________________
૨૧૨
નિકોલસ નિકલ્ટી ત્યાં ઊભરાઈ રહી, તેનું વર્ણન કરવાની જરૂર ખરી? મિ0 ટિમોધી લિકિનવૉટર બરાબર આઠ વાગ્યે આવીને કુટુંબની મુલાકાત લઈ ગયા. અને પાછા જઈ તેમણે નિકોલસ માટે ભારપૂર્વક ભલામણ કરી.
બીજે જ દિવસે નિકોલસનું સ્થાન ચિયરીબલ બ્રધર્સની પેઢીમાં, તાત્કાલિક તો વાર્ષિક એકસો વીસ પાઉંડને પગારે, નક્કી થઈ ગયું.
દરમ્યાન ચિયરીબલ ભાઈઓ વચ્ચે પાછો એક મીઠો ઝઘડો જામી ગયો. ભાઈ ચાર્લ્સ નિકોલસને રહેવાને માટે કંપનીની માલકીની એક કોટેજ “કંઈક ઓછા ભાડે આપવા સૂચવ્યું, જેથી નિકોલસને વધુ રાહત રહે. ત્યારે ભાઈ નેડે એ મકાન મફત જ આપવાનો આગ્રહ રાખ્યો. ભાઈ ચાર્લ્સે કહ્યું, “થોડું ભાડું લઈએ, તો આખા કુટુંબને કરકસરની ટેવ પડે, માટે વર્ષો પંદર કે વીસ પાઉંડ ભાડું લેવું, અને પછી બીજી રીતે, એટલે કે, ફર્નિચર ખરીદવા વગર વ્યાજે હું લોન આપું, અને પછી તમે મારાથી છાની બીજી લોન તેને આપો, એ રીતે એ ભાડું તેને જ પાછું વાળી દેવું. અને જો નિકોલસનું કામકાજ આપણને સંતોષકારક માલૂમ પડે, તે તે આપણે એ લોનનો બક્ષિસ તરીકે ફેરબદલો કરી નાખવો. બોલો ભાઈ નેડ, એ વાતમાં તમારે શી તકરાર છે?”
ભાઈ નેડને આ યોજના તો કબૂલ હતી, એટલે તરત ભાઈ ચાર્લ્સનો હાથ પકડી, તેમણે આનંદથી દબાવ્યો. અને પૂરું સમાધાન કરી લીધું. એકાદ અઠવાડિયામાં તો નિકોલસનું કુટુંબ નવા મકાનમાં રહેવા પણ આવી ગયું.
પણ પછી તો આ મકાનમાં કોઈ ભૂત આવીને મૂકી જતું હોય તેમ, રોજ નિકોલસ પાછો આવે ત્યારે, કયાંકથી કશી ઉપયોગી ચીજ ઘરમાં આવી પડી હોય, તેવા સમાચાર તેને સાંભળવા મળવા લાગ્યા.
મિસ લા ક્રોવી એક બે દિવસ કાઢી ઘરને ગોઠવવા સજાવવામાં મદદ કરવા આવી ગઈ હતી, અને અવારનવાર આવતી જ રહેતી. તેને આ કુટુંબ સાથે બહુ ઘરોબો થઈ ગયો હતો.