________________
૧૦૬
જિનમાર્ગનું અનુશીલન
એટલું જ સાચું છે. જે ક્ષેત્રમાં આપણા અંતિમ તીર્થંકર મહાવીરસ્વામીના હાથે જૈનધર્મનું છેલ્લું નવસર્જન થયું, એ પ્રદેશમાં તથા એની આસપાસનાં નજીકનાં ક્ષેત્રોમાં પણ એ નામશેષ જેવો થઈ ગયો એ ઘટના ભારે દિલગીરી ઉપજાવે એવી હોવાની સાથે, જેઓ ધર્મપ્રચારના ઇતિહાસનું અંતર્મુખ અવલોકન કરવા માગતા હોય તેમને બહુવિધ સામગ્રી પૂરી પાડે એવી છે. વળી, આજની અશાંત અને સંતપ્ત દુનિયાને જીવો અને જીવવા દો' એવો સર્વજીવસુખકર ઉપદેશ આપતો ધર્મ દુનિયાને સુખશાંતિના માર્ગે દોરી શકે એમ છે એવી જેમના અંતરમાં શ્રદ્ધા છે તેમને જૈનધર્મના પ્રચાર માટે પ્રેરણા અને માર્ગદર્શન પણ આ પૂર્વ-ઇતિહાસમાંથી જ મળી રહે એમ છે.
જૈનધર્મના પ્રચારને અનુલક્ષીને આટલું વિવેચન કરવા પાછળનો મુખ્ય આશય એ છે કે આપણા ધર્મગુરુઓ જ જૈનધર્મના મુખ્ય પ્રચારકો અને ઉપદેશકો હોવાના કા૨ણે જૈનધર્મની વિશાળતામાં જે ઓટ આવી તે તેઓની સંકુચિતતાનું જ પ્રતિબિંબ છે. ગમે તેમ પણ સમયના વહેવા સાથે આપણે ત્યાં નવા-નવા સંપ્રદાયો, પેટા-સંપ્રદાયો, ગચ્છો, પેટા-ગચ્છોની સંખ્યા વધતી ગઈ અને જૈનધર્મના મૂળ અનુયાયીઓની સંખ્યા ઘટતી ગઈ. આની મુખ્ય જવાબદારી આપણા ધર્મગુરુઓની છે; એટલું જ નહીં, એમાંથી જે ગણ્યાગાંઠ્યા દીર્ઘદૃષ્ટિસમ્પન્ન હતા, તેમણે હ્રદયની વિશાળતા કેળવીને જૈનધર્મનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો, તો તેમને પણ પૂરતો સાથ આપવામાં નથી આવ્યો; વધારામાં તેમની અવહેલના કે નિંદા કરતાં સુધ્ધાં આપણે અચકાયા નથી.
તેથી જે-જે મુનિવરો અત્યારે જૈનોની જાહોજલાલીના કેન્દ્રરૂપ બની ગયેલાં માત્ર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, માળવા કે એવાં થોડાંક ક્ષેત્રોમાં ગોંધાઈ ન રહેતાં, અને માત્ર પોતાની અગવડ-સગવડના વિચારના વમળમાં અટવાઈને પોતાના ધર્મપ્રચારના ક્ષેત્રને બંધિયાર નહીં બનાવી દેતાં, દેશના સીમાડાઓમાં પહોંચવાની હામ ભીડે છે, તેમના પ્રત્યે અમારું મસ્તક ભાવપૂર્વક નમી જાય છે.
આવા પુરુષાર્થી ધર્મપ્રચારક મુનિવરોમાં પૂ. આ. મ. શ્રી વિજ્યનીતિસૂરિજીના સમુદાયના પૂ. મુ. શ્રી કનકવિજ્યજીનું નામ ઉમેરાયેલું જોઈને અમે ભારે હર્ષ અનુભવીએ છીએ.
પૂ. કનકવિજયજી મહારાજ છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતનાં દૂર-દૂરનાં ક્ષેત્રોમાં વિચરી રહ્યા છે. પણ એ બીના તરફ જનતાનું વિશેષ ધ્યાન આજ લગી ખેંચાયું ન હતું. જનતાનું અને અમારું પણ વિશેષ ધ્યાન તો ત્યારે દોરાયું કે જ્યારે અમે જાણ્યું કે આ મુનિવરે જૈનોની નામમાત્રની પણ વસ્તી નહીં ધરાવતી નેપાળની ધરતીનો પ્રવાસ ખેડવાની હામ ભીડી અને સફળતાપૂર્વક એ પ્રવાસ પાર પાડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org