________________
પ૦૬
જિનમાર્ગનું અનુશીલન પણ જાણી શકાય છે કે શરૂઆતમાં દસેક હજાર શ્લોકપ્રમાણના અને ભારત' નામે ઓળખાતા આ ગ્રંથરત્નમાં સમયે-સમયે એટલા ઉમેરા થતા ગયા કે છેવટે એ આશરે એક લાખ શ્લોકોનો મહાકાય ગ્રંથ બની ગયો અને મહાભારત' એવા યથાર્થ નામથી ઓળખાવા લાગ્યો.
ભારતીય પ્રજા, સંસ્કૃતિ અને સંસ્કારિતાનાં હૂબહૂ દર્શન કરાવતો આ મહાગ્રંથ સાચે જ અજોડ છે. એમાં માનપ્રકૃતિનાં કેટકેટલાં પાસાં જોવા મળે છે ! જેને જે રસ જોઈએ અથવા જેને દૈવી ગુણવિભૂતિ અને સુકૃતિઓના અથવા આસુરી દુવૃત્તિ અને દુષ્યવૃત્તિના અને તેના ભલા કે બૂરા અંજામનાં દર્શન કરવાં હોય, તેને તે એમાંથી મળી રહે એવો એ આકર-ગ્રંથ છે. અત્યારે વિકસી રહેલા મનોવિજ્ઞાનની દૃષ્ટિએ તો આ ગ્રંથરાજ ખૂબ મનનપૂર્વક અભ્યાસ કરવા જેવો છે; કારણ કે એ ગ્રંથમાંની અસંખ્ય ઘટનાઓ અને એ બધી ઘટનાઓના ઘડવૈયા બનતાં અનેક પાત્રો માનસશાસ્ત્રના કોઈક ને કોઈક નિયમને સમજવા-સમજાવવા માટે અસરકારક અને અનુરૂપ દાખલાની ગરજ સારે છે.
સંસારીઓને વળગેલા અને સંસારના ફેરાને વધારવાનું નિમિત્ત બનતાં કષાયો, કર્મો અને રાગદ્વેષની પરિણતિના (અથવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સરરૂપ પરિપુવર્ગના) પાશવી કે આસુરી બળને અને આત્મસાધનાના માર્ગના પુણ્યયાત્રિકો દ્વારા ઉપાસવવામાં આવતી સમતા, અહિંસા, કરુણા, સચ્ચાઈ, સહિષ્ણુતા જેવી દેવી ગુણસંપત્તિના બળને એટલે કે માનવીના જીવનનો અપકર્ષ અને ઉત્કર્ષ સમજાવતી ભારતની પ્રાચીન તત્ત્વપરંપરાને સમજવામાં ઉકેલવામાં આ મહાગ્રંથ ગુરુચાવી જેવી ઉપયોગિતા અને મહત્તા ધરાવે છે. ખરેખર, મહાભારત એ ભારતીય સંસ્કૃતિના ગૌરવરૂપ અને ભારતીય સાહિત્યના શિરોમણિરૂપ મહાગ્રંથ છે.
કોઈ પણ જાતની અતિશયોક્તિ વગર એમ ખુશીથી કહી શકાય, કે સમયેસમયે નાનાં-મોટાં અનેક રાજ્યોમાં વિભાજિત થતી રહેલી ભારતની ધરતી અને સામાન્ય ભલી-ભોળી પ્રજાને એકતાના સૂત્રે બાંધી રાખવાનું અસાધારણ મહત્ત્વનું અને ઐતિહાસિક કામ જૂના વખતથી તે અત્યાર સુધી, જે પરિબળોએ કે સાધનોએ કર્યું છે, એમાં મહાભારત તથા રામાયણનો ફાળો ઘણો મોટો છે.
વળી, મહાભારત તથા રામાયણની કથાઓ જૈનધર્મના સાહિત્ય સહિત, ભારતનાં અન્ય ધર્મો, ભાષાઓ તેમ જ પ્રાંતોમાં, જુદાજુદા સમયે, ઘટનાઓના કેટલાક ફેરફાર સાથે રચાતી રહી છે; એ બીના પણ આ બે ગ્રંથોએ ભારતીય જીવનમાં કેવું અગત્યનું સ્થાન મેળવ્યું છે તેનો ખ્યાલ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org