________________
૪૦
જિનમાર્ગનું અનુશીલન અહિંસામાં અહિંસા = ન હિંસા = હિંસા ન કરવી એ તો આવી જ જાય, પણ એટલાથી જ અહિંસાના પરમધર્મનું પાલન કર્યાનો સંતોષ માની લેવામાં અહિંસાનો ખરો અર્થ કે હેતુ સરતો નથી. અહિંસા-પાલનમાં નિષેધની જરૂર હોઈ શકે, પણ કેવળ નિષેધો પર વધુ ઝોક અપાય છે ત્યારે નિષેધ એક ટેવ બની જાય છે. તેમાંથી એની એક પરંપરા બને છે, અને લાંબે ગાળે એ ટેવ કે પરંપરાને જ ધર્મનું કશુંક કર્યું એમ ગણી લેવામાં આવે છે.
પાક લેવા માટે જમીન ખેડીને ચોખ્ખી કરવી પડે અને નિંદામણ કાઢવું પડે, રક્ષણ માટે વાડ પણ જોઈએ; તેવું કંઈક નિષેધો માટે કહી શકાય. એનો ઉપયોગ પણ હોઈ શકે. પરંતુ પાક પકવીને લેવા માટે તો તેને પોષણ મળે તેવાં સર્જનાત્મક કે રચનાત્મક કંઈક ખાતર, પાણી, હવા, પ્રકાશ વગેરે પણ મળવાં જોઈએ.”
અંતમાં, અહિંસાની ભાવનાને રચનાત્મક કે વિધેયાત્મક રૂપે, સક્રિયપણે જીવન સાથે વણી લેવાની ભાવના જાગે અને એ માટેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તો એથી વ્યવહારશુદ્ધિ રૂપે તથા બીજી રીતે પણ કેટલો બધો લાભ થાય એ વાત સમજાવતાં શ્રી અંબુભાઈ કહે છે –
“નિષ્ક્રિય અને નકારાત્મક અહિંસામાંથી સક્રિય અને વિધેયાત્મક અહિંસાનો જીવનમાં સાક્ષાત્કાર કરવાનો આ જ રાજમાર્ગ જણાય છે. એક વખત આ વાત સમજાય તો પછી વિધાયક એવું શું-શું કરવું જોઈએ એ જોવા-સમજવાની બારી ઊઘડી એમ સમજવું. પછી શું-શું ન કરવું એની સાથે શું-શું કરવું એ પણ સમજાશે. પછી ભેળસેળ ન કરવી એ તો સમજાશે જ, પણ પોષણદાયક અને આરોગ્યવર્ધક ચીજવસ્તુઓ કઈ રીતે આપવી એ સમજાશે. કરચોરી ન કરવી અને પરિગ્રહ ન વધારવો એ તો સમજાશે જ, પણ સમાજહિતમાં ટ્રસ્ટી કેમ થવું અને અપરિગ્રહી કેમ બનવું એ પણ સમજાશે.”
અહિંસાના નિષેધાત્મક રૂપ ઉપર વધારે પડતો કે ઐકાંતિક તથા એકાંગી ભાર આપવાને બદલે એના વિધેયાત્મક-રચનાત્મક રૂપને પણ અપનાવવાની કેટલી જરૂર છે, અને એમ થાય તો જ અહિંસાની ભાવનાને પૂરી રીતે પાલન કર્યું લેખાય એ પાયાની વાત આ લેખમાં પ્રતીતિકર રીતે સમજાવવામાં આવી છે. મતલબ કે અહિંસા અને કરુણાની ભાવના એક જ સિક્કાની બે બાજુ છે, અને અહિંસાનું રચનાત્મક સ્વરૂપ કરુણા-મહાકરુણાની ભાવનાના આચરણમાં વધારે પ્રગટ થવા પામે છે.
(તા. ૯-૧૨-૧૯૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org