વખતે નિકોલસ જ તેને દોરીને તખ્તા ઉપર લઈ આવ્યો. કારણ કે, સૌ નટ-નટીમાં સ્નેવેલીસીએ જ નિકોલસની મહેનતને સારી રીતે જેબ આપ્યો હતો.