________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન ઃ ૬, ૭
૩૪૫
અમુકઅમુક સમયને અંતરે આ કૉન્ફરન્સની ઢબનું સંમેલન નિયમિત યોજવામાં આવે, જેમાં જૈન વિદ્યાનું કામ કરતા સૌ ભાગ લઈ શકે.
(તા. ૧-૧૨-૧૯૬૬)
(૭) અધતન જૈન વિદ્યાધ્યયન માટેનાં
કેન્દ્રસ્થ ગ્રંથાલયોની જરૂર
જુદાંજુદાં અનેક શહેરોમાં તેમ જ કેટલાંક ગામોમાં પણ જૈન પુસ્તકાલયો કે જ્ઞાનભંડારો સારી એવી સંખ્યામાં છે, અને નવાં નવાં સ્થપાતાં પણ જાય છે. આમાંનાં કેટલાંક સંઘહસ્તક ગણાય કે સમાજહસ્તક છે, તો કેટલાંક આચાર્યો કે મુનિવરોનાં ગણાય એવાં છે. કેટલાક ગ્રંથભંડારો તો હર્ષ ઊપજે એવા સમૃદ્ધ પણ છે. વળી કેટલાક જ્ઞાનભંડારોમાં છપાયેલાં પુસ્તકો ઉપરાંત હસ્તલિખિત ગ્રંથો પણ મોટી સંખ્યામાં મોજૂદ છે. આમ છતાં અમને અહીં કેન્દ્રસ્થ ગ્રંથાલયોની જરૂર અંગે લખવાનું ઉચિત તેમ જ જરૂરી લાગે છે.
આપણે ત્યાં પુસ્તકાલયો, જ્ઞાનભંડારો કે જ્ઞાનમંદિરો આટલાં બધાં હોવા છતાં, સમગ્ર જૈનસાહિત્ય ઉપરાંત સંશોધન માટેની આવશ્યક સામગ્રીની દૃષ્ટિએ સર્વાંગસંપૂર્ણ, તેમ જ સર્વ વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને જેમાંના ગ્રંથો સરળ રીતે પ્રાપ્ત થઈ શકે એવા ગ્રંથભંડારો કેટલા? કયાંક ગ્રંથસંગ્રહ બહુ ઉપયોગી અને મહત્ત્વનો હોય છે, તો ત્યાં પુસ્તકો સહેલાઈથી મળી શકે એવી વ્યવસ્થા નથી હોતી. ક્યાંક વ્યવસ્થા ઠીક હોય છે, તો ત્યાં સર્વાગી સાહિત્યસામગ્રી નથી.
આ સ્થિતિને કારણે, તદુપરાંત આમ-સમાજમાં અહિંસાના અભિનવ પ્રચારને કારણે, તેમ જ જૈન-સાહિત્યમાંની અણખેડાયેલી કે ઓછી ખેડાયેલી વિપુલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રીને કારણે જૈનસાહિત્ય તરફ અભ્યાસીઓ, જિજ્ઞાસુઓ અને દેશ-વિદેશના વિદ્વાનોનું ધ્યાન દોરાવા લાગ્યું છે તેનો ખ્યાલ કરતાં, દેશના કેન્દ્રરૂપ લેખી શકાય એવાં કેટલાંક મુખ્ય સ્થાનોમાં મુખ્યત્વે વિપુલ જૈન ગ્રંથરાશિ ધરાવતાં ગ્રંથાલયોની સ્થાપના કરવાનો વખત ક્યારનો પાકી ગયો છે. '
આવાં ગ્રંથાલયોમાં જૈનોના બધા ય ફિરકાનું સમગ્ર સાહિત્ય તો હોય જ; ઉપરાંત દેશ-વિદેશમાં જૈનેતર વિદ્વાનોના હાથે જે-જે જૈન ગ્રંથોનું સંશોધન કે સંપાદન થયું હોય, અથવા ઐતિહાસિક, તુલનાત્મક કે સંશોધક દૃષ્ટિએ જે નાના-મોટા લેખો કે ગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org