________________
૧૦૮
નિકોલસ નિકલ્બી આપતાં ઉમેર્યું કે, “પાર્લમેન્ટ-સભ્ય છે, એટલે શરતો સારી જ હશે. તમે ભાગ્યશાળી છો; જલદી ત્યાં જ ઊપડો.”
નિકોલસ આભાર માની, ફી આપી, ત્યાંથી જવા નીકળતો હતો તેવામાં, માલિકણ જરા આઘીપાછી થતાં, ટૉમે આંખ મિચકારીને તેને પૂછયું, “કેમ મિસ્ટર, પેલી કેવી હતી?”
“કોણ વળી?” નિકોલસે જરા કડકાઈથી પૂછયું.
વાહ ભાઈ! કઈ છોકરી ? હેં? અરે, કાલે સવારે તે અહીં આવે, ત્યારે મારી જગાએ તમે આ ટેબલ ઉપર હો તો કેવી મજા આવે, એવું તમે પોતે ઇચ્છી રહ્યા છો તે વળી!” આમ બોલી તેણે ડચકારો વગાડ્યો.
| નિકોલસને એ બદમાશને એક તમાચો મારવાનું મન થયું. પરંતુ, પેલી સુંદર યુવતીને પોતાની આટલી નાની ઉંમરે આવી જગાઓએ નોકરી માટે શાથી ભટકવું પડતું હશે, તથા તે કેવી દુ:ખદાયક સ્થિતિમાં આવી પડી હશે, એ વિચારે જ તેના મનને ઘેરી લીધું.
વેસ્ટ મિન્સ્ટરના પ્રાચીન નગરના સ્થાને એક સાંકડો અને ગંદો લત્તો છે, જ્યાં પાર્લમેન્ટના સામાન્ય સભ્યોનો વસવાટ છે. પાર્લમેન્ટ ન ચાલતી હોય ત્યારે તે લત્તામાં બારણાં ઉપર ‘ભાડે આપવાનું છે,’ એવાં પોસ્ટરો જ લટકાવેલાં હોય છે. માંચેસ્ટર બિલ્ડિગ્સ પાસે જઈ, એક નોકર બારણું પકડી ઊભો હતો તેને નિકોલસે પૂછયું ‘મિ૦ ગ્રેગ્ઝબરી અંદર છે?'
પેલાએ તેને અંદર ઝટપટ આવી જવા કહી, બારણું જોરથી બંધ કરી દીધું. નિકોલસે અંદર જઈને જોયું, તો એક આખું ટોળું લાઈનબંધ, ગંભીર મોંએ, તથા કંઈક મરણિયા નિશ્ચય ઉપર આવી ગયું હોય તે રીતે, મિ૦ ગ્રેગ્ઝબરીને મળવા આતુર થઈને ઊભું હતું. નિકોલસ સહેજે તેમાં જોડાઈ ગયો.