________________
૨૧૦
નિકોલસ નિકલ્ટી ભાઈ ચાલશેં જ શરૂ કર્યું, “જુઓ ટિમ, આ જુવાન ગૃહસ્થને આપણે આપણા હિસાબી ખાતામાં લઈ લેવા માગીએ છીએ.”
ટિમે એ વાત ઉપર તો પૂરેપૂરી સંમતિ દર્શાવી દીધી. પણ પછી આગળ શી વાત તે કહેવાના છે તે જાણતો હોવાથી, ખિજવાયો હોય તેમ તે પોતે જ બોલવા લાગ્યો, “જુઓ, હું સવારમાં એક કલાક મોડો આવવાનો નથી; તથા અવારનવાર તાજી હવામાં સૂવા ગામડે જવાનો નથી; વાહ, એ તે શી વાત છે –!”
“તમારા જક્કીપણાને જહન્નમમાં લઈ જાય,” ડોસા ચાર્લ્સ ગુસ્સાથી વાજ આવી ગયા હોય તેમ બોલી ઊઠયા; “તમે શું કહેવા માગો છો, સાહેબ, હું સાંભળું તો ખરો !”
“હું પણ કહી જ નાંખવા માગું છું, અને મને કોઈની શેહશરમ અડતી નથી! હું ચુંવાળીસ વર્ષથી ચિયરીબલ બ્રધર્સની પેઢીના હિસાબો રાખતો આવ્યો છું. દર સવારે અને સાંજે એ પેઢીની તિજોરી બરાબર હું મારે હાથે ઉઘાડું છું અને વાણું છું, અને રાતે સાડા દસ વાગ્યે આખા મકાનનાં બારણાં બરાબર બંધ થયાં છે તથા અંગીઠીઓ બુઝાવવામાં આવી છે કે નહિ તે જોયા પછી, છેક ઉપરના મારા કમરામાં જઈને સુઈ જાઉં છું. એક દિવસ પણ છાપરા નીચેની મારી એ ઓરડીની બહાર હું ક્યાંય સૂતો નથી. અને હું ફરી ફરીને કહું છું કે, હું બીજે કયાંય સૂવા જવાનો પણ નથી. ભલે શિયાળો હોય કે ઉનાળો હોય, કામકાજ માટે કે આરામ માટે, લંડન જેવી બીજી કોઈ સુંદર જગા દુનિયામાં કયાંય હોય, એમ હું માનતો નથી. મારી કોટડીની બારીએથી સવાર થતાં જે દૃશ્ય દેખાય છે, તે દૃશ્ય જોઈને ઊઠવાની મને ટેવ પડેલી છે, અને એ દૃશ્ય જોયા વિના ઊઠવાનું મને ફાવે તેમ નથી. ભલે કોઈના કામકાજમાં કે કોઈને વેપારધંધામાં દખલ થતી હોય તો જુદી વાત; બાકી, હું તો એ કોટડીમાં જ મરવા પણ ઇચ્છું છું.”